×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

HARKAT 313, ULF, TRF… આતંકના નવા નામો વડે કાશ્મીરમાં દહેશત ફેલાવવાનું ષડયંત્ર


- TRF મુખ્યત્વે લશ્કર વગેરે સંગઠનો માટે કવરની માફક કામ કરે છે જેથી ભારતમાં થતા હુમલા પાછળ પાકિસ્તાનનું નામ સીધી રીતે ન આવે 

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર, 2021, સોમવાર

જમ્મુ કાશ્મીરમાં એક તરફ સુરક્ષા દળો દ્વારા આતંકવાદના ખાત્મા માટે સતત ઓપરેશન્સ ચલાવવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ કેટલાક નવા આતંકવાદી સંગઠનો નવા પડકારની જેમ સામે આવ્યા છે. આ આતંકવાદી સંગઠનોનું ફક્ત નામ જ નહીં, દહેશત ફેલાવવા માટેના તેમના ઈરાદાઓ પણ નવા છે. 

પહેલા કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા પાછળ લશ્કર, જૈશ જેવા નામો સંભળાતા હતા પરંતુ હવે હરકત 313 (HARKAT 313), યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ અને ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટ (TRF)ના નામ સામે આવી રહ્યા છે. કાશ્મીરમાં આતંકવાદનું નવું ષડયંત્ર રચી રહેલા પહેલા સંગઠનનું નામ HARKAT 313 છે. તેને લઈ જમ્મુ કાશ્મીરમાં એલર્ટ આપવામાં આવેલું છે. આ આતંકવાદી સંગઠન કાશ્મીરમાં પાવર સપ્લાય લાઈનને નિશાન પર લઈ શકે છે. સરકારી માળખાકીય ઢાંચાઓ તેમના નિશાના પર છે. તેમાં ઉરી જળ વિદ્યુત પરિયોજનાની પાવર સપ્લાય લાઈન તેમના નિશાના પર છે. આ કારણે LOC (લાઈન ઓફ કંટ્રોલ) પાસે સ્થિત URI-1 અને URI-2 હાઈડ્રો પાવર પ્રોજેક્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી અન્ય રાજ્યના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમાં બિહારથી ત્યાં કામ કરવા માટે ગયેલા મજૂરો, રેંકડીવાળાઓને પણ નથી છોડવામાં આવી રહ્યા. જ્યારે ત્રીજા નવા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટ (TRF)ના નિશાન પર જમ્મુ કાશ્મીરના સરપંચ, સ્થાનિક નેતાઓ છે. તેમાં લશ્કર એ તૈયબા તેનો સાથ આપી રહ્યું છે. 2020થી TRFનું નામ ચર્ચામાં છે. તે સમયે આ સંગઠને ભાજપના કાર્યકર ફિદા હુસૈન, ઉમર રાશિદ બેગ અને ઉમર હાજમની કુલગામ ખાતે હત્યા કરી દીધી હતી. કાશ્મીરમાં અન્ય બીજેપી નેતાઓની હત્યા પાછળ આ સંગઠનનો હાથ રહ્યો છે. 

જાણવા મળ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યાર બાદ આ સંગઠનની રચના થઈ હતી. TRF મુખ્યત્વે લશ્કર વગેરે સંગઠનો માટે કવરની માફક કામ કરે છે જેથી ભારતમાં થતા હુમલા પાછળ પાકિસ્તાનનું નામ સીધી રીતે ન આવે અને તે FATF વગેરે દ્વારા બ્લેકલિસ્ટ થવાથી બચી શકે.