×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘ChatGPT' ડોક્ટર, એમબીએ, વકીલની પરીક્ષામાં પાસ


- આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સની કમાલ

- એઆઈનું આ નવું ટુલ દુનિયામાં ક્રાંતિ લાવશે પણ સાથે માનવજાત માટે મોટો પડકાર

- ગુગલના સર્ચ એન્જીન સામે પડકાર:  શબ્દોમાં સીધું ભાષણ, નિબંધ અને કવિતા અને કોમ્પ્યુટર કોડીંગ કરવાની અદભુત શક્તિ ધરાવે છે

- ઈલોન મસ્ક અને માઈક્રોસોફ્ટનો નાણકીય ટેકો : બિલ ગેટ્સની કંપની આ ટુલને વધારે શક્તિશાળી બનાવવા, ભવિષ્ય કે સલાહ આપતું કરવા માટે 10 અબજ ડોલર રોકશે

અમદાવાદ : કોમ્પ્યુટરનો ઉપયોગ અને તેના થકી માનવજાત દ્વારા લેવામાં આવી રહેલા કામમાં આમૂલ પરિવર્તન આવે તેવા અહેવાલ આવી રહ્યા છે. આર્ટીફીફીશીયલ ઈન્ટેલીજન્સ (એટલે કે મશીન આધારિત બુદ્ધિ)નો આજે પણ ઉપયોગ થઇ રહ્યો છે પણ હવે જે આવી રહ્યું છે તેનો ત્રણ મહિનામાં ચોંકાવનારો પરિચય વાસ્તવિક જીવનમાં મળી રહ્યો છે. અત્યારે માત્ર શબ્દો થકી જ આ ચેટબોટ કવિતા, નિબંધ, ભાષણ કે પીએચડીના થીસીસ લખી શકે છે. આ ચેટબોટ પરીક્ષા આપી શકે છે અને તમે દુનીયના કોઇપણ વિષય ઉપર કહો તેના ઉપર તે તમને માહિતી રજૂ કરી શકે છે. આગામી દિવસોમાં એ ભવિષ્ય ભાખી શકશે અને માત્ર અંગ્રેજી નહી પણ અન્ય ભાષાઓ પણ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરનારને મદદ કરી આપશે. 

નવેમ્બર ૨૦૨૨માં જ જાહેર જનતા માટે ખુલ્લ્લું મુકવામાં આવેલું આ ચેટજીપીટી (ChatGPT)નામનું ટુલ્સ આમ તો ચેટબોટ છે. ચેટબોટમાં ત્યારે બેન્કિંગ, મોબાઈલ ફોન કંપનીઓ અને સહિત ઘણી કંપનીઓ એક નિશ્ચિત પ્રશ્નોના જવાબ ગ્રાહકોને આપે છે પણ ચેટબોટ પાસે વિશેષ જ્ઞાન છે. એટલું જ્ઞાન છે કે તેણે દુનિયામાં સૌથી કઠોર ગણવામાં આવતી અમેરિકન મેડીકલ લાયન્સની પરીક્ષા પાસ કરી છે. વ્હોર્ટન બિઝનેસ સ્કુલની એમબીએની પરીક્ષા પાસ કરી છે. યુનિવર્સીટી ઓફ મિનીસોટા લો સ્કુલની કાયદાની પરીક્ષા પણ પાસ કરી લીધી છે. એટલું જ નહી એક અમેરિકન કોંગ્રેસ સભ્યને તેણે ભાષણ પણ લખી આપ્યું છે. અત્યારે આ ચેટબોટ ટેસ્ટીંગના તબક્કામાં છે, તેમાં ઉમેરો થઇ રહ્યો છે, ફેરફાર થઇ રહ્યા છે અને માત્ર શબ્દોમાં જ જવાબ આપે છે પણ ભવિષ્યમાં તે વાત પણ કરી શકે એના માટે કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત, ચેટજીપીટી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં જરૂરી કોડીંગ જાવા, સીપ્લસ અને અન્ય ભાષામાં લખી આપે છે અથવા તો કોઈ વ્યક્તિના કોડીંગમાં કોઈ ક્ષતિ હોય તો તે દૂર કરવામાં મદદ પણ કરી શકે છે. 

ભવિષ્યમાં આ ટુલને વધુ શક્તિશાળી બનાવવા માટે પ્રયત્ન થઇ રહ્યો છે અને તેના ઉપર કામ ચાલી રહ્યું છે. આ ટુલ ભવિષ્યમાં સલાહ આપી શકે કે કોઈ ઘટના અંગે આગાહી કરી શકે તેના માટે અત્યારે વિચારણા ચાલી રહી છે. આ માટે વિશ્વભરમાં આર્ટીફીફીશીયલ ઈન્ટેલીજન્સ સાથે જોડાયેલો સમુદાય તેના ઉપર કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તેને અંગ્રજી સિવાયની ભાષા તેમજ અવાજ આપવા માટે પણ કામગીરી ચાલી રહી છે. 

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક ઈલોન મસ્ક અને માઈક્રોસોફ્ટ અત્યારે ઓપનએઆઈ નામની કંપનીના આ પ્રોજેક્ટને નાણાકીય મદદ કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટ તેને કલાઉડ સર્વર એઝયોર સહીત ત્રણ અબજ ડોલરનું રોકાણ ચેટજીપીટીમાં કરી ચૂકી છે અને હજુ ૧૦ અબજ ડોલરનું રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે. 

ચેટજીપીટી અત્યારે ઇન્ટરનેટ સાથે જોડાયેલું નથી. એની પાસે ૨૦૨૧ પછીની દુનિયાની ઘટનાઓ કે અન્યચીજો વિષે પૂર્ણ કે બિલકુલ માહિતી નથી. ઇન્ટરનેટથી નહી જોડાયેલું હોવાથી જીવંત ઘટના અંગે તે માહિતી આપવા સક્ષમ નથી, ક્યારેક ખોટી માહિતી પણ આપે છે પણ તેમાં એક સવાલના પેટા સવાલ કરી તે માહિતી સત્યથી નજીક લાવી શકે છે. હા, એને બીભત્સ પ્રશ્નો કે અણછાજતી માહિતી આપો તો તે આપવાનો ઇનકાર કરવાની એનામાં શક્તિ ચોક્કસ છે.

સર્ચ એન્જીન તરીકે ગુગલ બંધ થઇ જશે ?

વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય એવા જીમેઈલના સંશોધક પૌલ બુકેએ તાજેતરમાં ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે આગામી બે દિવસોમાં ગુગલ અને અન્ય સર્ચ એન્જીન બંધ કરવા પડશે કારણ કે ચેટજીપીટી તેના આર્ટીફીફીસીયલ ઈન્ટેલીજન્સથી આ માહિતી આપે છે. એવી દલીલ પણ થઇ રહી છે કે ગુગલ જે માહિતી આપે છે તે અન્ય વેબસાઈટની લીંક કે લાખો કરોડો રિઝલ્ટ આપે છે જે ઘણા સંજોગોમાં મુંઝવણ ઉભી કરે છે. જ્યારે ચેટજીપીટી જે માહિતી આપે છે તે સરળ ભાષામાં તૈયાર પીરસે છે એટલે આગામી દિવસોમાં જ્યારે એ વધારે સક્ષમ બને ત્યારે તેની શક્તિઓ સર્ચ એન્જીન કરતા ઘણી વધારે હોય શકે છે. ચેટજીપીટીને લોન્ચ કર્યાના પ્રથમ બે સપ્તાહમાં જ ૧૦ લાખ જેટલા યુઝર ઉપયોગ કરતા થઇ ગયા છે જે અત્યારે અનેકગણા વધી ગયા છે.

‘ChatGPT'એ અત્યારે શું સિદ્ધ કર્યું

- અમેરિકન મેડીકલ લાયન્સની વિશ્વમાં સૌથી મુશ્કેલ ગણાતી પરીક્ષા પાસ કરી

- વ્હોર્ટન બિઝનેસ સ્કુલની એમબીએની પરીક્ષા પાસ કરી

- મીનીસોટા લો સ્કુલની કાયદાની પરીક્ષા પાસ કરી

- જાવા સ્ક્રીપ્ટમાં કોડીંગ કે કોડીંગમાં મદદ કરી શકે છે

- અમેરિકન કોંગ્રેસમેન ડેમોક્રેટ જેક ઔચનિકોલસનું એક ભાષણ તૈયાર કરી આપ્યું જે તેમણે સંસદમાં રજૂ પણ કર્યું

- કવિતા, ગીતની કડીઓ, નિબંધ, માહિતી અને ભાષણ લખી આપે છે. અત્યારે તેની મર્યાદા ૨૦૦ થી ૩૦૦ શબ્દોની છે.