×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

LAC નજીક 600 ગામ, મોનિટરિંગ ટાવરઃ શું છે ચીનની તૈયારી


- ચીન તવાંગના જિયાંગશી વિસ્તાર પર કબજો કરવા માંગે છે

- ચીન લાંબા સમયથી સરહદી વિસ્તારોમાં યથાસ્થિતિ પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

- ચીને LAC નજીક નાગરિકો માટે ગામડાઓ બનાવવાના બહાને સેના માટે ઠેકાણાઓ બનાવ્યા છે

નવી દિલ્હી, તા. 13 ડિસેમ્બર 2022, મંગળવાર

ભારત અને ચીનના સેનાઓ વચ્ચે 1962ના યુદ્ધ બાદ પ્રથમ વખત 2020માં લદ્દાખમાં આવેલ પેંગોંગ ઝીલની નજીક અથડામણ થઈ હતી. આ લોહિયાળ અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા અને ચીનના 50 સૈનિકો માર્યા ગયા હોવાની વાત સામે આવી હતી. હવે તેના બે વર્ષ બાદ તવાંગમાં ચીની સેનાએ અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો છે જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. મળતી માહિતી મુજબ ચીન તવાંગના જિયાંગશી વિસ્તાર પર કબજો કરવા માંગે છે. તેથી ત્યારે ક્યારેક ડ્રોન ઉડાડે છે તો ક્યારેક અતિક્રમણ કરવાનો પ્રયાસ કરે છે. ચીનની સેના સાથે આ અથડામણ 17,000 ફૂટની ઉંચાઈ પર થઈ હતી પરંતુ ચીનની આ હરકત નવી નથી. તે લાંબા સમયથી સરહદી વિસ્તારોમાં યથાસ્થિતિ પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

ચીન તરફથી લદ્દાખથી  અરૂણાચલ પ્રદેશ સુધી LAC પર સક્રિયતા વધારવામાં આવી છે. એટલું જ નહીં વાસ્તવિક સરહદ રેખાની નજીક નાગરિકો માટે ગામડાઓ બનાવવાના બહાને તેણે સેના માટે ઠેકાણાઓ બનાવ્યા છે. તેમને મોડલ ઈન્ટીગ્રેટેડ વિલેજના નામે વિકસાવવામાં આવી રહ્યા છે. તેમાં સ્પોર્ટસ ફેસિલિટિઝ સહિત તમામ સુવિધાઓ પણ આપવામાં આવી છે. જો કે આ ગામડાઓમાં ગ્રામીણોના બદલે PLAના સૈનિકો જ રહે છે. ચીનના શહેરી વિસ્તારોમાંથી આ ગામડાઓમાં આવીને વસવા માટે નાગરિકો તૈયાર નથી તેથી ત્યાં સૈનિકો રાખવામાં આવી રહ્યા છે. ચીનનું કહેવું છે કે આ ગામડાઓમાં આદિવાસી લોકોને રાખવામાં આવશે. 

ચીને બોર્ડર પાસે આશરે 300 ગામડાઓ તૈયાર કર્યા છે

ગત વર્ષે નવેમ્બરમાં આવેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ચીને LACની નજીક 600 ગામોને વસાવવાનો નિર્ણય લીધો છે. તેમાંથી અડધા એટલે કે આશરે 300 ગામ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમની સરહદ નજીક ચીને આ ગામોને ઝડપથી બનાવવાનું કામ શરૂ કર્યું છે. ગામોના નામવાળી બિલ્ડિંગોમાં મોનિટરિંગ માટે ટાવર પણ બનાવવામાં આવ્યા છે. તેમની ડિઝાઈન પરથી સ્પષ્ટ થાય છે કે તે એક રહેણાંક ઘરથી વધુ લશ્કરી હેતુ માટે રચાયેલ બિલ્ડિંગ છે. વાસ્તવમાં સંરક્ષણ વ્યૂહરચનાકારોનું માનવું છે કે ચીન આ ગામડાઓ દ્વારા એ વાત પર ધ્યાન આપી રહ્યું છે કે જરૂરિયાત ઉભી થાય ત્યારે સૈનિકોને તરત જ સરહદ પર મોકલી શકાય. આ તેમની હિલચાલને સરળ બનાવશે. 

શું હવે ચીનની વ્યૂહચરના રંગ બતાવવા લાગી છે?

વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે ઈસ્ટર્ન આર્મી કમાન્ડર પણ રહી ચૂક્યા છે. તેમણે આ તૈયારીઓ અંગે કહ્યું હતું કે ચીન અહીંયા બે હેતુઓથી ગામ વસાવી રહ્યું છે. પ્રથમ એ છે કે અહીં વસ્તીને વસાવી શકાય છે. આ સિવાય ચીન સૈનિકો માટે પણ વ્યવસ્થા કરી રહ્યું છે. આ ગામો ચીની સેનાના ઠેકાણાથી આગળ વસાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અતિક્રમણનો ભય રહે છે. સ્પષ્ટ છે કે ચીનની આ વ્યૂહરચના હવે રંગ બતાવવા લાગી છે અને તેનાથી ભારતની ચિંતા પણ વધી છે. ઉલ્લેખનીય છે કે અનેક વર્ષોથી ચીન અને ભારત વચ્ચે સરહદ પર છૂટીછવાઈ અથડામણો થતી રહી છે.