×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BSNLને જીવતી કરવા જાહેર કરેલ રાહત પેકેજને ત્રણ વર્ષ બાદ કેબિનેટની મંજૂરી

અમદાવાદ,તા.27 જુલાઈ 2022,બુધવાર

ભારતની ટોચની સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ને ફરી બેઠી કરવા માટે સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી મરણિયા પ્રયાસ કરી રહી છે. ક્યારેક BSNL અને MTNLનું મર્જર ક્યારે MTNLના ખાનગીકરણ અને અને રસ્તોઓ અપનાવ્યા બાદ સરકારે ત્રણ વર્ષે પૂર્વે મક્કમતાથી મંજૂર કરેલ બીએસએનએલનાઅ રાહત પેકેજ અંતે આજે કેબિનેટની મંજૂરી મળી છે.

બુધવારે યોજાયેલ કેબિનેટ બેઠકમાં મોદી મંત્રીમંડળે બીએસએનએલને ફરી બેઠી કરીને દેશના ટેલિકોમ ક્ષેત્રનો આધારસ્તંભ બનાવવા માટે 1.64 લાખ કરોડના મસમોટા પેકેજને મંજૂરી આપી છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગે જાહેરાત કરી કે કેબિનેટ દ્વારા બીએસએનએલની સેવાઓને અપગ્રેડ કરવા, સ્પેક્ટ્રમની ફાળવણી, તેની બેલેન્સ શીટને ડિ-સ્ટ્રેસ કરવા અને ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડ (BBNL)ને BSNL સાથે મર્જ કરીને તેના ફાઇબર નેટવર્કને વધારવાની સાથે નવી મૂડી પર આ પેકેજમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વૈષ્ણવે કહ્યું કે BSNLના પુનરૂત્થાન પેકેજમાં રૂ. 43,964 કરોડની રોકડ સહાય હશે અને આગામી ચાર વર્ષ માટે રૂ. 1.2 લાખ કરોડની નોન કેશ સહાય હશે. સરકાર BSNLને 4G સેવાઓ પ્રદાન કરવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી કરશે. 900/1800 MHz બેન્ડના સ્પેક્ટ્રમની ફાળવણી માટે 44,993 કરોડનો ખર્ચ ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા થશે. આ સિવાય આગામી ચાર વર્ષ માટે અંદાજિત મૂડી ખર્ચને પહોંચી વળવા માટે સરકાર 4G ટેક્નોલોજીનો વ્યાપ વધારવા માટે રૂ. 22,471 કરોડનું મૂડી ભંડોળ પણ પૂરું પાડશે.

તદુઉપરાંત સરકાર BSNLને 2014-15થી 2019-20 દરમિયાન ગ્રામીણ વાયરલાઇન ગેપ ફંડિંગ પેટે રૂ. 13,789 કરોડ પ્રદાન કરશે. 


ચોંકાવનારી વાત એ છે કે સરકાર માટે ખોટનો ખાડો બની ગયેલ BSNLના દેવાને હજી પણ સરકાર ઈક્વિટીમાં ટ્રાન્સફર કરશે. મોદી સરકારે આ રાહત પેકેજમાં BSNLની બેલેન્સ શીટનું ભારણ ઘટાડવા માટે રૂ. 33,404 કરોડના સ્ટેટયુટરી ડ્યુ એટલેકે લેણાંને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકાર વર્તમાન લોનની ચુકવણી માટે નાણાં એકત્ર કરવા માટે BSNLને ભારત સરકારની સોવરિન ગેરંટી પણ  આપશે.

ભારતનેટ હેઠળ પાથરવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગની સુવિધા માટે BBNLને BSNL સાથે મર્જ કરવામાં આવશે. જોકે ભારત નેટની તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિ દેશની રાષ્ટ્રીય અસ્કયામતો તરીકે ચાલુ રહેશે અને તે તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરો માટે વિના ભેદભાવના ઉપલ્બધ કરાવામાં આવશે.


રીવાઈવલ પ્લાનને ત્રણ વર્ષે મંજૂરી મળી : 

મહત્વની વાત એ છે કે BSNLના પુનરૂત્થાન માટેની આ તમામ જાહેરાતો 2019માં જ કરવામાં આવી હતી. 23 ઓક્ટોબર, 2019ના રોજ ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે મોદી સરકારે ભારત સંચાર નિગમ લિમિટેડ અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડના પુનરૂદ્ધાર માટે ઘણા સમયથી ચર્ચાઓ કરીને આજે એક નક્કર યોજના સાથે મર્જર અને VRS પેકેજને મંજૂરી આપી હતી. MTNLને શરૂઆતના તબક્કે BSNLની સબસિડયરી બનાવવામાં આવશે અને ત્યારબાદ મર્જરને આગળ વધારવામાં આવશે. 

પ્રસાદે કહ્યું હતુ કે MTNL-BSNL કુલ 15,000 કરોડના સોવરિન બોન્ડ ઈશ્યુ કરશે. આ સિવાય તેમને 4જી સ્પેકટ્રમ પણ સરકારી બજેટમાંથી આપવાની જાહેરાત થઈ છે. અંતે મર્જર બાદ VRS પેકેજની પણ જાહેરાત કેબિનેટે કરી છે. આગામી ચાર વર્ષમાં BSNL-MTNLની 38,000 કરોડની સંપત્તિનું મોનેટાઈઝેશન કરવા પર પણ સરકાર તબક્કાવાર નિર્ણય લેશે તેમ પ્રસાદે ઉમેર્યું હતુ પરંતુ આજે અંદાજે 3 વર્ષ બાદ સરકારે BSNL માટેના રિવાઈવલ પ્લાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.