×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'AAPને તોડી ભાજપમાં આવી જાઓ.., મેં કહી દીધું – હું માથું કપાવી દઈશ પણ..'


- મનીષ સિસોદિયાએ પોતે મહારાણા પ્રતાપનો વંશજ અને રાજપૂત છે, ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝુકશે નહીં તેવો જવાબ આપ્યો હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ 2022, સોમવાર

દિલ્હીની એક્સાઈઝ નીતિમાં કથિત કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. બંને પાર્ટીના નેતાઓ સતત એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. તેના અનુસંધાને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આપના નેતા મનીષ સિસોદિયાએ સોમવારે ફરી એક વખત કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર આક્ષેપો કર્યા છે. મનીષ સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે, તેમને ભાજપનો મેસેજ મળ્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભાજપમાં આવી જશે તો CBI-EDના તમામ કેસ બંધ કરાવી દેવાશે.

આ પણ વાંચોઃ 'આ શું નોટંકી છે મોદીજી?', સિસોદિયાએ PMનો જૂનો વીડિયો શેર કરીને સાધ્યું નિશાન

મનીષ સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું છે કે, 'મને ભાજપાનો સંદેશ મળ્યો- AAPને તોડીને ભાજપમાં આવી જાઓ, તમામ CBI-ED કેસ બંધ કરાવી દઈશું. મેં ભાજપને જવાબ આપ્યો- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી લઈશ પણ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝુકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. જે કરવું હોય એ કરી લો.'

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સિસોદિયાના ઘરે દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સીબીઆઈનો દરોડો પડ્યો હતો. ત્યાર બાદ તેમના સામે કેસ પણ દાખલ કરાયો હતો. 

સીબીઆઈએ દરોડા બાદ સિસોદિયાના ઘરેથી શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા દસ્તાવેજો જપ્ત કરીને તેને ઈડીને સોંપી દીધા છે. કેન્દ્રીય એજન્સી આ મામલે આગળની કાર્યવાહી કરે તેવી શક્યતા છે.