×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IND vs SL Live : રાજકોટના મેદાનમાં શુભમન-સૂર્યાની ધમાકેદાર બેટીંગ, સ્કોર 100ને પાર

Image - BCCI Twitter

અમદાવાદ, તા.07 જાન્યુઆરી-2023, શનિવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રાજકોટમાં શ્રેણીની છેલ્લી અને ત્રીજી T20 મેચ શરૂ થઈ ગઈ છે. દરમિયાન ભારતીય ટીમે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારત અને શ્રીલંકાએ બંને ટીમે 1-1 મેચ જીતી હોવાથી આજની મેચ રસાકસીભરી રહેશે. શ્રેણી જીતવા બંને ટીમો માટે આ મેચ જીતવી ખુબ જરૂરી બનતા આજની મેચમાં ખરાખરીનો મુકાબલો જોવા મળશે. અગાઉ રમાયેલી 2 T20 મેચોમાં બંને ટીમોએ 1-1 મેચ જીતી છે. તો આજે રાજકોટવાસીઓ પણ ખુબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આજે રાજકોટ સંપૂર્ણ ક્રિકેટમય બની ગયું છે.

  • ભારતનો સ્કોર : 10 ઓવરમાં 92/2
  • ભારતનો સ્કોર : 05 ઓવરમાં 39/1

ભારતની બીજી વિકેટ પડી, ત્રિપાઠી 35 રને આઉટ

ભારતીય ટીમનો યુવા ખેલાડી રાહુલ ત્રિપાઠી 35 રને આઉટ થયો છે. તેણે મેદાનમાં આવતા જ ચારેકોચ વિસ્ફોટક બેટીંગ શરૂ કરી દીધી હતી, જોકે ચામિકા કરુણારત્નેની બોલીંગમાં આઉટ થયો હતો. રાહુલનો કેચ મદુશંકાએ કર્યો હતો. આ સાથે ભારતની 52 રને બીજી વિકેટ પડી હતી.

ભારતની પહેલી વિકેટ પડી, ઈશાન કિશન સસ્તામાં આઉટ

ભારતને પ્રથમ ઓવરમાં જ ઈશાન કિશનના રૂપમાં ઝટકો મળ્યો હતો. ભારત સામે શ્રીલંકા તરફથી પહેલી ઓવર દિલશાન મદુશંકાએ નાખી હતી, જેમાં તેણે ઈશાન કિશનને આઉટ કર્યો હતો. ઈશાનનો કેચ ધનંજય ડી'સિલ્વાએ કર્યો હતો. આ સાથે ભારતની 3 રને પ્રથમ વિકેટ પડી હતી.

ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્રીજી T20માં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં ભાનુકા રાજપક્ષેના સ્થાને અવિશકા ફર્નાન્ડોને સામેલ કર્યા છે.

શ્રીલંકા સામે ભારત મજબૂત

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 28 T20 મેચો રમાઈ છે, જેમાં ભારતે 18 મેચમાં જ્યારે શ્રીલંકાએ 8 મેચમાં જીત નોંધાવી છે. જ્યારે એક મેચનું પરિણામ અનિર્ણિત રહ્યું છે. ભારત રાજકોટમાં અત્યાર સુધીમાં 4 T20 મેચો રમી ચુક્યું છે, જેમાં ભારતે ત્રણ મેચ જીતી છે.

બીજી T20 મેચમાં ભારતનો 16 રને પરાજય

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતનો 16 રને પરાજય થયો હતો. આ સાથે જ ત્રણ T20 સિરિઝની મેચમાં બંને ટીમો 1-1 મેચ જીતી હતી. ભારત 20 ઓવરમાં 8 વિકેટે 190 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન અક્ષર પટેલે 31 બોલમાં 65 (6 સિક્સ, 3 ફોર), સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 51 રન (3 સિક્સ, 3 ફોર) ત્યાર બાદ 8માં ક્રમે આવેલા શિવમ માવીએ ધમાકેદાર 15 બોલમાં 26 રન (2 સિક્સ, 2 ફોર) કર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા સહિતના બેટ્સમેનો સસ્તામાં આઉટ થયા હતા. તો આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 206/6 રન કર્યા હતા. શ્રીલંકાના કેપ્ટન શનાકાએ 22 બોલમાં અણનમ 56 રન ફટકારી મેચમાં મોટો સ્કોર ઉભો કરવામાં મહત્વની ભુમીકા ભજવી હતી.

પ્રથમ T20માં શ્રીલંકાનો 2 રને પરાજય

ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 162 રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 45 રન, કુશલ મેન્ડીસે 28 રન જ્યારે વનિન્દુ ડી.સિલ્વાએ 21 રન કર્યા હતા.

શ્રીલંકાની પ્લેઈંગ-11

પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજય ડી'સિલ્વા, ચરિત અસલંકા, આવિષ્કા ફર્નાન્ડો, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસારંગા, ચામિકા કરુણારત્ને, મહિષ તિક્ષ્ણા, કાસુન રાજિતા, દિલશાન મદુશંકા

ભારતની પ્લેઈંગ-11

ઈશાન કિશન (વિકેટકિપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

શ્રીલંકાનો ભારત પ્રવાસ

  • પ્રથમ T20 : 3 જાન્યુઆરી, મુંબઈ - ભારતનો 2 રને વિજય
  • બીજી T20 : 5 જાન્યુઆરી, પુણે - શ્રીલંકાનો 16 રને વિજય
  • ત્રીજી T20 : 7 જાન્યુઆરી, રાજકોટ - આજે સાંજે મેચ

ટીમ ઈન્ડિયાની જર્સીમાં ફેરફાર

સિરિઝ પહેલા ભારતીય ટીમની જર્સીમાં કેટલાક ફેરફાર થયા છે. સિરિઝ પહેલા ખેલાડીઓનો ફોટોશૂટ કરાવ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે આ ફોટોશૂટની એક ઝલક શેર કરી હતી. આ તસવીરમાં યુઝવેન્દ્ર ઉપરાંત ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યા હતા. શ્રીલંકા સામેની સિરિઝમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી સાથે મેદાનમાં ઉતરી છે. હવે ભારતીય ટીમની જર્સી પર નવા કિટ સ્પોન્સરનું નામ જોવા મળ્યું છે. અગાઉ ખેલાડીઓની જર્સી પર BCCIના લોકો ઉપરાંત MPL સ્પોર્ટ્સનું નામ જોવા મળતું હતું, હવે MPLના બલે ‘KILLER’ લખાયેલું છે. MPL સ્પોર્ટ્સ 2023 સુધી ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર હતી, જોકે કંપનીએ તેનો આ છેલ્લા વર્ષનો કોન્ટ્રાક્ટ Kewal Kiran Clothing Limitને આપી દેતા હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર તેમનો જ લોગો જોવા મળશે.

રાજકોટના સ્ટેડિયમ વિશે જાણવા જેવું

અગાઉ આ સ્ટેડિયમ ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. આ સ્ટેડિયમની સ્થાપના વર્ષ 2008માં કરાઈ હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા 28000 છે.

રાજકોટના સ્ટેડિયમમાં T20 રેકોર્ડ

આ સ્ટેડિયમ પર અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચુકી છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 2 વાર, જ્યારે બીજી બેટીંગ કરનારી ટીમ 2 વાર જીત મેળવી ચુકી છે. આ સ્ટેડિયમમાં સૌથી મોટો સ્કોર 4 વિકેટે 202 રનનો નોંધાયો છે. વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટીંગ કરી 7 વિકેટના નુકસાને 201 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ભારતે યુવરાજ સિંહની તોફાની બેટિંગના કારણે 2 બોલ બાકી રહેતા 202 રનનું લક્ષ્ય પાર કરી જીત મેળવી લીધી હતી. આ મેચમાં યુવરાજ સિંહે 5 સિક્સ ફટકારી હતી.

સૌથી ઓછો સ્કોર 87 રન

આ સ્ટેડિયમમાં સૌથી મોટી ઘટના એ બની કે દિગ્ગજ ટીમ સાઉથ આફ્રિકાએ માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગત વર્ષે જુનમાં ભારત પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ટીમ ઈન્ડિયા સામે 5 T20 મેચો રમી હતી, જેમાં સિરિઝની ચોથી મેચ રાજકોટના સ્ડેટીયમમાં રમાઈ હતી. ભારતે પ્રથમ બેટીંગ કરી 6 વિકેટે 169 રન ફટકાર્યા હતા, તો સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 87 રન બનાવી શકી હતી.