×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કૃષિ કાયદા રદ ન કર્યા તો સંસદનો ઘેરાવ કરીશું, ખેડૂતો તૈયાર રહે : ટિકૈત


લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાના કેસમાં દીપ સિદ્ધુને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી

નવી દિલ્હી, તા. 23 ફેબ્રૂઆરી, 2021, મંગળવાર

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ હવે ઉપવાસને આંદોલનનું હિથયાર બનાવ્યું છે. ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશના દરેક ગામમાંથી પાંચ ખેડૂતો દરરોજ આઠ કલાકના ઉપવાસ કરશે.

આ ઉપવાસના માધ્યમથી ખેડૂતો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને કૃષિ કાયદા રદ કરવાનો અને ટેકાના ભાવને કાયદેસરની ખાતરીનો સંદેશો આપશે. સાથે જ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જો કૃષિ કાયદાઓને પરત લેવામાં ન આવ્યા તો સંસદનો ઘેરાવ કરવામાં આવશે. 

આ પહેલા રાષ્ટ્રીય કિસાન મઝદૂર સંગઠન (આરકેએમએસ) પ્રમુખ વી.એમ.સિંહે કહ્યું હતું કે અમારૂ સંગઠન ઉત્તર પ્રદેશના 21 ખેડૂત સંગઠનોની સાથે જોડાઇ ગયું છે. આ બધા જ સંગઠનો મળીને હવે ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.

દરેક ગામમાંથી પાંચ ખેડૂતો સવારે નવ લાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ઉપવાસ કરશે અને બપોરે ત્રણ કલાકે ત્રણ ખેડૂતો પોતાનો વીડિયો સંદેશ રેકોર્ડ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલશે, જેમાં તેઓ કૃષિ કાયદાઓને રદ કરવાની માગણી કરશે. આ વીડિયોને અમે અમારી વેબસાઇટ પર અપલોડ કરીશું. 

દિલ્હીમાં 26મી જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી હતી, સાથે જ લાલ કિલ્લા પરથી ભગવો ધ્વજ ફરકાવવાની ઘટના પણ બની હતી, જેમાં ધરપકડ કરાયેલા પંજાબના એક્ટર દીપ સિદ્ધુને કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ પહેલા દીપ સિદ્ધુને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો, જેનો સમય પુરો થતા હવે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ આ કેસમાં અન્ય એક આરોપી લાખા સિંધાણાની હજુસુધી ધરપકડ નથી થઇ શકી પણ તે  પંજાબના ભટિંડામાં તેઓ એક સભાને સંબોધતા વીડિયોમાં જોવા મળ્યા હતા. જ્યારે આ જ કેસમાં વધુ બે ખેડૂત નેતાઓની દિલ્હી પોલીસ દ્વારા જમ્મુમાંથી ધરપકડ કરાઇ છે.  બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓને રદ નહીં કરે તો ખેડૂતો સંસદનો ઘેરાવ કરશે.

સાથે તેમણે ખેડૂતોને સંદેશ આપ્યો છે કે તેઓ ગમે ત્યારે દિલ્હી માર્ચ માટે તૈયાર રહે અને સંસદનો ઘેરાવ પણ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાં ખાલિસ્તાન સમર્થક ચાવલાએ જાહેરાત કરી છે કે તે પાકિસ્તાનમાં ગમે ત્યારે ટ્રેક્ટર રેલી કાઢશે, જોકે તેણે કોઇ તારીખ જાહેર નથી કરી.