×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Gujarat Election: સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા BJP વિરુદ્ધ મતદાનનું આહ્વાન


માલધારી સમાજનાં જૂના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યુ છે

સમગ્ર ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી માલધારી સમાજ ભાજપથી ખૂબ નારાજ છે 

અમદાવાદ, તા. 22 નવેમ્બર 2022 મંગળવાર

ગુજરાત માલધારી મહાપંચાયતે સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા BJP વિરુદ્ધ મતદાન કરવાનું આહ્વાન કર્યું છે.

ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજમાંથી સૂચનો લીધા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતમાં માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. જેથી ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને કોઈપણ રાજકીય પક્ષ છેતરી ના જાય. તેમજ આપણા માલધારી સમાજની અવગણના ના થાય. માલધારી સમાજનાં જૂના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યુ છે. 

ગુજરાત સરકાર જોડે આપણા સંતો-મહંતો, ભુવાજીઓ, સામાજિક રાજકીય આગેવાનો, ગીર બરડા અને આલોચના મુદ્દે અનેક વખત મિટીંગ કરી ચૂક્યા છે છતાંય આપણને કોઈ ન્યાય મળ્યો નથી. છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતનાં માલધારી સમાજ ઉપર કાયદાની આંટીઘૂંટીમાં આપણા સમાજના ભાઈઓ-બહેનો ઉપર અનેક ખોટા પોલીસ કેસો કરી જેલમાં નાખ્યા છે. તાજેતરમાં એક માલધારીને બે વર્ષથી સજા પણ થઈ છે. આપણી બેન-દિકરીઓને ધક્કા-મુક્કા મારીને પોલીસે અને કોર્પોરેશને જુલમ ગુજાર્યો છે. આપણા ગાયોના ગૌચરો બે પગવાળા ઉદ્યોગપતિઓ આખલાઓને પધરાવી દીધા છે. 

શહેરી વિસ્તારમાં વર્ષોથી માલધારી સમાજની માંગણી છે કે માલધારી વસાહતો બનાવી માલધારી સમાજને ન્યાય આપવો જોઈએ. જેથી નિર્દોષ રાહદારીઓને થતા અકસ્માતો અટકે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી માલધારી સમાજ ભાજપથી ખૂબ નારાજ છે તે વાત સાચી પણ લોકશાહીમાં તમારો મત એ જ આપણી તાકાત પાંચ વર્ષે બતાવવાની હોય છે. જેથી સરકાર કોઈપણ આવે પણ તમે એકજુઠ થઈ મતદાન કર્યુ હશે તો આવનાર કોઈપણ સરકાર આપણા સમાજની ગણના કરશે અને જો આપણે કોઈપણની સેહ-શરમમાં કે વાતમાં આવીને આપણો મત વેડફી નાખીશુ તો આવનાર આપણી પેઢી આપણને માફ નહીં કરે. 

ગુજરાત માલધારી મહાપંચાયત છેલ્લા ઘણાંય સમયથી માલધારી સમાજ માટે લડત આપી રહી છે અને જો માલધારી સમાજને ગુજરાત માલધારી મહાપંચાયતને આ આહ્વાન યોગ્ય લાગે તો આહ્વાન મુજબ મતદાન કરવા વિનંતી છે. આ આહ્વાનને કોઈએ રાજકીય રીતે ન લેવુ જોઈએ પરંતુ આપણા સમાજની પ્રગતિના હિત માટે આ સમય રાજકીય નેતાઓને અને રાજકીય પાર્ટીઓની શાન ઠેકાણે લાવવા યોગ્ય છે. 

લોકશાહીમાં કોઈને પણ મત અધિકાર માટે ફરજ પાડી શકાય નહીં પરંતુ સમાજનાં હિત માટે કોઈપણ સંગઠન વિનંતી કરવાનો અધિકાર ધરાવે છે તે ભાગરૂપે સમગ્ર માલધારી સમાજને ગુજરાત માલધારી મહાપંચાયતની વિનંતી છે કે આવનાર તા.1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણીનાં દિવસે ભાજપ વિરુદ્ધ મતદાન કરશો. 

અમે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશભાઈ ઠાકોરનો તેમજ કોંગ્રેસનાં 64 ધારાસભ્યોનો આભાર માનીએ છીએ કે અમારા કપરા સમયમાં માલધારી સમાજની સાથે કોંગ્રેસ પક્ષ તેમજ અન્ય વિવિધ રાજકીય પક્ષો તેમજ વિવિધ પશુપાલક સમાજો પણ શેરથા, મહેસાણા હાઈવે ઉપર થયેલી લાખોની મેદનીની જાહેર સભામાં સમર્થન આપ્યુ હતુ. 

માલધારી સમાજની માંગણીઓ ન સ્વીકારી તેની યાદી

1. ગીર, બરડા અને આલેચનાં પ્રશ્નનો નિકાલ ન થયો.

2. માલધારી વસાહતો ન બનાવી અને નિર્દોષ લોકોને અકસ્માતોનો ભોગ બનવુ પડ્યુ.

3. હાલ તબક્કે પણ માલધારી સમાજનાં પશુપાલન કરતા લોકો ઉપર ખોટા પોલીસ કેસ કરી જેલમાં પુરવામાં આવે છે.

4. 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા, 70 લાખ કરતા પણ વધુ માલધારીઓ વસવાટ કરે છે તેઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે.

5. સમગ્ર ગુજરાતમાં દૂધની ડેરી અને મંડળીઓમાંથી માલધારી સમાજનો એકડો કાઢી નાખ્યો.

6. માલધારી સમાજને ખેડૂત બનવાનો હક ના આપ્યો.