×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

J&K: અમિત શાહના પ્રવાસ દરમિયાન જેલ DGની હત્યા, TRFએ કહ્યું- 'એક નાનકડી ભેટ'


- આતંકવાદી સંગઠનના કહેવા પ્રમાણે આ ઘટનાને અંજામ આપીને તેમણે સાબિત કર્યું છે કે, તેઓ જ્યારે ઈચ્છે ત્યારે અને જ્યાં ઈચ્છે ત્યાં હુમલો કરી શકે તેમ છે

જમ્મુ, તા. 04 ઓક્ટોબર 2022, મંગળવાર

જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાની રાતના સમયે તેમના નિવાસ સ્થાને હત્યા કરી દેવામાં આવી છે અને બાદમાં તેમના મૃતદેહને સળગાવવા પણ પ્રયત્ન કરાયો હતો. આતંકવાદી સંગઠન TRF દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. 

લોહિયાના ઘરેલુ સહાયક યાસિરે તેમની હત્યા કરી હોવાની આશંકા છે. તેણે લોહિયા પર હુમલો કરીને તેમનું ગળું દબાવી દીધું હતું અને બાદમાં કેચઅપની બોટલ વડે તેમનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે શકમંદે બાદમાં 57 વર્ષીય લોહિયાના મૃતદેહને આગના હવાલે કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. 

1992ની બેચના આઈપીએસ અધિકારી લોહિયા શહેરની બહારના વિસ્તારમાં આવેલા ઉદયવાલા નિવાસ સ્થાને હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાં ઉપસ્થિત સુરક્ષા કર્મચારીઓએ લોહિયાના રૂમમાં આગ જોઈ એટલે તેઓ દરવાજો તોડીને અંદર ધસી ગયા હતા. 

આ ઘટના બાદ ફરાર ઘરેલુ સહાયકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે તેવા સમયે જ આ ઘટના બની છે. તેઓ સોમવારે રાતે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને અનેક મોટી યોજનાઓની જાહેરાત કરવાના છે. 

ગૃહમંત્રીને પડકાર

આતંકવાદી સંગઠન TRFએ ડીજી જેલ હેમંત કુમાર લોહિયાની હત્યાની જવાબદારી સ્વીકારી છે અને તેમની સ્પેશિયલ સ્ક્વોડે ઈન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હોવાનો દાવો કર્યો છે. TRFના નિવેદનમાં તેની આ હરકતને જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવેલા ગૃહમંત્રીને આટલી સઘન સુરક્ષા વચ્ચે નાનકડી ભેટ તરીકે ગણાવી છે.  

તાજેતરમાં ઘાટીમાં સક્રિય થયેલા આતંકવાદી સંગઠનના કહેવા પ્રમાણે આ ઘટનાને અંજામ આપીને તેમણે સાબિત કર્યું છે કે, તેઓ જ્યારે ઈચ્છે ત્યારે અને જ્યાં ઈચ્છે ત્યાં હુમલો કરી શકે તેમ છે. સાથે જ તેઓ આ પ્રકારની આતંકવાદી કાર્યવાહી કરતા રહેશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. TRFના પ્રવક્તા તનવીર અહમદ રાઠરે આ નિવેદન આપ્યું છે. 

આ પણ વાંચોઃ અમિત શાહના પ્રવાસ પહેલા કાશ્મીરમાં આતંકવાંદીઓનું ષડયંત્ર, 8 કલાકમાં 2 બ્લાસ્ટ