×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ISISમાં જોડાયેલી કેરળની મહિલા 2019થી અફઘાનિસ્તાનની જેલમાં કેદ, માતાએ કરી સ્વદેશ લાવવા અરજી


- 2016-17ના વર્ષમાં 4 મલયાલી મહિલાઓએ આઈએસઆઈએસમાં સામેલ થવા માટે દેશ છોડી દીધો હતો

નવી દિલ્હી, તા. 04 જુલાઈ, 2021, રવિવાર

તિરૂવનંતપુરમની રહેવાસી કે. બિંદુએ કેરલ હાઈકોર્ટમાં પોતાની દીકરી નિમિષા ફાતિમા અને તેના 4 વર્ષના દીકરાને સ્વદેશ પાછા લાવવાની માગ કરતી અરજી કરી છે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસમાં જોડાવા માટે નિમિષા કેરળ છોડીને જતી રહી હતી. 

હેબિયસ કોપર્સ અરજી દ્વારા કોર્ટ કેન્દ્ર સરકારને નિમિષાને પાછી ભારત લાવવા નિર્દેશ આપે તેવી માગણી કરવામાં આવી છે.  નિમિષા હાલ અફઘાનિસ્તાનની જેલમાં બંધ છે અને તેને કોર્ટમાં રજૂ કરવાની માગણી કરવામાં આવી છે. કે. બિંદુએ અરજીમાં પોતે નિમિષાના બાળકનું ધ્યાન રાખી શકે છે તેમ લખ્યું છે. નિમિષા અને તેનો દીકરો 2019ના વર્ષથી અફઘાનિસ્તાનની જેલમાં બંધ છે. 

કેન્દ્ર સરકારે ન ભર્યા પગલા

અરજીમાં બિંદુએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, નિમિષા અને તેના દીકરાને ભારત પાછા લાવવા માટે અત્યાર સુધી કેન્દ્ર તરફથી કોઈ ઉચિત પગલું નથી ભરવામાં આવ્યું. અરજીમાં એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે, ભારતીય નાગરિકોને બાળકો સહિત પાછા લાવવામાં અસફળતા નૈતિક અને કાયદાકીય જવાબદારી તથા આંતરરાષ્ટ્રીય સમજૂતીની શરતોની વિરૂદ્ધ છે. 

ભારતીય સુરક્ષા એજન્સીઓ સોનિયા સેબેસ્ટિયન, મેરિન જૈકબ, નિમિષા ફાતિમા અને રફીલા તથા તેમના બાળકોને અફઘાનિસ્તાનની જેલમાંથી પાછા લાવવાનો આકરો વિરોધ કરી રહી છે. આ મુદ્દે ખૂબ જ સંશય છે. કેન્દ્ર સરકારે હજુ આ મામલે કોઈ રાજકીય નિર્ણયની જાહેરાત નથી કરી. વિપક્ષી દળોમાંથી કોઈએ પણ પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું. 

2016-17ના વર્ષમાં 4 મલયાલી મહિલાઓએ આઈએસઆઈએસમાં સામેલ થવા માટે દેશ છોડી દીધો હતો. તેઓ પહેલા ઈરાન પહોંચી હતી અને પછી અફઘાનિસ્તાન. આ ચારેય મહિલાઓના પતિ આઈએસઆઈએસ બેઝ પરના અમેરિકી હુમલામાં માર્યા ગયા હતા તથા ત્યાર બાદ મહિલાઓ અને બાળકો સહિત 408 લોકોએ અફઘાની સરકાર સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. 

2019ના વર્ષમાં આઈએસઆઈએસ કાર્યકરો સહિત આ 4 મલયાલી મહિલાઓએ પણ સરેન્ડર કરી દીધું હતું. ત્યાર બાદ અફઘાનિસ્તાને ભારત સરકારને આ મહિલાઓની સ્વદેશ વાપસી માટે કહ્યું હતું.