×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

JEE Mainની એક્ઝામની તારીખો થઇ જાહેર, 20 જુલાઇથી ત્રીજા અને 27 જુલાઇથી ચોથા તબક્કાની પરીક્ષા

નવી દિલ્હી, 6 જુલાઇ 2021 મંગળવાર

JEE Main ના ત્રીજા અને ચોથા તબક્કાની પરીક્ષાઓ અંગે ઉમેદવારો મૂંઝવણમાં મૂકાયા હતા. આજે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે આ અંગેની સ્થિતી સ્પષ્ટ કરી દીધી છે.  શિક્ષણમંત્રીએ આ તારીખોની ઘોષણા કરતા કહ્યું કે JEE Mainની ત્રીજો તબક્કાની પરીક્ષા 20 જુલાઈથી 25 જુલાઇ, 2021 દરમિયાન લેવામાં આવશે, જ્યારે JEE Main ચોથા તબક્કાની પરીક્ષાઓ જે મેમાં લેવાની હતી તે 27 જુલાઇથી 2 ઓગસ્ટ 2021 સુધી યોજાશે.  

અરજી કરવાની વધુ એક તક

જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર અરજી કરી શક્યા ન હોય, તેઓને પણ અરજી કરવાની તક આપવામાં આવી રહી છે. તેઓ 6 ઠ્ઠી જુલાઈની રાતથી 8 જુલાઈ 2021 સુધી રાત્રે 11.50 વાગ્યા સુધી અરજી કરી શકે છે. ચોથા તબક્કામાં અરજી કરવાની તારીખો 9 જુલાઈથી 11 જુલાઈ સુધી છે. શિક્ષણ પ્રધાને કહ્યું કે અરજી કરવાની સુવિધા આપવા બદલ હું ફરીથી નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આભાર માનું છું. આ ઉપરાંત એનટીએએ આ ત્રણ દિવસમાં પરીક્ષા કેન્દ્ર બદલવાની તક પણ આપી છે. તમે આ ત્રણ દિવસની અંદર તમારી અનુકૂળતા મુજબનું કેન્દ્ર બદલી શકો છો.

શિક્ષણમંત્રીએ કહ્યું કે કોવિડ -19 ની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા બમણાથી પણ વધુ કરવામાં આવી છે જેથી સોશિયલ ડિસ્ટન્સ તેમજ પરીક્ષાર્થીઓની સલામતી સુનિશ્ચિત થઈ શકે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે આ પહેલી વાર છે કે JEE Mainની પરીક્ષા, જે અગાઉ ત્રણ ભાષાઓમાં લેવામાં આવી હતી, આ વર્ષે 13 ભાષાઓમાં લેવામાં આવી રહી છે. આ વખતે ઉમેદવારો માટે સુવર્ણ તક છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે હું રાજ્ય સરકારોને વિનંતી કરીશ કે JEE Main માટે ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એસઓપીને અનુસરવામાં સંપૂર્ણ સહયોગ આપે. આ સિવાય તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને એસઓપીને અનુસરવાની વિનંતી પણ કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ આ વર્ષથી ચાર સત્રોમાં JEE Main પરીક્ષાઓ લેવાની જાહેરાત કરી હતી, જેમાં બે સત્ર ફેબ્રુઆરી અને માર્ચ 2021માં લેવામાં આવી છે. હવે પછીના સત્રની પરીક્ષાઓ એપ્રિલ અને મેમાં લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ માટે સત્તાવાર વેબસાઇટ પર એક નોટિસ મુકવામાં આવી હતી અને જાણ કરવામાં આવી હતી કે રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવ્યા બાદ પરીક્ષાના બાકીનાં સત્રો આયોજીત કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શિક્ષણ મંત્રાલયે આ નિર્ણય કોરોનાથી પરિસ્થિતિ સુધરતા અને રાજ્યોમાં શરૂ થયેલા અનલોકને ધ્યાનમાં રાખીને લીધો છે. આ ઉપરાંત આજકાલ એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે NEET UG 2021 ની પરીક્ષા પણ 01 ઓગસ્ટથી મુલતવી રાખી શકાય છે અને સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. હમણાં આ વિશે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. પરંતુ એક અનુમાન છે કે તેની તારીખોની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે.