×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

FIFA World Cup : કોઈપણ વિજેતા ટીમને નહીં મળે અસલી ટ્રોફી… જાણો સમગ્ર મામલો

Image Source by - FIFA Facebook

કતાર, તા.18 ડિસેમ્બર-2022, રવિવાર

કતારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડકપ 2022ની ફાઈનલનો સમય નજીક આવી ગયો છે. આ ટાઇટલ મેચ આજે (18 ડિસેમ્બર) ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. આ ફાઈનલ મુકાબલો ભારતીય સમય મુજબ 8.30 કલાકે દોહાના લુસૈલ સ્ટેડિયમમાં રમાશે. જોકે બંનેમાંથી કોઈપણ વિજેતા ટીમને અસલી ટ્રોફી અપાશે નહીં.

...તો નહીં મળે અસલી ટ્રોફી

ફાઈનલ મુકાબલા બાદ વિજેતા ટીમને અપાતી ટ્રોફીની કહાની પણ રસપ્રદ છે. આજના ફાઈનલ મુકાબલામાં વિજેતા ટીમને અસલી ટ્રોફી માત્ર જીતની ખુશી વ્યક્ત કરવા અપાશે. એવોર્ડ સમારોહ બાદ ફિફાના અધિકારીઓ વિજેતા ટીમ પાસેથી અસલી ટ્રોફી પરત લઈ લેશે. એટલે કે ફ્રાન્સ/અર્જેન્ટીનાની ટીમ આ ટ્રોફી પોતાના ઘરે લઈ જઈ નહીં શકે. આ ટ્રોફીના બદલે વિજેતા ટીમને ડુપ્લિકેટ ટ્રોફી અપાશે. આ ડુપ્લિકેટ ટ્રોફી કાંસ્યની હોય છે અને તેના પર સોનાની પરત લગાવેલી હોય છે.આમ તો ફિફા વર્લ્ડકપની અસલી ટ્રોફી મોટાભાગે જ્યૂરિખ સ્થિત ફિફા હેડક્વાર્ટરમાં રખાય છે. આ ટ્રોફીને માત્ર વર્લ્ડ કપ ટૂર, વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન જ વિશ્વ સામે લાવવામાં આવે છે. ફિફાએ વર્ષ 2005માં નિયમ બનાવ્યો હતો કે, વિજેતા ટીમ અસલી ટ્રોફી પોતાના ઘરે લઈ જઈ શકશે નહીં.

અગાઉ અપાતી હતી જૂલ્સ રિમેટ ટ્રોફી

પ્રથમવાર ફુટબોલ વર્લ્ડકપની શરૂઆત 1930માં થયો હતો. તે સમયે વિજેતા ટીમને જે ટ્રોફી અપાતી હતી તેનું નામ જૂલ્સ રિમેટ ટ્રોફી હતું. જૂલ્સ રિમેટ ટ્રોફી 1970 સુધી ચેમ્પિયન ટીમોને અપાતી રહી, ત્યારબાદ વર્લ્ડ કપ ટ્રોફીને નવી રીતે ડિઝાઈન કરવામાં આવી. નવી ટ્રોફીને ડિઝાઈન કરવાનું કામ ઈટાલિયન આર્ટિસ્ટ સિલ્વિયો ગજાનિયાને અપાયું હતું. આ ટ્રોફી વર્ષ 1974ની સિઝનમાં અપાતી હતી, જેને ફિફા વર્લ્ડકપ ટ્રોફી કહેવાતું હતું.

18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ

ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું વજન 6.175 કિલોગ્રામ છે અને આ ટ્રોફીને બનાવવા 18 કેરેટ ગોલ્ડ (75 ટકા)નો ઉપયોગ કરાયો છે. ટ્રોફીની લંબાઈ 36.8 સેન્ટીમીટર અને તેની સપાટીનો વ્યાસ 13 સેન્ટીમીટર છે. ટ્રોફીના બેઝ પર મૈલાકાઈટ સ્ટોનના બે લેયર લગાવાયા છે. વર્ષ 1994માં આ ટ્રોફીમાં થોડા ફેરફાર કરાયા હતા, જેમાં વિજેતા ટીમના નામ લખવા માટે ટ્રોફીના નીચેના ભાગે એક પ્લેટ લગાવાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ફાઈનલ મેચમાં વિજેતા ટીમ પર 347 કરોડની અને રનર-અપ ટીમ પર 248 કરોડની ધનવર્ષા થશે.

ટોચની 4 ટીમોની ઈનામી રકમ

  • વિજેતા - રૂ.347 કરોડ
  • રનર-અપ - રૂ. 248 કરોડ
  • ક્રોએશિયા - રૂ. 223 કરોડ
  • મોરોક્કો - રૂ. 206 કરોડ