×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

J-k: સૈયદ અલી શાહ ગિલાની સુપુર્દ એ ખાક, સાવચેતી માટે ઘાટીમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ


- ગિલાની છેલ્લા 20 જેટલા વર્ષોથી કિડનીસંબંધી બીમારીથી પીડિત હતા અને તેમને અન્ય કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી

નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારે રાતે અવસાન થયું હતું. ગુરૂવારે સવારે 5:00 વાગ્યે જ તેમને સુપુર્દ એ ખાક કરી દેવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ જમ્મુ કાશ્મીરના હૈદરપોરા ખાતે સવારે 5:00 વાગ્યે અંતિમ વિધિ કરવામાં આવી હતી. ગિલાનીનો પરિવાર ઈચ્છતો હતો કે, તેમને સવારે 10:00 વાગ્યે દફનાવવામાં આવે. તેઓ સગા-સંબંધીઓને અંતિમ વિધિમાં બોલાવવા ઈચ્છતા હતા પરંતુ તે માટે મંજૂરી નહોતી આપવામાં આવી. 

જમ્મુ કાશ્મીરમાં 3 દશકા કરતા વધારે સમય સુધી અલગાવવાદી મુહિમનું નેતૃત્વ કરનારા સૈયદ અલી શાહ ગિલાનીના અવસાન બાદની સ્થિતિ પર સુરક્ષા દળો નજર રાખી રહ્યા છે. હાલ ઘાટીમાં અમુક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે જેમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો પણ સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકારની અફવા ફેલાતી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

92 વર્ષની ઉંમરે અવસાન

સૈયદ અલી શાહ ગિલાની 92 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમના 2 દીકરા અને 6 દીકરીઓ છે. તેમણે 1968માં પોતાની પહેલી પત્નીના અવસાન બાદ ફરી શાદી કરી હતી. ગિલાની છેલ્લા 20 જેટલા વર્ષોથી કિડનીસંબંધી બીમારીથી પીડિત હતા. તેમને અન્ય કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગિલાનીના અવસાન પર પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા શોક વ્યક્ત કર્યો છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ પણ ટ્વીટ કરીને પોતે ગિલાનીના અવસાનના સમાચારથી દુખી છે તેમ જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'અમે ભલે મોટા ભાગની વસ્તુઓ અંગે સહમત નહોતા પરંતુ હું તેમની દૃઢતા અને તેમના વિશ્વાસ પર અડગ રહેવા માટે તેમનું સન્માન કરૂ છું.' પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોને પણ ગિલાનીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.