×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BJP છોડવા મુદ્દે બાબુલ સુપ્રિયોએ કહ્યું, 'મેસી બાર્સિલોના છોડવા નતા માગતા, દુખી મનથી જતા રહ્યા'


- જો મને બંગાળમાં ટીએમસી વિરોધી ચહેરા તરીકે જોવામાં આવ્યો તો તેનું સન્માન શા માટે ન કરાયું? તમારે મારા પાછલા બોસને આ સવાલ કરવાની જરૂરઃ સુપ્રિયો

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2021, બુધવાર

થોડાં દિવસો  પહેલા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં સામેલ થનારા પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડવા અંગે કહ્યું કે, મેસી બાર્સિલોનાને છોડવા નહોતા માગતા, તેમણે દુખી મનથી ક્લબ છોડી હતી. વધુમાં જણાવ્યું કે, બુધવારે સ્પીકરની મુલાકાત માટે સમય માગ્યો છે જેમાં તેઓ લોકસભા સાંસદ પદેથી રાજીનામુ આપી દેશે. 

બાબુલ સુપ્રિયો થોડા મહિનાઓ પહેલા સુધી પશ્ચિમ બંગાળમાં ભાજપ તરફથી ટીએમસી વિરોધી ચહેરો ગણાતા હતા. તેમને 2019નું તેમનું એક નિવેદન યાદ કરાવવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, 'વિચિત્ર નિવેદનો મમતા બેનર્જીની યુએસપી છે. તમે તર્ક કે બંધારણીય વસ્તુઓની અપેક્ષા ન રાખી શકો.' તેના જવાબમાં તેમણે કહ્યું કે, 'મેસી બાર્સિલોના નહોતા છોડવા માગતા. તેઓ દુખી મનથી જતા રહ્યા, પરંતુ સ્થિતિ એવી હતી કે તેમણે પીએસજી (પેરિસ સેન્ટ-જર્મન ફૂટબોલ ક્લબ) માટે રવાના થવું પડ્યું. તેમણે ચેમ્પિયન્સ લીગની પાછલી મેચમાં પીએસજી વિરૂદ્ધ ગોલ પણ કર્યા. હવે તેઓ જ્યારે પીએસજી માટે રમી રહ્યા છે તો શું તમે તેમના પાસેથી બાર્સિલોનાના નોઉ કેમ્પમાં હોવાની આશા રાખો છો અને બાર્સિલોના વિરૂદ્ધ ગોલ ન કરે?'

ફૂટબોલ અને રાજકારણને એકબીજા સાથે ભેગા ન કરવાની વાત મુદ્દે સુપ્રિયોએ કહ્યું કે, 'હું નથી ઈચ્છતો કે સંસદીય રાજકારણમાં મારા 7 વર્ષ બરબાદ થાય. મને મારા પ્રતિદ્વંદીઓ પાસેથી શાનદાર તક મળી, જેની મને આશા નહોતી. આ બધું છેલ્લા 5 દિવસોમાં બન્યું છે.' વધુમાં જણાવ્યું કે, તમામ દળોની વિચારધારા જનતા માટે કામ કરી રહી છે. 

બાબુલ સુપ્રિયોને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, જ્યારે તમારી કાર પર હુમલો થયો ત્યારે તમે ટીએમસી અને મમતા બેનર્જીને આ માટે જવાબદાર ગણાવ્યા, તમારા આ બધા નિવેદનોનું શું થયું. તેના જવાબમાં સુપ્રિયોએ તે લેફ્ટ તરફથી કરાવાયા હોવાનું કહ્યું હતું. 

બંગાળમાં ટીએમસી વિરોધી ચહેરા તરીકે જોવા મળ્યા તેનું શું થયું? તેના જવાબમાં સુપ્રિયોએ કહ્યું કે, જો મને બંગાળમાં ટીએમસી વિરોધી ચહેરા તરીકે જોવામાં આવ્યો તો તેનું સન્માન શા માટે ન કરાયું? તમારે મારા પાછલા બોસને આ સવાલ કરવાની જરૂર છે. 

વધુમાં કહ્યું કે, 'હું (પ્રધાનમંત્રી) નરેન્દ્ર મોદી, (કેન્દ્રીય ગૃહમંત્રી) અમિત શાહ, (ભાજપા અધ્યક્ષ) જેપી નડ્ડાનો ખૂબ જ આભારી છું કે તેમણે મને ભાજપમાં એક મંચ આપ્યું અને મને છેલ્લા 7 વર્ષોમાં આટલું સંસદીય રાજકારણ શીખવા દીધું.'