×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અનુરાગ કશ્યપ-તાપસીના ઘરે આઇટીના દરોડા પર રાહુલે ગાંધીએ કહ્યું, IT-CBI ને આંગળીઓ પર નચાવે છે સરકાર


- સ્વરા ભાસ્કરે તાપસીને પ્રોત્સાહન આપતી ટ્વીટ કરેલી

નવી દિલ્હી, તા. 4 માર્ચ, 2021, ગુરૂવાર

આવકવેરા વિભાગે ટેક્ષ ચોરી મામલે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સહિતના કલાકારોના ઘરે દરોડા પાડ્યા તેને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટર પર કેટલાક રૂઢિપ્રયોગો શેર કરીને કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગ, ઈડી અને સીબીઆઈને આંગળીઓ પર નચાવે છે તેમ કહ્યું હતું. ઉપરાંત કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવી અને ઉદિત રાજે પણ આવકવેરા વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. અગાઉ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ મામલે તાપસીને પ્રોત્સાહન આપતી ટ્વીટ કરી હતી. 

રૂઢિપ્રયોગો દ્વારા કેન્દ્ર પર નિશાન

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'કેટલાક રૂઢિપ્રયોગોઃ આંગળીઓ પર નચાવવું- કેન્દ્ર સરકાર IT વિભાગ, ED, CBI સાથે આવું કરે છે. ભીગી બિલ્લી બનવું- કેન્દ્ર સરકાર સામે મિત્ર મીડિયા. ખિસિયાની બિલ્લી ખંભા નોચે (ખસીયાણી પડેલી બિલ્લી થાંભલા સાથે નખ ભરાવે)- જેમ કેન્દ્ર સરકાર ખેડૂત સમર્થકોના ત્યાં દરોડા પડાવે છે.'

અભિષેક મનુ સિંઘવીનો PM સામે પ્રહાર

અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટરની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું હતું. સિંઘવીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'સરકાર વિરૂદ્ધ બોલનારા બોલિવુડના કેટલાક કલાકારોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. અન્ય લોકોના ત્યાં દરોડા નથી પડતા, કારણ કે તેમણે થોડા દિવસો ગુજરાતમાં વિતાવેલા છે.'

ઉદિત રાજનો વાણી સ્વાતંત્ર્યને લઈ સવાલ

કોંગ્રેસી નેતા ઉદિત રાજે ઈડી, આઈટી અને સીબીઆઈ હવે ભાજપની એજન્સીઓ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આ એજન્સીઓ પોતાના મુખ્ય કામથી વિમુખ થઈને સરકાર વિરૂદ્ધ બોલનારા સામે કાર્યવાહી કરે છે તેમ કહ્યું હતું. રાજના કહેવા પ્રમાણે ઈડી અને આઈટી વિભાગનો ફક્ત દુરૂપયોગ જ થઈ રહ્યો છે. મોદી રાજમાં સાચું બોલવાની સજા મળે છે અને ડરાવવા-ધમકાવવાનું કામ થાય છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટને ઉદ્દેશીને વાણી સ્વાતંત્ર્ય ક્યાં છે તેવો સવાલ કર્યો હતો.