×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપ વિજયની હેટ્રિક કે પછી કોંગ્રેસને જીવતદાન? ગ્રામીણ મતદારોના નિર્ણય પર સૌની નજર

અમદાવાદ, તા. 02 માર્ચ, 2021, મંગળવાર

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના દર્શન કરાવ્યા હતાં ત્યારે હવે ગ્રામ્ય મતદારોનો શું મિજાજ છે તે આજે ખબર પડી જશે. રાજ્યની જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની કુલ 8474 બેઠકો પરથી 253ના પરિણામો સામે આવી રહ્યાં છે. જેમાં 243માં ભાજપ અને 8માં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. એ સિવાય જામનગરના બેરાજા બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

ગ્રામિણ મતદારો પર સૌની નજર

મહાનગરપલિકામાં તો મતદારોએ ભાજપ પર ભરપૂર વિશ્વાસ દાખવ્યો હતો પણ પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ગ્રામિણ મતદારોએ શું નિર્ણય લીધો છે તેના પર સૌની નજર મંડાઇ છે. અત્યારે તો ભાજપ વિજયની હેટ્રિક નોંધાવવા ઉત્સુક છે જયારે પંચાયતોના પરિણામો જ કોંગ્રેસને જીવતદાન આપી શકે તેમ છે. 

આ મુદ્દાઓ સાથે થયો હતો પ્રચાર

શહેરી મતદારો સમક્ષ તો ભાજપે લવ જેહાદ, રામમંદિર, 370મી કલમ સહિતના મુદ્દાઓ મૂકીને મહાનગરપાલિકામાં જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વનો મુદ્દો મતદારો આગળ ધર્યો હતો.

આ તરફ, કોંગ્રેસે ખેડૂતોની સમસ્યા,બેકારી,મોઘવારી સહિતના મુદ્દા રજૂ કરીને મતદારોને રિઝવ્યા હતાં. ગત વખતે તો પાટીદાર આંદોલનને લીધે કોંગ્રેસને પંચાયતોની ચૂંટણીમાં રાજકીય લાભ મળ્યો હતો પણ આ વખતે કોંગ્રેસને આશા છેકે, ખેડૂત આંદોલને લીધે નારાજ ખેડૂતો કોંગ્રેસને મત આપી શકે છે.

ખેડુત આંદોલનની કેટલી અસર? આ પરિણામ પરથી જાણવા મળશે

આજે પાલિકા અને પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે ભાજપ સરકારને ખેડૂતોની નારાજગીનો અંદાજ આવી જશે. આ ઉપરાંત ગ્રામિણ મતદારો મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપને મત આપે છે કે કેમ તે એક સવાલ છે. 

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયા બાદ ભાજપે ગ્રામિણ મતદારોને રિઝવવામાં કોઇ કસર છોડી નથી જેથી ખેડૂત આંદોલનની ચૂંટણી પર કેટલી અસર થઇ છે તે પરિણામ પરથી જાણવા મળશે.

ભાજપનો જીતનો દાવો

ભાજપે એવો દાવો કર્યો છે કે, વર્ષ 2015માં ભાજપે જિલ્લા પંચાયતમાં 453 બેઠકો,તાલુકા પંચાયતમાં 2593 બેઠકો, અને નગરપાલિકામાં 1610 બેઠકો એમ કુલ મળીને 4656 બેઠકો મેળવી હતી. આ વખતે પણ કુલ બેઠકોમાં વધારો થશે અને ભાજપને જવલંત વિજય હાંસલ થશે.


81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.

નગરપાલિકામાં ભાજપના 2555 ઉમેદવારો,કોંગ્રેસના 2247 ઉમેદવારો અને આપના 719 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. જિલ્લા પંચાયતમાં ભાજપના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો,આપના 304 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

તાલુકા પંચાયતમાં ભાજપના 4652 ઉમેદવારો,કોંગ્રેસના 4594 ઉમેદવારો, આપના 1067 ઉમેદવારો નુ ભાવિ ઇવીએમમાં કેદ છે. આજે પાલિકા અને પંચાયતોનુ પરિણામ જાહેર થશે. મોડી સાંજ સુધીમાં આખુય ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે વિજય હાંસલ થશે તેવી આશા છે જયારે પંચાયતાનો પરિણામ જ જીવિત રાખશે તેવો કોંગ્રેસને આશાવાદ છે.