×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બુધો

“ડિગ્નિટી” ‘ખોડા, હવે હોસ્પિટલ સામેથી તારી પકોડા લારી બીજે લઈ જા. મારી મા તારી સાથે બેસીને ચા પકોડાનો ધંધો કરે એ મને શોભતું નથી. અને ગમતું પણ નથી’ ‘દીકરા, હવે તું નાદાન નથી. બાપા સાથે વિવેકથી વાત કરતાં શીખ. નાનો હતો ત્યારે ભલે લાડથી ખોડા કહેતો હતો. પણ મોટા થયા પછી તો બાપા કહેતાં શીખ. વડીલ છે. પંચ્યાસી વર્ષના છે. ઉમ્મરને તો માન આપ.’ રમાએ એના ડોક્ટર દીકરાને હળવેથી શીખામણ આપી. ‘હા હવે હું નાદાન નથી. કોણ બાપા અને કોણ કાકા. હવે તું ડોક્ટરની મા છે. જે હોસ્પિટલમાં હું ડોક્ટર હોઉં ત્યાં તું ચા પકોડા વેચે એ મને શોભે નહીં. ચાલ હવે ડોસલાને ખોડો નહિ કહું. મારા પૂજ્ય બાપાશ્રી હવે તમે પોટલાં બાંધીને તમારા ગામ સિધાવો. હું મારી માને હવે મારો ફ્લેટ મળે એટલે ત્યાં લઈ જવાનો છું. મારી મા પકોડા તળે એ મારાથી હવે નથી જોવાતું. હવે આ સહન નથી થતું. મારે એટલું જ જોઈએ છે કે હોસ્પિટલ સામેથી તારી લારી ખસેડ.‘ અડતાલીસ વર્ષની રમા બીજા દિવસ માટે મરચા વાટતી હતી. ઉભી થઈ અને મરચાવાળા હાથે જ દીકરા કુંદનના ગાલ પર બે તમાચા ઠોકી દીધા. “નાલાયક બાપા સાથે આવી વાત કરે છે? ગેટઆઉટ” અને ડો. કુંદન પગ પછાડતો એની ગર્લફ્રેંડને ત્યાં ચાલ્યો ગયો. મરચા વાળી થપ્પડથી ગાલા ચચરતા હતા. પણ એના કરતાં તો દશ વર્ષની ઉમરે, એક બપોરે જોયલી ઘટના એના મનમાં વર્ષોથી ચચરતી હતી. નિશાળેથી ઘરે આવ્યો ત્યારે મમ્મી અને ખોડો એક ખાટલામાં ઊંઘતા હતાં. કહેવાતો બાપો ડોસો હતો, અને મારી વિધવા મા સાથે? જાતનો તો દુબળો, ખોડો મારી મમ્મી સાથે? મનમાં તો ઘણું કહેવાનું હતું પણ બોલ્યા વગર ચાલ્યો ગયો. બુધીયો કોથમીર સમારતો હતો. ધ્રૂજતા સ્વરે એણે ધીમે થી કહ્યું, ‘રમા જુવાન દીકરા પર હાથ ન ઉપાડાય. છ મહિનામાં લોન પૂરી થાય એટલે લારી બંધ કરી દઈશ. તું કુંદા સાથે રહેવા ચાલી જજે. હું જાત્રાએ જઈશ.’ ‘દીકરો તો ગમે તેમ કહે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તો સાથે જ રહીશ અને થાય તેવી તમારી સેવા કરીશ.’ બુધાની આંખમાં પાણી હતાં પણ રેલો ના નીકળ્યો. કોથમીર હાથમાં જ રહી ગઈ. એ ત્રીસ વર્ષ પહેલાના અતીતમાં સરી ગયો. એ ત્યારે પંચાવન વર્ષનો હતો. ચાર દિવસ પછી નિવૃત્ત થઈને જાત્રાએ જવાનો હતો. ** ‘ડોક્ટર સાહેબ, મારે રિટાયર નથી થવું.’ ‘સોરી, બુધા મેં તો પહેલાં જ કહ્યું હતું કે તારે રિટાયર થવાની જરૂર નથી. ત્રણ વર્ષનું એક્સ્ટેનશન મળતું હતું. પણ રિટાયર થવાને તો તું જ કુદતો હતો. કહેતો હતો કે જાત્રા જવું છે. સોરી હવે એ શક્ય નથી બધા પેપર્સ એપ્રુવ થઈને આવી ગયા છે. તારી જગ્યાએ બીજાને એપોઇન્ટ પણ કરી દીધો છે. ટુ લેઈટ બુધા. પણ કેમ તારો વિચાર બદલાયો?’ ‘સાહેબ, મારી જાત્રા તો અહિ જ શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે આપણે ત્યાં દાખલ કરેલી તે રમાને હું મારે ઘેર લઈ જવાનો છું. હવે એનું કોઈ નથી. ફરી પાછું કંઈ આડું અવળું કરી બેસે. સાહેબ, મારા પેન્સનમાંથી એની ડિલીવરી અને બાળકનો ખર્ચો કેવી રીતે નીકળે? નોકરી તો કરવી જ પડશે.’ નવા આવેલા યુવાન ચીફ મેડિકલ ઓફિસર ડો. દેસાઈને બુધા માટે કૂણી લાગણી હતી. બે દિવસ પહેલાં રમા નામની અઢાર વર્ષની પ્રેગનન્ટ યુવતીએ નદીમાં પડીને આત્મહત્યાની કોશીશ કરી હતી. પણ કોઈકે એને બચાવી લીધી અને સરકારી હોસ્પિટલમાં મુકી ગયો હતો. બુધો એ હોસ્પિટલનો પટાવાળો કમ વોર્ડબોય હતો. ચોપડે ચઢેલું મૂળ નામ તો બુધીયો કેશવ. પણ બધા એને બુધો કે ખોડો જ કહેતાં. પગની ખોડ. ખોડું ચાલે. માત્ર પાંચ ચોપડી ભણેલો. ગામડીયો. સરકારી હોસ્પિટલમાં વોર્ડબોયની નોકરી તો મળી ગયેલી પણ કોઈ છોકરી ન મળી. ખુબ ભલો માણસ. ડોક્ટર અને નર્સોનું દોડી દોડીને કામ કરે. પેશન્ટના ઝાડા પેશાબ પણ સાફ કરે. અરે ડોક્ટર અને નર્સને ઘરે જઈને પણ નાના મોટા કામ કરી આવે. એ હોસ્પિટલની સામેની ચાલીમાં જ એક નાની ઓરડીને જ મહેલ માનીને રહેતો હતો. એ ભલા માણ્સે રમાને ઓળખી કાઢી. પોતાના ગામની જ છોકરી. પરષોત્તમ માસ્તરની દીકરી. કાકાને ત્યાં ઉછરેલી. પરષોત્તમ માસ્તર પાસે જ એ ત્રણ ચોપડી ભણેલો. એની મા માસ્તરને ત્યાં કામ કરવા જતી. કોઈવાર મા સાથે એ પણ માસ્તરને ત્યાં જતો. માસ્તર એને સ્લેટ પેન પણ આપતા. પણ મા મરી ગઈ. પાંચ ધોરણ ભણીને શહેરમાં ગયો. હોટલમાં નોકરી કરી. પછી સરકારી હોસ્પિટલમાં લાગી ગયો. અવાર નવાર ગામ જતો. માસ્તરના પત્ની નાની બાળકી મૂકીને અવસાન પામી. થોડા મહિના પછી માસ્તર પણ વિદાય થયા. બુધીયો ગામમાં જતો અને બધાને સલામ મારી આવતો. એ રમાને ઓળખતો હતો. રમા કાકાકાકી સાથે રહેતી હતી. ‘દીકરી રમા, બેન શું થયું?’ ‘કોણ ખોડો? તું આ હોસ્પિટલમાં છે? મને કોણે બચાવી? કેમ બચાવી? ડોક્ટરને કહો કે મને મરવાની દવા આપે. મારે જીવવું નથી. આ કલંક સાથે મારાથી નહિ જીવાય. કાકીએ મને કાઢી મુકી છે. ગામમાં બધા મને વેશ્યા કહે છે. શું મોઢું લઈને જીવુ? હું ક્યાં જાઉં? મારે મરવું છે.’ બ્રાહ્મણની દીકરી રમાને ગામના વાણીયા શેઠના દીકરા વસંત સાથે સારી દોસ્તી હતી. છાની છપની મુલાકાતો પણ થતી હતી. બન્ને બાજુના શહેરની કોલેજમાં પહેલા વર્ષમાં સાથે ભણતા. રમા બસમાં જતી. શેઠનો દીકરો વસંત કારમાં જતો. કોઈક વાર એ રમાને પણ કારમાં લઈ જતો. એક દિવસ રમા બસમાં બેસવા જતી હતી વસંતે કહ્યં ચાલ મારી સાથે. બસ તારે ઘેર સાંજે સાત વાગ્યે પહોંચાડશે. હું તને તે સમયે પહોંચાડી દઈશ. વચ્ચે દોસ્તો સાથે ખાવા પીવાની મજા કરી લઈએ. રમા દોસ્ત હતી. એને પણ વસંત ગમતો હતો. એ અજાણ્યો ન હતો. એ એની કારમાં બેસી ગઈ. વચ્ચે એક બંગલીમાં રોકાયા. ચાર પાંચ બીજા અજાણ્યા છોકરાંઓ પણ હતા. ધિંગામસ્તીમાં ન થવા જેવું થઈ ગયું. રમાને ચાર પાંચ છોકરાઓએ ચૂંથી નાંખી. માબાપ વગરની રમાને કાકાકાકીએ ઉછેરી હતી. કાકીનો સ્વભાવ તામાસી હતો. એ ખામોશ રહી. પણ અઢી મહિના પછી એનું પેટ ખામોશ નહિ રહ્યું. વસંત નામુકર ગયો એટલું જ નહિ પણ મિત્રો સાથે અફવા વહેતી કરી કે એ કોલેજમાં આવતી અને છોકરાઓ સાથે “ઘંધો” કરતી. કાકીએ રમાને ઘરની બહાર કાઢી મુકી. એણે ગામ અને શહેરની વચ્ચે આવતી નદીમાં ઝંપલાવ્યું. પણ કોઈ માછીએ એને જોઈ. બચાવી લીધી અને સરકારી હોસ્પિટલમાં મુકી આવ્યો. બસ ગામની છોડી એટલે બહેન દીકરી. બુધો એને સમજાવી પટાવીને પોતાની નાની રૂમમાં લઈ આવ્યો. ‘દીકરી. માનવ દેહ કુદરતની દયાથી જ સર્જાય છે. એનો નાશ કરીયે પાપમાં પડાય. હું તારો બાપ બનીશ. આવનાર બાળકનો કોઈ જ દોષ નથી. મારાથી થાય એટલું કરીશ. અભણ બુધાએ બહુ મોટી વાત કરી દીધી. ‘મોટા દાક્તર બહુ ભલા છે. આપણને મદદ કરશે. નર્સ શાંતાબેન પણ મને ભાઈ જ માને છે. એને કહીશ. એતો ગરીબોના છાપરામાં જઈને પણ ડિલીવરી કરાવે છે. તારી પણ એ જ કરાવશે. જરા પણ ચિન્તા નહિ. તુ બામણની દીકરી છે. મારા હાથનું ન ખવાય તો તું ધીમે ધીમે તારી રસોઈ કરી દેજે’ રમાની પાસે કોઈ જ શબ્દો ન હતા. એના વહેતાં આંસુઓએ આભાર કહી દીધો. વાંકી વળીને ખોડાના પગ પર લાગેલી ધૂળ માથે ચડાવી. બુધો એનો બાપ બની ગયો.’ સમય પહેલાં જ રમાએ બાળકને જન્મ આપ્યો. નર્સ શાંતા બહેને ઘરમાં જ ડિલિવરી કરાવી હતી. પણ મા દીકરાની તબિયત નાજુક હતી. પણ બન્ને જીવી ગયાં. ઉછેર માટે તો પૈસા જોઈએ જ ને. મોટા ડોક્ટર દેસાઈ સાહેબે સલાહ આપી; “બુધા, નોકરી તો નથી પણ તું ધંધો શરૂ કર.” “સાહેબ ધંધો. મને શું આવડે” “અહિ તું અમારે માટે સરસ ચા બનાવતો હતો. બસ હોસ્પિટલ સામે ચા પકોડાની લારી શરૂ કર. અમે બધા તારી ચા પીશું. અને પકોડા ખાઈશું.” પંચાવન વર્ષના ખોડાનો નવો ધંધો શરૂ થયો. બે વર્ષ પછી રમાની તબિયત સારી થઈ. “ભાઈ હું તમને મદદ કરું” “ના તું તારા દીકરાને સંભાળ. આપણે એને ખુબ ભણાવશું એને દાક્તર બનાવીશું. તું ભણેલી છે. તુંજ એને રોજ ટ્યૂશન આપજે” ભુધાએ જાણે અજાણ્યે રમાને જીવવા માટે એમા માનસમાં એક સ્વપ્ન રોપી દીધું. દીકરાએ નિશાળે જવા માંડ્યું અને રમા દીકરાને ભણાવતી અને બુધાને મદદ કરતી. મોટા થતા દીકરાને કહેવામાં આવ્યું કે તારા પપ્પા તારો જન્મ થયો તે પહેલાં જ મરી ગયા હતા. નાના બાળકને એવો ખ્યાલ હતો કે ખોડો એની મમ્મીના ગામનો નોકર છે. અને મમ્મીના પૈસે ચા પકોડાનો ધંધો કરે છે. બાળકને શું સમજાવવાનું! મોટો થશે અને સમજશે. ખોડો બુધો એને ડોક્ટર બનાવવા જાત ઘસી નાંખતો હતો. ભણવામાં અનેક ટ્યૂશનની ફીઝ માટે પકોડાના પેણાં પર પરસેવાના રેલા ઉતારતો હતો. બારમા ધોરણમાં સારા પરસન્ટેજ આવ્યા છતાં પણ મેડિકલ કોલેજમાં દાખલ થવા ડોનેશનની જરૂર પડી. ખોડાએ મોટા દાક્તર પાસે ખાનગી લોન લીધી. હોસ્પીટલના મોટા ડોકટર એને સારી મદદ કરતા. એને વગર વ્યાજની લોન આપી. કુંદનને ખબર જ ન હતી કે પૈસા ક્યાંથી આવે છે. એ તો એમ જ સમજતો કે આ બિઝનેશ એની મમ્મીનો છે અને કહેવાતો મામો એમનો નોકર છે. એ મનમાં સમજતો રહ્યો, મા દીકરા વચ્ચે કદીયે સ્પષ્ટતા થઈ નહિ. ખોડો સમજતો રહ્યો. મેં બે જીવ બચાવ્યા. જેમને જીવાડ્યા એમને પાળવું પોષવું એ ફરજ અને ધરમ જ છે. રમા સમજતી હતી દીકરો ડોક્ટર થશે અને અમે મા દીકરો બન્ને બાપ સમાન ખોડાની સેવા કરીશું. દીકરો તો હોસ્ટેલમાં રહીને ભણ્યો. મગજમાં એ જ તુમાર હતો. હું મારી હોશિયારી, સ્કોલરશીપ અને સ્માર્ટનેશથી જ ડોક્ટર બન્યો છું. એને અસલ મૂળ વાત તો ખબર જ ન હતી કે ભણવાના પૈસા પકોડાની લારીમાંથી જ આવતા હતા. ખોડાની વિનંતીઓથી હોસ્પિટલના મોટા ડોક્ટરની ભલામણ લાગવગથી જ એ ડોક્ટર બની શક્યો હતો. ઈંટર્નશીપ પણ મોટા ડોક્ટરના પ્રયાસે જ ચાલી સામેની હોસ્પિટલમાં મળી હતી. અને હવે એર્ને પકોડાની લારીની શરમ આવતી હતી. પંચ્યાસી વર્ષનો બુધીયો લારી પર ચા બનાવતો. રમા સરસ પકોડા બનાવતી. સવારે છ વાગ્યાથી ચા ગોટા શરૂ થઈ જતા. પછી સમોસા, પકોડા ચા આખો દિવસ ચાલુ રહેતા. સાંજે સમોસારગડા અને પાંઉની ભરેલી લારી ખાલી થઈને રાત્રે ચાલી પાસે ઉભી રહેતી. હોસ્પિટલ સ્ટાફને ચા પકોડાનું વ્યસન થઈ ગયું હતું. દરદીઓના સગાઓ અને મુલાકાતીઓ પણ ચા પકોડા વગર પાછા જતાં ન હતાં. દર શનીવારે કંદ પૂરી ખાવા એની લારી પર લાંબી લાઈન લાગતી. બસ સરસ રીતે ધંધો ચાલતો હતો. સ્વચ્છ, સસ્તું અને સ્વાદિષ્ટ ખાવાનું કોને ના ફાવે? પણ ડોક્ટર કુંદન ને એ કઠતું હતું. આવતી કાલથી એ હોસ્પિટલમાં નોકરી શરૂ કરવાનો હતો. રમા કેટલીક વાર જાતે હોસ્પિટલમાં જઈને ડોક્ટરોની ઓફિસમાં કે લંચ રૂમમાં ચા પકોડા પહોંચાડતી. કુંદનની ઈજ્જત જતી હોય એવું એને લાગ્યું. એ બુધાનું અપમાન કરીને ચાલ્યો ગયો. બીજી સવારે છ વાગ્યે હોસ્પિટલ સામે બુધાની ચા ગોટાની લારી ન દેખાઈી. રોજની આદતવાળા ડોક્ટર નર્સ અકળાતાં હતાં. એક નર્સ તો દોડીને બુધાની રૂમ પર તપાસ કરવા ગઈ. પણ એની ઓરડી પર તાળું હતું. ડોક્ટર કુંદનનો આજે પહેલો દિવસ હતો. એણે સિવિલ સર્જન ડો. દેસાઈને સવારે સાત વાગ્યે રિપોર્ટ કરવાનો હતો. એ જ મોટા ડોક્ટર જેણે કુંદનને ખાનગી રાહે મેડિકલમાં એડમિશન અપાવ્યું હતું. એ જ ડોક્ટર જેને તદ્દન નીચલી કક્ષાના બુધા ખોડા માટે લાગણી અને આદર હતો, એ જ ડોક્ટર જેણે કુંદનના એડમિશન ડોનેશનમાટે ચાર લાખ જેવી રકમ વગર વ્યાજે બુધાને આપી હતી; એ ડોક્ટર એની કેબીનમાં ચા ગોટા વગર આંટા મારતા હતા. “વેર ઈસ માઈ ટી?” એની સામે જ હોસ્પિટલની કેન્ટિનની ચાનું આખું મગ પડેલું હતું પણ તેને તેઓ અડક્યા પણ ન હતા, ‘મે આઈ કમ ઈન સર.’ ‘ડોક્ટર કુંદન, કમ ઈન માય બોય. આઈ વોઝ વેઇટિન્ગ ફોર યુ. યોર મધર એન્ડ બુધો ઈઝ મિસીંગ. આઈ વોન્ટ ટી એન્ડ ગોટા. રન એન્ડ ગેટ ઈટ. ગેટ આઉટ.’ કુંદનને તો બિચારાને ખ્યાલ જ ન હતો કે ચીફ સર્જન એને ચા લેવા મોકલશે. હોસ્પિટલનો સ્ટાફ તો ડોક્ટર દેસાઈના મિજાજ અને સ્વભાવથી ટેવાયલા હતા. બિચારો દોડ્યો. મોટા થયા પછી વેકેશનમાં પણ એ મમ્મીની રૂમમાં રહેવાનું ટાળતો. હોસ્ટેલમાં પડી રહેતો કે ગર્લફ્રેન્ડને ત્યાં રહેતો. બિચારાને દોડવું પડ્યું. ઓરડીને તાળું હતું. પાડોસીને પુછ્યું “મારી મમ્મી ક્યાં છે?” ‘એ તો બુધાબાપા સાથે લારી લઈને સ્ટેશન પાસે ગઈ છે. હવે એ ત્યાં ઉભા રહેવાના છે. હવે હોસ્પિટલ સામે ધંધો નથી કરવાના.’ પાડોસીએ જવાબ આપ્યો. કુંદન વીલે મોઢે પાછો ડોક્ટર દેસાઈ પાસે પહોંચ્યો. ‘સર, બુધો તો લારી લઈને સ્ટેશન પર ગયો છે.’ ‘વ્હોટ? યુ સ્ટુપિડ ઈડિયટ. મારી સામે શું જૂએ છે? મેં તને ચા લેવા મોક્લ્યો હતો. દોડ અને એ લારી અહિં ખેંચી લાવ. રન, એટ નાઈન ઓ’ક્લોક આઈહેવ ઓપન હાર્ટ સ્કેડ્યુલ. રન, બાઘાની જેમ મારી સામુ ના જો.’ બિચારો કુંદન ટાઈ સાથે જ દોડ્યો. સ્ટેશન દશ મિનિટ જેટલું જ દૂર હતું. ‘મમ્મી જલ્દી ચાલો. મોટા ડોક્ટર અને હોસ્પિટલનો બધો સ્ટાફ તમારી રાહ જૂએ છે.’ ‘ના બેટા અમારે ત્યાં નથી આવવું. ધીમે ધીમે અહિ પણ ઘરાકી બંધાઈ જશે. ત્યાં તારી આબરૂનો સવાલ આવે એવું નથી કરવું.’ ‘પ્લીઝ મમ્મી અત્યારે એ વાતનો સમય નથી. મોટા ડોક્ટર ગુસ્સે થશે તો મારી ઈંટ્યર્નશીપ કેન્સલ થઈ જશે. તમે રિક્ષામાં હોસ્પિટલ પાસે પહોંચો. હું લારી લઈને આઉં છું.’ એણે પાસે ઉભેલી રિક્ષામાં રમા અને બુધાને ધકેલી દીધા. રિક્ષા રવાના થઈ. કુંદને લારી પરના બે સ્ટોવ બંધ કર્યા. હળવેથી તેલનો પેણો નીચે ઉતાર્યો અને સૂટ ટાઈ સાથે લારી લઈને દોડ્યો. હાંફતો હાંફતો હોસ્પિટલ પહોંચ્યો. ઘણાં લોકો એને જોતા હતા. પણ એને પડી ન હતી. એને ખબર હતી કે ડિગ્રી મેળવવી સહેલી છે પણ અઘરામાં અઘરું ડોક્ટરના હાથ નીચે ઈંટર્ન તરીકેનો સમય પસાર કરવાનું અને શીખવાનું છે. ઈંડિયાના કેટલાક ડોક્ટર ગુરુકુળના ગુરુ જેવા જ હોય છે. ઈંટર્ન્સને ખખડાવે પણ અને કામ પણ કરાવે. બે સ્ટોવ ધમધમતા થયા. ચા અને ગોટા તળાયા. ડોક્ટર કુંદન. એક નાની કિટલીમાં ચા અને તાજા ગરમ ગોટા લઈને દેસાઈ સાહેબની ઓફિસમાં દોડ્યો. સાહેબના બન્ને ગલોફામાં ગોટા હતા. સબડકા સાથે ચા પીવાઈ ગઈ. ‘થેક્સ માઈ બોય. હવે આ કપ લઈ જા અને તારી મમ્મી અને બુધિયાબાપાનેને પગે લાગીને એના બ્લેસિંગ લઈને આવ. આજે તારો પહેલો દિવસ છે. પછી સ્ક્રબ પહેરી ઓપરેશન થિયેટરમાં આવ. મને ખબર છે કે ડોક્ટર થતાં પહેલા જ તારા મગજમાં કંઈ ધૂમાડો ભરાયો છે. હું તારી મમ્મીને તારો હેવાલ પુછતો રહેતો હતો. મારા ફાધર પણ સરકારી પટાવાળા હતા. રિમેંબર, ઓલ વર્ક હેઝ ઈટ્સ ઔન ડિગ્નિટી. ધીસ ઈઝ યોર ફર્સ્ટ લેશન.’