×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ind vs NZ Live : ભારતે ટોસ જીત્યો, ન્યુઝીલેન્ડ બેટીંગ કરશે, જુઓ બંને દેશોના રેકોર્ડ

Image - Icc, Twitter

રાંચી, તા.27 જાન્યુઆરી-2023, શુક્રવાર

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સિરિઝની પ્રથમ મેચ રાંચીમાં રમાશે. આ દરમિયાન ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે ન્યુઝીલેન્ડ પહેલા બેટીંગ કરશે. વન ડે શ્રેણીમાં 3-0થી પ્રભાવશાળી જીત હાંસલ કર્યા બાદ ટીમ ઈન્ડિયા આજે ન્યુઝીલેન્ડ સામે શ્રેણીની પ્રથમ ટી-20માં ટકરાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમ વિજયકૂચને આગળ ધપાવવાના ઈરાદા સાથે ઉતરશે. ભારત ન્યુઝીલેન્ડ સામે છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ટી-20 ઈન્ટરનેશનલ મેચ હાર્યું નથી અને હવે આ રેકોર્ડને આગળ ધપાવવા માટે ટીમ ઈન્ડિયા મક્કમ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ વન ડેની હારની હતાશા દૂર કરીને ટી-20માં નવી શરુઆત કરવાના ઈરાદા સાથે ઉતરશે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં સાંજે 7.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

ભારતનો સતત શ્રેણી વિજય

ભારત ન્યુઝીલેન્ડ સામે છેલ્લે ફેબ્રુઆરી, 2019માં રમાયેલી શ્રેણી 1-2થી હાર્યું હતુ. જોકે તે પછી ભારતે 2020માં પાંચ ટી-20ની શ્રેણી 3-0, 2021માં 3 ટી-20ની શ્રેણી 3-0થી અને 2022માં રમાયેલી 3 ટી-20ની શ્રેણી 1-0થી જીતી લીધી હતી.

ઘરઆંગણાના શાનદાર ફોર્મ બાદ શૉને તક મળશે ?

ઘરઆંગણાના ક્રિકેટમાં શાનદાર દેખાવ કરનારા પૃથ્વી શૉને આખરે ટી-20 ટીમમાં સ્થાન મળ્યું હતુ. જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટ કિશન અને ગીલની જોડીની હાજરીમાં શૉને તક આપશે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં ભારતે 3-0થી જીત હાંસલ કરી હતી, જેમાં કિશન-ગીલની જોડીને ઓપનિંગમાં ઉતારી હતી. જોકે તેઓ સફળ રહ્યા નહતા. આવી સ્થિતિમાં ભારત કિશનને મીડલ ઓર્ડરમાં ઉતારીને શૉને તક આપી શકે છે.

ચહલ-કુલદીપની સ્પિન જોડી સાથે જોવા મળી શકે

ટી-20માં ભારતની ફાસ્ટ બોલિંગનો મદાર કેપ્ટન હાર્દિકની સાથે અર્ષદીપ તેમજ ઉમરાન મલિક અને શિવમ માવી પર રહેશે. જ્યારે અક્ષર પટેલની ગેરહાજરીમાં ચહલ અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ જોડીને ફરીવાર એક સાથે તક મળી શકે છે. વોશિંગ્ટન સુંદર પર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવવા માટેનો દાવેદાર મનાય છે.

સાન્ટનેરની આગેવાનીમાં યુવા ખેલાડીઓ પર મદાર

સાન્ટનેરની કેપ્ટન્સીમાં ન્યુઝીલેન્ડની યુવા ટીમની ટક્કર ભારત સામે થશે. કેપ્ટનની સાથે ફર્ગ્યુસન-મિશેલ તેમજ સોઢી અને કોન્વે જેવા અનુભવી ખેલાડીઓની સાથે ગ્લેન ફિલિપ્સ, રિપ્પોન, શિપ્લી, ડફી ક્લેવર તેમજ ચેપમેન જેવા ખેલાડીઓ આ પ્રવાસમાં પ્રભાવ પાડવાની કોશીશ કરશે. વન ડેની નિષ્ફળતા બાદ ન્યુઝીલેન્ડના ખેલાડીઓને ટી-20માં સફળતાની આશા છે.

ત્રિપાઠીનું સ્થાન જોખમમાં હૂંડા વધુ તક મેળવવા ફેવરિટ

ભારતે શ્રીલંકા સામેની શ્રેણીની બીજી ટી-૨૦માં રાહુલ ત્રિપાઠીને તક આપી હતી. આ સાથે ત્રિપાઠીની ટી-20 ઈન્ટરનેશનલ કારકિર્દીનો આરંભ થયો હતો. જોકે તે પ્રભાવશાળી શરૂઆત કરી શક્યો નહતો અને તેણે પ્રથમ મેચમાં પાંચ અને બીજી મેચમાં 35 રન કર્યા હતા. આવી સ્થિતિમાં ત્રિપાઠીનું સ્થાન જોખમમાં મનાય છે. હૂડા તેની પ્રતિભાનો ચમકારો દેખાડી ચૂક્યો છે. શ્રીલંકા સામે પ્રથમ મેચમાં 41* રનની ઈનિંગ બાદ તે બે મેચમાં અનુક્રમે 9 અને 4 રન કરી શક્યો હતો.

ભારત ટી-20માં છેલ્લી 11 શ્રેણીથી અજેય : 10 જીત્યું, 1 ડ્રો

વિજેતા

હરિફ

માર્જિન

વર્ષ

ભારત

ન્યુઝી.

૩-૦થી

નવેમ્બર૨૦૨૧

ભારત

વિન્ડિઝ

૩-૦થી

ફેબ્રુઆરી૨૦૨૨

ભારત

શ્રીલંકા

૩-૦થી

ફેબ્રુઆરી૨૦૨૨

ભારત

સા.આફ્રિકા

૨-૨થી

જુન૨૦૨૨

ભારત

આયરલેન્ડ

૨-૦થી

જુન૨૦૨૨

ભારત

ઈંગ્લેન્ડ

૨-૧થી

જુલાઈ૨૦૨૨

ભારત

વિન્ડિઝ

૪-૧થી

જુલાઈ૨૦૨૨

ભારત

ઓસી.

૨-૧થી

સપ્ટે. ૨૦૨૨

ભારત

સા.આફ્રિકા

૨-૧થી

સપ્ટે-ઓક્ટો૨૦૨૨

ભારત

ન્યુઝીલેન્ડ

૧-૦થી*

નવેમ્બર,૨૦૨૨

ભારત

શ્રીલંકા

૨-૧થી

જાન્યુ.,૨૦૨૩

*3 મેચની શ્રેણીમાં એક મેચ ધોવાઈ ગઈ હતી,

એક મેચ ડકવર્થ-લુઈસ અનુસાર ટાઈ થઈ હતી


ભારતીય ટીમ : હાર્દિક પંડ્યા (સુકાની), સૂર્યકુમાર યાદવ (ઉપ સુકાની), ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર

ન્યુઝીલેન્ડ : સાન્ટનેર (સુકાની), એલન, માઈકલ બ્રેસવેલ, ચેપમેન, ક્લેવર (વિ.કી.), કોન્વે (વિ.કી.), ડફી, ફર્ગ્યુસન, લિસ્ટર, મિશેલ, ફિલિપ્સ (વિ.કી.), રિપ્પોન, શિપ્લી, સોઢી અને ટિકનેર.