×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Cyclone Biparjoy Updates: રાજ્યમાં 61 તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો


અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયની અસર ગુજરતમાં શરુ થઈ ગઈ છે ગઈકાલે ચક્રવાતને કારણે અનેક વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો મારતા ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બિપરજોય ચક્રવાતને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15મી જૂને વાવાઝોડું ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર પાસે લેન્ડફોલ થવાની શક્યતા છે.

વાતાવરણ બદલાતા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે

ગુજરાત તરફ આગળ વધી રહેલા ચક્રવાત બિપરજોયની અસર શરુ થતા રાજ્યના 61 તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે આવેલા વરસાદમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 8.5 ઈંચ, વેરાવળમાં પણ સાડા આઠ ઈંચ વરસાદ તેમજ જૂનાગઢના મેંદરડામાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના 9 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના કોશોદમાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળિયા હાટીના, માંગરોળ, મેંદરડા અને માણાવદરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાના કારણે પવનની ગતીમાં પણ વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગમી 15મી અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિપરજોય વાવાઝોડાથી વાતાવરણ બદલાતા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 

કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ, 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલાયા, જુઓ યાદી

 વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની પડવાની આગાહી છે. આગમી 15મી અને 16મી જૂને રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દ્વારકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયુ છે અને રાજકોટ, જામનગર કચ્છ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોના લોકો સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના બંદરો પર અતિ ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે.