×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઈન્ટ્રા-ડે રૂ. 219 લાખ કરોડની વિક્રમી ટોચે


શેરોમાં અવિરત તેજી વચ્ચે ઈતિહાસ સર્જાયો

રિલાયન્સ રૂ.12.80 લાખ કરોડ સાથે પ્રથમ ક્રમે : ટીસીએસ રૂ.11.40 લાખ કરોડ સાથે બીજા સ્થાને, એચડીએફસી બેંક રૂ.8.32 લાખ કરોડ સાથે ત્રીજા સ્થાને

મુંબઈ : કોરોના મહામારી, કુદરતી અન્ય આફતો વચ્ચે દેશમાં આર્થિક વ્યવહારો મોટાપાયે ઠપ્પ હોવાની પરિસ્થિતિમાં પણ ભારતીય શેર બજારોમાં ઠલવાઈ રહેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના અવિરત રોકાણ પ્રવાહ અને લોકલ ફંડોની પણ શેરોમાં ખરીદીના પરિણામે આજે રોકાણકારોની સંપતિ નવી વિક્રમી ઊંચાઈએ પહોંચવાનો ઈતિહાસ રચાયો હતો.

 સેન્સેક્સ, નિફટીના ઐતિહાસિક ઊંચાઈના આંક તરફ બજારની કૂચ વચ્ચે આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ આજે ઈન્ટ્રા-ડે વધીને ત્રણ ટ્રીલિયન ડોલર એટલે કે રૂ.219 લાખ કરોડ પાર કરી જઈ વિક્રમી ઊંચાઈએ પહોંચી ગઈ હતી.

શેરોમાં ફોરેન ફંડોની અવિરત ખરીદી આજે પણ ચાલુ રહી હતી. ફંડોએ ઈન્ડેક્સ સેન્સેક્સ-નિફટી બેઝડ ખરીદી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં રોકાણકારોની સંપતિ આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં ત્રણ લાખ કરોડ ડોલરની ઊંચાઈએ એટલે કે રૂ.218.05 લાખ કરોડથી વધીને રૂ.219 લાખ કરોડનો આંક પાર કરી જઈ અંતે રૂ.218.94 લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયું હતું.

સેન્સેક્સ તેની ફેબુ્રઆરી 2021ની ઐતિહાસિક 52516 ઊંચાઈ તરફ આગળ વધીને આજે ઈન્ટ્રા-ડે 50857.59ની ઊંચાઈએ પહોંચી અંતે 111.42 પોઈન્ટ વધીને 50651.90 રહ્યો હતો. નિફટી 50 ઈન્ડેક્સ 15431.75ની ઐતિહાસિક ઊંચાઈ તરફ આગળ વધતો રહી આજે 15256.25 સુધી પહોંચી અંતે 22.40 પોઈન્ટ વધીને 15197.70 બંધ રહ્યા હતા. 

બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ 23337.82 નવો રેકોર્ડ બનાવી અંતે 161.47 પોઈન્ટ વધીને 23291.87ની નવી ઐતિહાસિક ઊંચાઈએ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ 21716.93 નવો ઈતિહાસ રચી અંતે 183.89 પોઈન્ટ વધીને 21669.64ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યા હતા.

ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ(એફપીઆઈઝ) મે 2021 મહિનામાં અત્યાર સુધીમાં રૂ.4000 કરોડનું રોકાણ શેરોમાંથી પાછું ખેંચ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ફરી લેવાલ બનીને છેલ્લા 12 મહિનાના ધોરણે નેટ ખરીદદાર રહ્યા છે. આ ફોરેન ફંડોએ 30,એપ્રિલ 2021 સુધીમાં રૂ.36,618 કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી છે. 

માર્કેટ કેપિટલાઈઝેશનમાં ટોચની 10 કંપનીઓ

કંપનીનું નામ

શેરનો ભાવ(રૂ.)

માર્કેટ કેપ(રૂ.કરોડમાં)

રિલાયન્સ ઈન્ડ.

રૂ.1988.55

રૂ.12,79,706.80

ટીસીએસ

રૂ.3081.85

રૂ.11,39,992.15

HDFC બેંક

રૂ.1509.25

રૂ.8,32,375.60

ઈન્ફોસીસ

રૂ.1348.15

રૂ.5,74,464.77

હિન્દુ. યુનિલિવર

રૂ.2336.40

રૂ.5,48,957.94

એચડીએફસી લિ.

રૂ.2540.45

રૂ.4,58,329.32

ICICI બેંક લિ.

રૂ.647.80

રૂ.4,48,295.76

સ્ટેટ બેંક ઈન્ડિયા

રૂ.412.05

રૂ.3,67,738.62

કોટક મહિન્દ્રા બેંક

રૂ.1755.40

રૂ.3,47,988.39

બજાજ ફાઈનાન્સ

રૂ.5602.25

રૂ.3,38,148.64