×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસને ઝટકો: પુડુચેરી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ રહી નારાયણસામી સરકાર


- વિશ્વાસ મત રજૂ કરતા પહેલા નારાયણસામીએ પૂર્ણ રાજ્યની માંગણી કરી

નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી, 2021, સોમવાર

પોંડિચેરીમાં કોંગ્રેસ અને ડીએમકેની ગઠબંધન સરકાર પડી ભાંગી છે. પોંડિચેરી વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવામાં કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ રહી છે. આ કારણે સ્પીકરે સરકાર પાસે બહુમત ન હોવાનું જાહેર કરી દીધું છે અને નારાયણસામીની વિદાય નિશ્ચિત થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં કોંગ્રેસને પોતાના 9 ધારાસભ્યો ઉપરાંત ડીએમકેના 2 અને અપક્ષના એક ધારાસભ્યનું સમર્થન મળેલું હતું. મતલબ કોંગ્રેસને 11 ધારાસભ્યો (સ્પીકર સહિત 12)નું સમર્થન હતું. જ્યારે વિધાનસભાની વર્તમાન સ્થિતિ પ્રમાણે બહુમત માટે 14 ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું જે વિપક્ષ પાસે છે. જો કે ફ્લોર ટેસ્ટ પહેલા નારાયણસામી પોતાના પાસે ચૂંટાયેલા ધારાસભ્યોનું બહુમત હોવાનો દાવો કરતા રહ્યા હતા. 

પોંડિચેરીમાં કોંગ્રેસનું ભવિષ્ય નિર્ધારિત કરવા સોમવારે વિશેષ સત્ર યોજાયું હતું. મુખ્યમંત્રી વી. નારાયણસામીએ સદનમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને પોતાની સરકાર પાસે બહુમત હોવાનું જણાવ્યું હતું. બાદમાં વિશ્વાસ મત દરમિયાન નારાયણસામીની સરકારે બહુમત ગુમાવ્યો હતો. વિશ્વાસ મત રજૂ કરતા પહેલા તેમણે પૂર્ણ રાજ્યની માંગણી કરી હતી અને પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી અને ભાજપની કેન્દ્ર સરકાર પર તેમની સરકાર પાડવાનો આરોપ લગાવ્યો હતો. 

વિધાનસભામાં નારાયણસામીએ ધારાસભ્યોને પાર્ટી માટે ઈમાનદાર રહેવાની સલાહ આપી હતી. સાથે જ જે ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે તેઓ લોકો સામે નજર નહીં મિલાવી શકે કારણ કે લોકો તેમને તકવાદી ગણશે તેમ પણ કહ્યું હતું.

આ અગાઉ ફ્લોર ટેસ્ટ પહેલા પોંડિચેરીમાં રાષ્ટ્રપતિ શાસનની સંભાવનાઓ પણ જણાઈ રહી હતી. લેફ્ટનન્ટ ગવર્નર તમિલસાઈ સુંદરરાજન તમિલનાડુમાં ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે. એક અહેવાલ પ્રમાણે જો ભાજપને એમ લાગેત કે સ્થિતિ તેમના પક્ષમાં નથી તો રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થઈ શકે તેમ હતું. લેફ્ટનન્ટ ગવર્નર કાયદા અને વ્યવસ્થાનો હવાલો આપીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકેત.