×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મ. પ્રદેશ, પંજાબમાં કોરોનાએ ઉથલો માર્યો


મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,281 કેસ, મુંબઇમાં 1305 ઇમારતો સીલ, 71 હજાર પરિવાર પ્રતિબંધો હેઠળ, લોકડાઉનની મેયરે ચેતવણી આપી

નવી દિલ્હી, તા. 20 ફેબ્રૂઆરી, 2021, શનિવાર

અનેક રાજ્યોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે જેને પગલે પ્રશાસન દોડતુ થઇ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસોમાં બહુ જ ઝડપથી ફરી પાછો વધારો થવા લાગ્યો છે. અચાનક કેસો ઝડપથી વધવાને કારણે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચેતવણીઓ જારી કરવામાં આવી રહી છે. સાથે પ્રતિબંધના પગલા પણ લેવામાં આવી રહ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા સાત દિવસોમાં છત્તીસગઢમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. માત્ર 24 કલાકમાં જ રાજ્યમાં નવા 259 કેસો સામે આવ્યા છે.

સાથે જ કેરળમાં દૈનિક કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગત સપ્તાહે મહારાષ્ટ્રમાં પણ તેવી જ સિૃથતિ હતી અને માત્ર 24 કલાકમાં જ કોરોનાના નવા  6112 કેસો સામે આવ્યા હતા. સરકારના જણાવ્યા અનુસાર ઘણા દિવસ બાદ ભારતમાં કોરોનાના નવા દૈનિક કેસોની સંખ્યા વધી ગઇ છે. 

મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે જ્યાં છેલ્લા 24 કલાકમાં જ 383 કેસો નોંધાયા છે. 13મી તારીખથી મધ્ય પ્રદેશમાં પણ દૈનિક કેસો વધવા લાગ્યા, છેલ્લા 24 કલાકમાં જ અહીં કોરોનાના 297 નવા કેસો નોંધાયા હતા.

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોરોનાની ગાઇડલાઇનનંુ વધુ કડક રીતે પાલન કરાવવાના આદેશ આપ્યા છે. માત્ર બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં જ કુલ એક્ટિવ કેસોના 75.87 ટકા કેસો છે. જોકે બીજી તરફ 18 એવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે કે જ્યાં કોરોનાથી નવુ એક પણ મોત નથી નિપજ્યું. 

દેશભરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13993 કેસો સામે આવ્યા છે સાથે 101 લોકોના મોત પણ નિપજ્યા છે. દેશમાં સતત પાંચમાં દિવસે કોરોનાના દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.

જેને પગલે સરકારો પણ ચિંતામાં મુકાઇ છે. જે રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે તે પૈકી એક કેરળમાં તો આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઇ રહી છે જોકે તેની તારીખો હજુસુધી જાહેર નથી કરવામાં આવી. 

જે રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે તેના પાડોશી રાજ્યો પણ હવે નવા કેસોમાં વધારો ન થાય તે માટે સતર્ક થઇ ગયા છે. જેમ કે કેરળ અને મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસો સૌથી વધુ છે સાથે જ નવા કેસો પણ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે.

જેને પગલે કર્ણાટક સરકાર એલર્ટ થઇ ગઇ છે અને બન્ને રાજ્યોની બોર્ડરમાં પ્રવેશને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. કેરળ અને મહારાષ્ટ્રમાં દરરોજ પાંચથી છ હજાર કેસો નોંધાઇ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે એક આદેશ જારી કરી કહ્યું છે કે આ બન્ને રાજ્યોમાંથી આવનારા મુસાફરોનું આરટીપીસીઆર નેગેટિવ સર્ટિ જોયા બાદ જ કર્ણાટકમાં પ્રવેશ આપવામાં આવશે.

માત્ર મહારાષ્ટ્રમાં જ નવા 6281 કેસ નોંધાયા છે જ્યારે ડિસેમ્બર મહિના પછી મંુબઇમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. કેરળની જેમ મહારાષ્ટ્રમાં કેસોમાં વધારો થતા અહીંના મુંબઇમાં આશરે 1305 જેટલી ઇમારતોને હાલ સીલ કરી દેવામાં આવી છે. અને તેમાં રહેનારા આશરે 71838 પરિવારે આકરા પ્રતિબંધોનું પાલન કરવું પડશે.

બીએમસીએ જારી નિવેદનમાં કહ્યું હતું કે જો કોઇ ઇમારતમાં પાંચથી વધુ કેસો સામે આવે તો પુરી ઇમારતને જ સીલ કરી દેવામાં આવશે. જો કોઇ દર્દી હોમ ક્વોરંટાઇન પસંદ કરે તો તેના હાથ પર સ્ટેંપ લગાવવામાં આવશે. સાથે મુંબઇ મેયરે ચેતવણી આપી છે કે નિયમોનું પાલન નહીં કરો તો લોકડાઉન ફરી લાગુ કરી દેવાશે. 

દેશમાં 1.08 કરોડને રસી અપાઇ, 37ના મોત

નવી દિલ્હી, તા.20

બીજી તરફ દેશભરમાં રસીકરણનું કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 1.08 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં રસી આપ્યા બાદ 43 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાં 26ને ડિસચાર્જ કરી લેવાયા છે હોસ્પિટલમાં દાખલ 16 લોકોના મોત નિપજ્યા છે અને હોસ્પિટલમાં દાખલ ન થયા હોય તેવા 21 લોકોએ જીવ ગૂમાવ્યો છે તેથી કુલ 37 લોકો માર્યા ગયા છે. જોકે મોતનું કારણ રસી ન હોવાનું પ્રશાસને કહ્યું છે. જ્યારે માર્યા ગયેલાઓમાંથી અનેકના પરિવારે રસી લીધા બાદ જ મોત નિપજ્યું હોવાના આરોપો લગાવ્યા છે.