×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BIGGEST SCAM : DHFLના વાધવાન બંધુઓ સામે રૂ. 34,615 કરોડની છેતરપિંડીનો કેસ

અમદાવાદ,તા.22 જુન 2022,બુધવાર

ભારતના એનબીએફસી સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરને હચમચાવી નાખનાર DHFL સ્કેમમાં પ્રમોટર વાધવાન બંધુઓ સામે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર કેન્દ્રિય તપાસ એજન્સીએ કપિલ અને ધીરજ વાધવાન સામે રૂ. 34, 615 કરોડની છેતરપિંડીનો કેસ દાખાલ કર્યો છે. આ સાથે સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ ઈતિહાસનો સૌથી મોટો ફ્રોડ કેસ છે. આ અગાઉ એબીપી શિપયાર્ડનો રૂ. 22,842 કરોડનો ફ્રોડ કેસ ભારતના ઈતિહાસનો સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે. 

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ એનબીએફસી કંપની ડીએચએફએલના પ્રમોટર બંધુ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સામે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના નેજા હેઠળની 17 બેંકોએ કરેલ ફરિયાદને આધારે આ બેંક ફ્રોડનો કેસ નોંધ્યો છે.

સીબીઆઈએ યુનિયન બેંકની ફરિયાદને આધારે આ કેસ નોંધ્યો છે. અગાઉ સરકારી બેંક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ અનુસાર રૂ.40,623 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ)ના પૂર્વ પ્રમોટરો અને મેનેજમેન્ટની તપાસ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને પત્ર લખ્યો હતો. પોતાની ફરિયાદમાં યુનિયન બેન્કની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ દ્વારા નિમણૂંક ઓડિટ ફર્મ કેપીએમજીના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ જણાયું છે કે, "બેલેન્સીટમાં છેડછાડ, માહિતી છુપાવવી, અઘોષિત બેંક એકાઉન્ટ્સ અને ખોટી રજૂઆત નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન થયુ છે." 

KPMGના વિશેષ ઓડિટ રિપોર્ટમાં DHFL પ્રમોટરને સમાનતા ધરાવતી 35 સંસ્થાઓને કુલ રૂ.19,754 કરોડની લોન અને ધિરાણનું વિતરણ કરાયુ છે. ઓડિટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે 169 એન્ટિટીએ કરેલુ રૂ. 5,476 કરોડનું રિપેમેન્ટ ડીએચએફએલના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં શોધી શકાયુ નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે DHFLના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવન હાલમાં યસ બેંકના સહસ્થાપક રાણા કપૂર સાથે મળીને યસ બેંક સાથે થયેલી કથિત છેતરપિંડી માટે CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસોના સંબંધમાં જેલમાં છે.

સપ્ટેમ્બરમાં પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ (PCHF)એ રોકડ અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ઈશ્યુ કરીને DHFLનું રૂ. 34,250 કરોડમાં હસ્તાંતરણ પૂર્ણ કર્યું હતું.

PM આવાસ યોજના હેઠળ પર 14,000 કરોડનું સ્કેમ :

અગાઉના એક અહેવાલ અનુસાર સીબીઆઇએ પ્રધાન મંત્રી આવાસ યોજના(પીએમએવાય) સાથે સંકળાયેલ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડના સંદર્ભમાં પણ કેન્દ્રિય તપાસ એજન્સીએ પ્રમોટર ભાઇઓ કપિલ અને ધીરજ વાધવાન સામે કેસ દાખલ કર્યો હતો.

સીબીઆઇના જણાવ્યા અનુસાર કપિલ અને ધીરજ વાધવાને 14000 કરોડ રૂપિયાના નકલી હોમ લોન એકાઉન્ટ ખોલાવ્યા હતાં અને ભારત સરકાર પાસેથી 1880 રૂપિયાની વ્યાજ સબસિડીનો લાભ લીધો હતો. ડીસેમ્બર, 2018માં ડીએચએફએલએ પોતાના રોકાણકારોને જણાવ્યું હતું કે તેમણે પીએમએવાય હેઠળ 88,651 લોનની પ્રોસેસ કરી છે અને 539.4 કરોડ રૂપિયાની સબસિડી મેળવી છે.  જો કે ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે કપિલ અને ધીરજ વાધવાને 2.6 લાખ નકલી હાઉસિંગ લોન ખાતા ખોલ્યા હતાં. જે પૈકી અનેક ખાતા પીએમએવાય સ્કીમ હેઠળ ખોલવામાં આવ્યા હતાં. ડીએચએફએલની બાંદ્રા બ્રાન્ચ દ્વારા આ નકલી ખાતાઓ માટે પીએમએવાય સ્કીમ વ્યાજમાં સબસિડીનો પણ દાવો કરવામાં આવ્યો હતો. 

2007થી 2019 દરમિયાન આ લોન ખાતાઓમાં 14,046 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન મહિનામાં સીબીઆઇએ વાધવાન ભાઇઓ અને યસ બંકના રાણા કપૂર સામે ચાર્જશીટ દાખલ કરી હતી.