×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ankita Murder Case: પરિજનોએ અટકાવ્યા અંતિમ સંસ્કાર, ફરી પોસ્ટમોર્ટમ કરવાની માગ


- અંકિતા ભંડારીના ભાઈ અજય સિંહ ભંડારીએ આરોપ લગાવ્યો કે, અંકિતાને નદીમાં ફેંકવા પહેલા આરોપીએ હેવાનિયતની બધી હદ પાર કરી દીધી હતી

દેહરાદૂન, તા. 25 સપ્ટેમ્બર 2022, રવિવાર

AIIMS ઋષિકેશમાં પોસ્ટમોર્ટમ બાદ પૌડીની પુત્રી અંકિતાના મૃતદેહને શ્રીનગરની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. આજે અંકિતાના અંતિમ સંસ્કાર અલકનંદા નદીના કિનારે પૈતૃક ઘાટ પર થવાના હતા પરંતુ પરિવારે આજે અંતિમ સંસ્કાર અટકાવી દીધા છે. પરિવારજનોએ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફેરફાર થઈ શકે છે.

અંકિતાના ભાઈનું કહેવું છે કે, ફરીથી પોસ્ટમોર્ટમ થવું જોઈએ અને અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બીજી તરફ અંકિતાના પિતાનું કહેવું છે કે, તંત્રએ ઉતાવળમાં રિસોર્ટમાં અંકિતાનો રૂમ તોડી નાખ્યો હતો. તેમાં પુરાવા હોઈ શકે છે. હવે અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારે જ અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વહીવટી ટીમ અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યોને સમજાવવામાં વ્યસ્ત છે.


અંકિતા ભંડારીના ભાઈ અજય સિંહ ભંડારીએ આરોપ લગાવ્યો કે, અંકિતાને નદીમાં ફેંકવા પહેલા આરોપીએ હેવાનિયતની બધી હદ પાર કરી દીધી હતી. તેમણે કહ્યું કે, અંકિતાને નદીમાં ફેંકવા પહેલા તેની સાથે ખૂબ જ ખરાબ રીતે મારપીટ કરવામાં આવી હતી. પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ અંકિતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

અંકિતાની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અંતિમ સંસ્કાર દરમિયાન કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે પોલીસ અને તંત્રએ સઘન સુરક્ષા વ્યવ્સ્થા કરી છે. 

એસડીએમ શ્રીનગર અજયવીર સિંહે જણાવ્યું કે, સ્થાનિક તંત્રએ અંતિમ સંસ્કાર માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી પરંતુ સૂર્યાસ્ત બાદ મૃતદેહ આવવાના કારણે પરિવારજનોએ રવિવારે જ અંતિમ સંસ્કાર કરવાનું જણાવ્યું હતું. મૃતદેહને મેડિકલ કોલેજના શબઘરમાં રાખવામાં આવ્યો હતો.


બીજી તરફ અધિક પોલીસ અધિક્ષક પૌડી શેખર ચંદ્ર સુયાલે અંકિતા હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવાને નષ્ટ કરવાને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ખબરોને ખોટી ઠેરવી હતી. તેમણે જણાવ્યું કે, કેસ સાથે સબંધિત તમામ પુરાવા પોલીસે સુરક્ષિત રાખ્યા છે. 

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર રિસોર્ટમાં પુરાવાનો નાશ કરવાના ભ્રામક અહેવાલો છે. 22 સપ્ટેમ્બરે રેવન્યુ પોલીસમાંથી મામલો ટ્રાન્સફર થતાંની સાથે જ ટીમે રિસોર્ટની વીડિયોગ્રાફી કરી હતી.