×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં સતત ૬ઠ્ઠા દિવસે કોરોનાના કેસ વધ્યા, મહારાષ્ટ્રમાં આજથી મેળવડા બંધ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૧

ભારતમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના નવા કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. પરિણામે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧,૪૫,૬૩૪ થઈ છે, જેમાંથી ૪૭ ટકાથી વધુ કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના પગલે રાજ્ય સરકારે રવિવારે અમરાવતિ જિલ્લામાં લૉકડાઉન લગાવી દીધું હતું અને પૂણેમાં આકરા નિયંત્રણોનો અમલ શરૂ કર્યો છે. વધુમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને આગામી સપ્તાહે સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે. બીજીબાજુ કોરોનાના કેસ વધતાં કેન્દ્રે રાજ્યોને કોરોનાના રસીકરણમાં ઝડપ લાવવા નિર્દેશ આપ્યા છે તેમજ કેન્દ્ર સરકારે હવે ૫૦ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ કરવાની તૈયારી હાથ ધરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં કેરળ, મહારાષ્ટ્ર, છત્તિસગઢ, પંજાબ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો આવ્યો છે. દેશમાં કોરોનાના ૮૫.૬૧ ટકા નવા કેસ પાંચ રાજ્યોમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬,૯૭૧ નવા કેસ નોંધાયા છે જ્યારે ૪૦નાં મોત થયા છે. કેરળમાં પણ કોરોનાના દૈનિક ૪,૬૫૦ કેસ અને કર્ણાટકમાં ૪૯૦ નવા કેસ નોંધાયા છે. 

જોકે, ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી, જે રાહતજનક બાબત છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર એક જ રાજ્યમાં ૨૦થી વધુ મોત નોંધાયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ ૧,૦૯,૯૬,૬૩૬ થયા છે જ્યારે મૃત્યુઆંક ૧,૫૬,૩૬૫ થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૬૬૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને કુલ ૧.૦૬ કરોડ (૧,૦૬,૮૯,૭૧૫) લોકો સાજા થયા છે. ભારતમાં કોરોનાનો રીકવરી રેટ ૯૭.૨૫ ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં અચાનક વધારો થવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં સોમવારથી રાજકીય, ધાર્મિક, સામાજિક સહિત તમામ પ્રકારના મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વધુમાં અમરાવતિ જિલ્લામાં આઠ દિવસનું લોકડાઉન લાગુ કરી દેવાયું છે. પૂણેમાં કેસ વધતાં આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેમ કે, પૂણેમાં રાત્રે ૧૧.૦૦થી સવારે ૬.૦૦ વાગ્યા સુધી કરફ્યૂ રહશે, હોટેલ્સ-રેસ્ટોરાં દરરોજ રાત્રે ૧૧.૦૦ પછી બંધ રહેશે જ્યારે સ્કૂલ-કૉલેજો અને ખાનગી ટયુશન ક્લાસીસ ૨૮મી ફેબુ્રઆરી સુધી બંધ રહેશે. 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધન કરતાં કહ્યું કે, લોકો માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા કોરોના સંબધિત નિયમોનું પાલન નહીં કરે તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. તેમણે આ સંદર્ભમાં જવાબદાર અભિયાન શરૂ કરતાં લોકોને આઠ દિવસમાં પ્રતિભાવ આપવા જણાવ્યું. તેમણે ઉમેર્યું કે જે લોકો લૉકડાઉન ન ઈચ્છતા હોય તે માસ્ક પહેરે અને નિયમોનું પાલન કરે જ્યારે જેમને લૉકડાઉન જોઈતું હોય તેઓ માસ્ક ન પહેરે.

દરમિયાન દેશમાં કોરોનાના નવા કેસ વધતાં કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા નિર્દેશ આપ્યા છે. કેન્દ્રે કહ્યું કે હજી મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાની બાકી છે. રાજ્યોએ રસીકરણના દિવસો વધારવા જોઈએ. વધુમાં રાજ્યોને ૫૦ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની તૈયારી શરૂ કરવા પણ નિર્દેશ અપાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ૩૬ દિવસના રસીકરણ અભિયાનમાં ૨૧મી ફેબુ્રઆરી સુધીમાં ૨,૩૦,૮૮૮ સત્રો મારફત ૧,૧૦,૮૫,૧૭૩ લોકોને રસીના ડોઝ અપાયા છે, જેમાં ૬૩,૯૧,૫૪૪ સ્વાસ્થ્ય કર્મચારીઓને પહેલો ડોઝ, ૯,૬૦,૬૪૨ સ્વાસ્થ્ય કર્મચારીઓને બીજો ડોઝ અને ૩૭,૩૨,૯૮૭ ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલો ડોઝ અપાયો છે.