×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CDS બિપિન રાવતનું તિબેટ મુદ્દે મહત્વનું નિવેદન, અપાવી સરદાર પટેલની યાદ


-  રાવતે કહ્યું કે, જ્યારે જ્યારે કોઈ દેશ પોતાની સેનાને જ નજરઅંદાજ કરે ત્યારે બાહ્ય શક્તિઓ તેવી સ્થિતિનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરે છે

નવી દિલ્હી, તા. 01 નવેમ્બર, 2021, સોમવાર

સીડીએસ બિપિન રાવતે રવિવારે ભારતીય સેનાને લઈ મહત્વનો સંદેશો આપ્યો હતો. તેમણે ભાર આપીને કહ્યું હતું કે, સેનાએ વિવાદિત સરહદોએ આખું વર્ષ તૈનાત રહેવાની જરૂર નથી. આ ઉપરાંત પોતાના સંબોધન દરમિયાન તેમણે ચીન પર પણ બરાબરનું નિશાન સાધ્યું હતું. સરદાર પટેલનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમણે ચીનને અરીસો દેખાડવાનું કામ કર્યું. 

બિપિન રાવતના કહેવા પ્રમાણે સરદાર પટેલ હંમેશા તિબેટને એક સ્વતંત્ર દેશની માફક જોતા હતા. તેઓ તેને બફર દેશ બનાવવા માગતા હતા જેથી ચીન-ભારતના સરહદી સંઘર્ષને રોકી શકાય. રાવતે દાવો કર્યો હતો કે, સરદારે પંડિત નેહરૂને પત્ર લખ્યો તેમાં આ વાતનો ઉલ્લેખ છે. 

અહીં બે વાત જાણવી જરૂરી બની જાય છે. પહેલું તો બફર દેશ એક એવો દેશ હોય છે જે એવા બે દેશની વચ્ચે સ્થિત રહે છે જ્યાં લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હોય. તેવામાં બફર દેશ દ્વારા અન્ય દેશો વચ્ચે તણાવ ઘટાડવાનો પ્રયત્ન રહે છે. બીજી બાજું ચીન હંમેશા તિબેટને પોતાનો હિસ્સો ગણાવતું આવ્યું છે. તેવામાં જ્યારે બિપિન રાવત સરદાર પટેલના નિવેદન દ્વારા તિબેટને સ્વતંત્ર ગણાવે છે તો ચીન આ મુદ્દે રોષે ભરાય તે નક્કી જ છે. 

પોતાના સંબોધન દરમિયાન બિપિન રાવતે ઈતિહાસના અનેક જૂના પાના ખોલ્યા હતા. તેના દ્વારા તેમણે વર્તમાન ભારત-ચીનની સ્થિતિ અંગે પોતાના વિચાર પણ રાખ્યા હતા. રાવતે કહ્યું કે, જ્યારે જ્યારે કોઈ દેશ પોતાની સેનાને જ નજરઅંદાજ કરે ત્યારે બાહ્ય શક્તિઓ તેવી સ્થિતિનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરે છે. 

1950માં ભારતે પોતાના સુરક્ષા તંત્રને ડગમગાવી દીધું હતું તેનું પરિણામ 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન ભોગવવું પડ્યું. 

રાવતે કહ્યું કે, 1962 બાદ પણ અનેક વખત ચીન અને ભારત વચ્ચે સંઘર્ષ થયો. પછી તે 1967માં સિક્કિમના નાથૂ લામાં, 1986માં વાંગડુંગમાં, 2017માં ડોકલામમાં હોય. રાવતના મતે હવે ભારતીય સેના સરહદ પર સક્રિય રહે છે.