×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

LIC IPO : કયા ભાવે મળશે LICનો શેર ? પોલિસીધારક-રિટેલને કેટલું ડિસ્કાઉન્ટ મળશે ?


26 એપ્રિલ, 2022 મંગળવાર

અમદાવાદ : ભારતના સૌથી મોટા આઈપીઓની જાહેરાત થઈ ચૂકી છે. આવતીકાલે આધિકારીક રીતે એલઆઈસીના આઈપીઓની અને શેરભાવની જાહેરાત થઈ જશે. જોકે સરકારી સૂત્રોએ આપેલ માહિતી અનુસાર એલઆઈસીના આઈપીઓમાં 902-949ના ભાવે શેર ઈશ્યુ કરવામાં આવશે.

સૂત્રોએ આપેલ માહિતી અનુસાર આઈપીઓમાં રૂ. 21,000 કરોડ એકત્ર કરવા લોઅર બેન્ડ પર રૂ. 902 અને હાયર બેન્ડ પર રૂ. 949ના ભાવે ઈશ્યુ કરવામાં આવશે. ભારતનો સૌથી મોટો આઈપીઓ જીવન વીમા નિગમનો આઈપીઓ 4થી મે ના રોજ ખુલશે અને 9મી મે ના રોજ બંધ થશે. સરકાર આઈપીઓ થકી 3.5% જ હિસ્સો વેચવા જઈ રહી છે અને જો મજબૂત પ્રતિસાદ સાંપડશે તો આઈપીઓમાં ઓફર ફોર સેલ 5% સુધી વધારી શકે છે.

23મી એપ્રિલે એલઆઈસીના બોર્ડે આઈપીઓ સાઈઝ ઘટાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે પોલિસીધારકો માટે 10 ટકા રિઝર્વેશન રાખવામાં આવ્યું છે અને 5 ટકા હિસ્સો કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યો છે. 

કોને કેટલું ડિસ્કાઉન્ટ ?

રિપોર્ટ અનુસાર એલઆઈસીના આઈપીઓમાં કર્મચારીઓને 5% ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ સિવાય વર્તમાન પોલિસીધારકોને એલઆઈસીના શેર પર 6% ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે એટલેકે પ્રતિ શેર પોલિસીધારકોને 60 રૂપિયા ઓફર કરવામાં આવશે.

નાના રોકાણકારોને આકર્ષવા માટે સરકારે આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સને પણ 5% એટલે કે 45 રૂપિયા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.

કેટલા શેર માટે કરી શકશો એપ્લાય ?

LIC IPOમાં મિનિમમ એપ્લાય લોટ સાઈઝ 15 શેરની હશે એટલેકે એક અરજી માટે 15 શેર માટે એપ્લાય કરવું પડશે. રિટેલ કેટેગરીમાં એપ્લાય કરવા માટે રોકાણકારો મહત્તમ 14 લોટ માટે એપ્લાય કરી શકશે એટલેકે 210 શેર માટે બિડ કરી શકશે.