×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી, અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી

Image : Twitter

CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે ગઈકાલે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી હતી. રેલવે બોર્ડે રવિવારે અકસ્માતની CBI તપાસની ભલામણ કરી હતી. 

રેલવે સેફ્ટી કમિશનરએ ઘટનાસ્થળની મુલાકાત લીધી

ઈસ્ટ કોસ્ટ રેલ્વેના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન અકસ્માતની CBI તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે હજુ સુધી વિગતવાર માહિતી ઉપલબ્ધ થઈ નથી. આ પહેલા  રેલવે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બહનગા બજાર રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. બાલાસોર રેલવે પોલીસએ ટ્રેન અકસ્માતને લઈને ભારતીય દંડ સંહિતા અને રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ત્રણ ઘાયલોના મોત બાદ મૃત્યુઆંક વધીને 288 થયો

આ ઘટના અંગે રેલ્વેએ વધુમાં કહ્યું કે ગઈકાલે વધુ ત્રણ ઘાયલોના મોત થયા બાદ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સત્તાવાર મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો છે. ડીઆરએમ રિંકેશ રેએ જણાવ્યું હતું કે 2 જૂને ત્રણ ટ્રેનની ટક્કરથી સર્જાયેલી દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા હતા અને 1100 જેટલા લોકો ઘાયલ થયા હતા.

288 મૃતદેહોમાંથી 177ની ઓળખ થઈ 

ડીઆરએમ રિંકેશ રેએ જણાવ્યું હતું કે હાલમાં 200 જેટલા લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે વધુમાં કહ્યું કે 288 મૃતદેહોમાંથી 177ની ઓળખ થઈ ગઈ છે જ્યારે 111 મૃતદેહોની ઓળખ થવાની બાકી છે અને આ મૃતદેહોને છ અલગ-અલગ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. રેલવેએ ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં લોકોને તૈનાત કર્યા છે.