×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Independence day: બાકીની દુનિયાની સરખામણીએ ભારતમાં ઓછા લોકો કોરોનાના શિકાર બન્યા- PM મોદી


- પોતાના ભાષણમાં વડાપ્રધાને આગામી 25 વર્ષોની રૂપરેખા બતાવી હતી જ્યારે 2047માં ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરી લેશે.

નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ, 2021, રવિવાર

ભારત આજે પોતાની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન આપણા ડૉક્ટર, નર્સીઝ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈકર્મી, વેક્સિન બનાવવા મહેનત કરી રહેલા વૈજ્ઞાનિકો, સેવામાં રત નાગરિકો વગેરે સૌ વંદનના અધિકારી છે. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોરોના ખૂબ પડકારો લઈને આવ્યો પરંતુ દેશે મળીને આ મુશ્કેલીનો સામનો કર્યો. આ આપણી શક્તિ છે કે, આજે વેક્સિન માટે આપણે અન્ય દેશો પર નિર્ભર નથી રહેવું પડતું. વિશ્વના અન્ય દેશોમાં કોરોનાએ જેટલી તબાહી મચાવી છે તેની સરખામણીએ ભારતમાં ઓછી સંખ્યામાં લોકો કોરોનાથી પીડિત થયા છે. 

વધું કહ્યું કે, વિચારો જો ભારત પાસે પોતાની વેક્સિન ન હોત તો શું થાત? પોલિયોની વેક્સિન ભારતને મળતા કેટલો સમય લાગ્યો હતો. પરંતુ આજે આપણને ગર્વ છે કે, વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 54 કરોડ કરતા વધારે દેશવાસીઓને વેક્સિન લાગી ચુકી છે. 

લાલ કિલ્લા પરથી 8મી વખત દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે, કોવિન જેવી ઓનલાઈન વ્યવસ્થા, ડિજિટલ સર્ટિફિકેટની વ્યવસ્થા સૌને આકર્ષિત કરી રહી છે. ભારતમાં જે રીતે 80 કરોડ લોકોને મફત અનાજ આપીને ગરીબોનો ચૂલો પ્રજ્વલિત રખાયો છે, તે ખૂબ મોટી વાત છે. 

જોકે આ સાથે જ વડાપ્રધાને સ્વીકાર્યું હતું કે, આપણા સામે કોઈ પડકાર નહોતો એમ કહેવું ખોટું ગણાશે. તમામ પ્રયત્નો છતાં અનેક લોકોને બચાવી ન શકાયા. કોરોનાનું દુખ યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, કેટલાય બાળકોના માથેથી આધાર છીનવાઈ ગયો અને તેઓ અનાથ થઈ ગયા. 

પોતાના ભાષણમાં વડાપ્રધાને આગામી 25 વર્ષોની રૂપરેખા બતાવી હતી જ્યારે 2047માં ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરી લેશે. તેમણે જણાવ્યું કે, આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણે વધારે રાહ નથી જોવાની. હવે આપણા પાસે વેડફવા માટે સમય નથી.