×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MPના સીધીમાં ટ્રક અને બસના ભયાનક અકસ્માતમાં 12ના મોત, CMએ સહાયની જાહેરાત કરી

Image : twitter

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં ગઈકાલે એક ભયંકર અકસ્માત થયો હતો. મોહનિયા ટનલ પાસે ટ્રકની ટક્કરથી ત્રણ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતની દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 50 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોમાં 15થી 20 લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત કરી હતી.

CMએ સહાયની જાહેરાત કરી

ગઈકાલે મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં થયેલા ભયાનક અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રુપિયા 10 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રુપિયા અને નજીવા ઈજાગ્રસ્ત લોકોને એક લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે મૃતકોના સંબધીઓને તેમની યોગ્યતા અનુસાર સરકારી નોકરી પણ આપવામાં આવશે. આ અકસ્માતની પ્રાથમિક વિગાત મુજબ એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકનું ટાયર ફાટવાને કારણે તે બાજુમાં ઉભેલી ત્રણ બસ સાથે અથડાઈ હતી. બે બસ પલટી ખાઈ ગઈ અને ત્રીજી બસને ભારે નુકસાન થયું.

અમિત શાહના કાર્યક્રમમાંથી બસો પરત આવી રહી હતી

બસમાં સવાર મુસાફરો સતનામાં અમિત શાહના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. સતનામાં કોલ જનજાતિના શબરી ઉત્સવમાં હાજરી આપીને પરત ફરતી વખતે આ ઘટના બની હતી. મુખ્યમંત્રી ચૌહાણ સીધી અને રીવા જિલ્લા પ્રશાસનના સતત સંપર્કમાં છે. આ કાર્યક્રમ સાંજે 5.30 વાગ્યે સમાપ્ત થયો ત્યારબાદ તમામ બસો કાર્યક્રમમાંથી પરત આવી રહી હતી.