×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ બે રાજ્યમાંથી આવતા મુસાફરોને કર્ણાટકમાં પ્રેવેશ મેળવવા માટે કોરોના રિપોર્ટ બતાવવો પડશે

- દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને કર્ણાટક સરકારે સર્ક્યુલર જાહેર કર્યુ

બેંગલોર, તા. 20 ફેબ્રુઆરી 2021, શનિવાર

પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસના કેસ વધવાના કારણે હવે કર્ણાટક સરકાર પણ સચેત થઇ છે. કર્ણાટક સરકારે એક સર્ક્યુલર જાહેર કર્યુ છે, જે પ્રમાણે કેરળ અને મહારાષ્ટ્રમાંથી કર્ણાટક આવતા લોકોએ 72 કલાક પહેલાનો પોતાનો આરટી પીસીઆર કોરોના ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. આ રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને કર્ણાટકમાં પ્રવેશ આપવામાં આવશે. આ નિયમ ફ્લાઇટ, બસ, ટ્રેન અને ખાનગી વાહનોમાં મુસાફરી કરતા લોકોને પણ લાગુ પડશે.

કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડો. કે સુધાકરે કહ્યું કે કેરળ ને મહારાષ્ટ્રમાં સરેરાશ દરરોજ પાંચ હજારથી છ હજાર કોરોના કેસ સામે આવી રહ્યા છે. અમારુ રાજ્ય આ બંને રાજ્યોને અડીને આવેલું છે. જેના કારણે મે આ સર્ક્યુલર જાહેર કર્યુ છે. જે પ્રમાણે આ રાજ્યોમાંથી કર્ણાટક આવતા લોકોને 72 કલાક પહેલાનો પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

સાથે જ તેમણે કહ્યું કે અત્યાર સુધી રાજ્યમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના સ્ટ્રેનનો પ્રવેશ થયો નથી. રાજ્યમાં માત્ર બ્રિટન સ્ટ્રેન જ મળ્યો છે. તે પણ એવા લોકોમાં જેમણે બ્રિટનથી બેંગલોરની યાત્રા કરી હતી. અમે આ સ્ટ્રેનને આગળ ફેલાતો અટકાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી વખત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો કેટલાક વિસ્તારોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. તો અન્ય રાજ્યોને પણ કોરોનાન વધતા કેસને લઇને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી છે.