×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

JNUમાં વેબિનાર માટે લખ્યું 'Indian occupation in Kashmir', પ્રશાસને કર્યું રદ્દ


- જેએનયુએસયુ અને લેફ્ટ સમર્થક વિદ્યાર્થીઓએ ત્રિપુરા હિંસાને લઈ રાતે એક પ્રોટેસ્ટ કાઢ્યું હતું

નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2021, શનિવાર

જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયુ) ફરી એક વખત વિવાદોના ઘેરામાં છે. હકીકતે 29 ઓક્ટોબરના રોજ સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીર પર આધારીત આ કાર્યક્રમમાં કાશ્મીરને 'Indian occupation in Kashmir' (કાશ્મીરમાં ભારતનો કબજો) એ રીતે સંબોધિત કરવામાં આવ્યું હતું. એબીવીપીના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો ભારે વિરોધ કર્યો હતો. 

જેએનયુ પ્રશાસનને આ અંગેની જાણ થતા જ તાત્કાલિક વેબિનાર શરૂ થાય તે પહેલા જ તેને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. પ્રશાસને આ માટે તપાસના આદેશ પણ આપી દીધા છે. આ તરફ એબીવીપી આ મામલે આયોજકો વિરૂદ્ધ કાર્યવાહીની માગણી કરી રહ્યું છે. 

તે સિવાય જેએનયુએસયુ અને લેફ્ટ સમર્થક વિદ્યાર્થીઓએ ત્રિપુરા હિંસાને લઈ રાતે એક પ્રોટેસ્ટ કાઢ્યું હતું. લેફ્ટ વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ત્રિપુરામાં મુસ્લિમ સમુદાયના લોકો સાથે ત્યાંની સરકાર અને અનેક સંસ્થાઓ અત્યાચાર કરી રહી છે. તેને લઈ વિદ્યાર્થીઓએ જૂની ઢબથી એટલે કે, ડફલી અને નારાબાજી સાથે ગંગા ઢાબાથી સમગ્ર કેમ્પસમાં પદયાત્રાની પ્રોટેસ્ટ માર્ચ યોજી હતી. જેએનયુએસયુના અધ્યક્ષ આઈસી ઘોષે આ પ્રદર્શનની આગેવાની કરી હતી. 

બીજી બાજુ એબીવીપીના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરતા રહ્યા હતા. સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ દ્વારા આયોજિત કાર્યક્રમનો જેએનયુ ફેકલ્ટી મેમ્બર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓએ કાર્યક્રમની નોટિસની પ્રતિઓ સળગાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. એબીવીપીના કહેવા પ્રમાણે નોટિસમાં લખવામાં આવેલો શબ્દ રાષ્ટ્રવિરોધી છે અને તેના વિરૂદ્ધ પ્રશાસનિક ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ થવી જોઈએ.