×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Digital Payment મામલે ભારતનો વિશ્વમાં ડંકો, 89.5 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે ટોચના ક્રમે વર્ચસ્વ જાળવ્યું

image : Envato 


ભારતમાં ઓનલાઈન પેમેન્ટની ઝડપી વૃદ્ધિ વિશે આપણને વારંવાર સાંભળવા મળે છે. હવે ભારતે આ મામલે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર વર્ષ 2022 માં  દુનિયામાં થઈ રહેલા ડિજિટલ પેમેન્ટમાંથી 46 ટકા માત્ર ભારતમાં થઈ રહ્યા છે. આ આંકડો વિશ્વના ચાર મોટા દેશોના સંયુક્ત આંકડા કરતાં વધુ છે.

વર્ષ 2022માં 89.5 મિલિયન ડિજિટલ વ્યવહારો થયા

MyGovIndiaના ડેટા અનુસાર ભારતે 2022માં 89.5 મિલિયન ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે અને દેશ ઓનલાઈન પેમેન્ટના સંદર્ભમાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. તેને વેલ્યૂ અને વોલ્યુમ બંને દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. અહેવાલ અનુસાર, RBIના એક નિષ્ણાતે કહ્યું છે કે આ 89.5 મિલિયન ટ્રાન્ઝેક્શન એ વાતનો પુરાવો છે કે ભારતની પેમેન્ટ ઇકોસિસ્ટમ અને તેની સ્વીકૃતિ બંને જંગી રીતે વધી રહી છે.

દેશ કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે : MyGovIndia

MyGovIndiaએ આ અંગે એક ટ્વિટ કરીને કહ્યું છે કે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારતનું વર્ચસ્વ યથાવત્ છે. તેમાં સતત નવીનતાઓ અને વિસ્તૃત કવરેજને કારણે આપણે કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ.

ટોપ 5માં કયા દેશોના નામ છે

બ્રાઝિલે વર્ષ 2022માં 29.2 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે અને તે ડિજિટલ પેમેન્ટ્સની યાદીમાં બીજા નંબરે છે. ત્યારબાદ ચીનનો નંબર આવે છે જે 17.6 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે ત્રીજા સ્થાને છે. થાઈલેન્ડ ચોથા સ્થાને છે, જે 16.5 મિલિયન ટ્રાન્ઝેક્શન ધરાવે છે. આ યાદીમાં દક્ષિણ કોરિયા પાંચમા સ્થાને છે, જે 8 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ ધરાવતા દેશોમાં સામેલ છે.