×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

LG સાહેબ, શિક્ષકોને વિદેશ જવા દો, બાળકોનું ભવિષ્ય ન બગાડો : કેજરીવાલ રસ્તા પર ઉતર્યા


-  અરવિંદ કેજરીવાલ સહિત AAPના ધારાસભ્યોએ LG ના આવાસ સુધી રેલી કરી

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2023, સોમવાર

દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને LG વી.કે. સક્સેના વચ્ચેનો વિવાદ અટકવાની જગ્યાએ દરરોજ એક નવા સ્તરે પહોંચી રહ્યો છે. સોમવારના રોજ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યોએ વિધાનસભામાં પહેલા LG વી.કે. સક્સેના પર પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ તેમના આવાસ સુધી રેલી કરી હતી. સીએમ અરવિંદ કેજરીવાલ પોતે રસ્તા પર આવ્યા હતા અને LG પર અનેક આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે LGએ દિલ્હીના શિક્ષકોને વિદેશ મોકલતા અટકાવ્યા છે. તેઓ દિલ્હીના બાળકોનું સારું શિક્ષણ રોકવા માંગે છે. 

વિધાનસભાનું સત્ર શરૂ થતા AAPના ધારાસભ્યોએ એક વખત ફરીથી LG વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. LG પર દિલ્હી સરકારના કામકાજને રોકવાનો આરોપ લગાવતા 'હિટલરશાહી નહીં ચલેગી'ના નારા લગાવવામાં આવ્યા હતા. હાથમાં પોસ્ટરો-બેનરો પકડીને ધારાસભ્યો વેલમાં ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. ગૃહની કાર્યવાહી પહેલા 10 મિનિટ અને ત્યારબાદ અડધોકલાક સ્થગિત કરવી પડી હતી. ત્રીજી વખત કાર્યવાહી શરૂ થયા બાદ પણ હંગામો બંધ ન થતા સમગ્ર દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

કેજરીવાલે કહ્યું હતું કે અમે શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ મોકલવા માંગીએ છીએ પરંતુ LGએ કહ્યું હતું કે તેમને ભારતમાં જ તાલીમ આપવામાં આવે. દિલ્હીની સરકાર, દિલ્હીના બાળકો, દિલ્હીની જનતાના  ટેક્સના પૈસા, દિલ્હીના પૈસાથી શિક્ષકોને ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે તો LG સાહેબને શું તકલીફ છે. મને એ વાતનું દુઃખ છે કે LG સાહેબ દિલ્હીના બાળકોને સારૂ શિક્ષણ નથી અપાવવા માંગતા નથી. 

કેજરીવાલે એક વખત ફરીથી સુપ્રીમ કોર્ટની ટીપ્પણીને ટાંકતા કહ્યું હતું કે એકલા LG પાસે નિર્ણયો લેવાની સત્તા નથી. કેજરીવાલે કહ્યું હતું કે LG કહે છે કે તે સુપ્રીમ કોર્ટને નથી માનતા. જો કોઈ LG અથવા રાજ્યપાલ કહે કે તેઓ સુપ્રીમ કોર્ટને નથી માનતા તો પછી દેશમાં લોકશાહી કે બંધારણ ટકી શકશે નહીં. અમને દુઃખ છે કે અમારા શિક્ષકોને ફિનલેન્ડ મોકલવામા આવે તે માટે દિલ્હીના મુખ્યમંત્રી અને ધારાસભ્યોએ રેલી કરવી પડી છે. જો 2 કરોડ લોકોએ મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા અને તે પોતાના શિક્ષકોને તાલીમ માટે ફિનલેન્ડ ન મોકલી શકે તો આવી ચૂંટણીનો શું ફાયદો?

LG ઓફિસનો ઈનકાર

મળતી માહિતી અનુસાર એક વખત ફરીથી શિક્ષકોને ફિનલેન્ડ મોકલવાની દરખાસ્તને નકારી કાઢવાની વાતનો ઈનકાર કરવામાં આવ્યો છે. LG ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આ દરખાસ્તને નકારી કાઢવામાં નથી આવી. તેનાથી વિપરિત કહેવામાં આવતી કોઈપણ વાત ભ્રામક અને તોફાન દ્વારા પ્રેરિત છે.