×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ICC World Cup 2023 Trophy : સ્પેસમાં થયું વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અનાવરણ, જુઓ અદ્ભૂત વીડિયો

નવી દિલ્હી, તા.26 જૂન-2023, સોમવાર

આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર ICC મેન્સ વનડે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સૌથી મજાની વાત એ છે કે, ટ્રોફીનું અનાવરણ સ્પેસમાં કરાયું છે. ટ્રોફીને જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. બાદમાં ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવામાં આવી હતી. BCCI સેક્રેટરી જય શાહે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે ભારત

આ વખતે ભારત ODI વર્લ્ડ કપનું યજમાની કરી રહ્યું છે. આવતીકાલે મંગળવારે 27 જૂને ICC અને BCCIના અધિકારીઓ મુંબઈમાં વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરશે. ત્યારબાદ વર્લ્ડ કપ ટ્રોફી વિવિધ દેશોમાં ભ્રમણ કરશે. વીડિયો શેર કરતાં જય શાહે ટ્વિટર પર જણાવ્યું કે, ‘ક્રિકેટ જગત માટે એક અનોખી ક્ષણ, જ્યારે CWC-23 ટ્રોફીનું અવકાશમાં અનાવરણ કરાયું... આ ટ્રોફી અવકાશમાં મોકલાયેલી પ્રથમ સત્તાવાર સ્પોર્ટ્સ ટ્રોફી પૈકીની એક છે. વાસ્તવમાં ભારતમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસની શરૂઆત શાનદાર થઈ...

ક્રિકેટ દેશને એક કરે છે : જય શાહ

જય શાહે જણાવ્યું કે, ક્રિકેટ ભારતને એક કરે છે અને સમગ્ર દેશમાં ઉત્સાહ વધી રહ્યો છે. અમે 6 અઠવાડિયા સુધી યોજાનાર ક્રિકેટ માટે વિશ્વની 10 શ્રેષ્ઠ ટીમોને હોસ્ટ કરવા માટે આતુર છીએ. ટ્રોફી ટૂરના ચાહકો જ્યાં પણ હોય, ઈવેન્ટનો ભાગ બનવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ ટૂર ભારતભરમાં પ્રતિષ્ઠિત સ્થળો, શહેરોમાં ટ્રોફીનું પ્રદર્શન કરશે.

વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ

ટ્રોફી ટૂરના લોન્ચિંગ પ્રસંગે ICC ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કે, ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ બાબત છે. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે અને અમે શક્ય તેટલા વધુ લોકોને આ પ્રખ્યાત ટ્રોફીની નજીક જવાની તક આપવા માંગીએ છીએ. ટ્રોફી ટૂર ભારતમાં 27 જૂનથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કરશે, ત્યારબાદ 4 સપ્ટેમ્બરે યજમાન દેશમાં ટ્રોફી પરત લવાશે.

વર્લ્ડ કપ ટ્રોફી ટૂરનું સંપૂર્ણ કાર્યક્રમ

  • 27 જૂન - 14 જુલાઈ : ભારત
  • 15 - 16 જુલાઈ : ન્યુઝીલેન્ડ
  • 17 - 18 જુલાઇ : ઓસ્ટ્રેલિયા
  • 19 - 21 જુલાઈ : પાપુઆ ન્યુ ગિની
  • 22 - 24 જુલાઈ : ભારત
  • 25 - 27 જુલાઈ : યુએસએ
  • 28 - 30 જુલાઈ : વેસ્ટ ઈન્ડિઝ
  • 31 જુલાઈ - 04 ઓગસ્ટ : પાકિસ્તાન
  • 05 - 06 ઓગસ્ટ : શ્રીલંકા
  • 07 - 09 ઓગસ્ટ : બાંગ્લાદેશ
  • 10 - 11 ઓગસ્ટ : કુવૈત
  • 12 - 13 ઓગસ્ટ : બહેરીન
  • 14 - 15 ઓગસ્ટ : ભારત
  • 16 -18 ઓગસ્ટ : ઈટાલી
  • 19 - 20 ઓગસ્ટ : ફ્રાન્સ
  • 21 - 24 ઓગસ્ટ : ઈંગ્લેન્ડ
  • 25 - 26 ઓગસ્ટ : મલેશિયા
  • 27 - 28 ઓગસ્ટ : યુગાન્ડા
  • 29 - 30 ઓગસ્ટ : નાઈજીરીયા
  • 31 ઓગસ્ટ - 3 સપ્ટેમ્બર : દક્ષિણ આફ્રિકા
  • 04 સપ્ટેમ્બરથી : ભારત