×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીને પહેલી વખત કબૂલી ગાલવાન અથડામણમાં પોતાના સૈનિકોના મૃત્યુની વાત


- ચીને ગાલવાન ખાતેના લોહીયાળ સંઘર્ષમાં માત્ર 4 સૈનિકો મર્યા હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) મામલે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જામેલો બરફ ધીમે-ધીમે પીગળી રહ્યો છે. ઘટી રહેલા આ તણાવ વચ્ચે ચીને પ્રથમ વખત ગાલવાન ખાતેની અથડામણમાં પોતાના સૈનિકો પણ માર્યા ગયા હોવાનું સ્વીકાર્યું છે. ચીને ગત વર્ષે જૂન મહિનામાં થયેલી લોહીયાળ અથડામણમાં માર્યા ગયેલા પોતાના 4 સૈનિકોની વિગતો જાહેર કરી છે. આ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. 

ચીનના કેન્દ્રીય સૈન્ય આયોગે કારાકોરમ પર્વત પર તૈનાત રહેલા 5 સૈનિકોના બલિદાનને યાદ કર્યું હતું. પીએલએ શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડના 4 ચીની સૈનિકો ગાલવાન ખાતેની અથડામણમાં માર્યા ગયા હતા જ્યારે એક સૈનિક રેસ્ક્યુ સમયે નદીમાં વહી જવાથી મૃત્યુ પામ્યો હતો. 

જો કે ચીન ગાલવાન ઘાટીમાં માર્યા ગયેલા પીએલએ સૈનિકોનો ખૂબ જ ઓછો આંકડો જાહેર કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઈકે જોશીએ ગાલવાન ખાતેની અથડામણ બાદ 50 ચીની સૈનિકોને વાહનો દ્વારા લઈ જવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ અથડામણમાં ચીની સેનાના અનેક સૈનિકો માર્યા ગયા હતા પરંતુ વાહનોમાં લઈ જવાયેલા 50થી વધારે સૈનિકો ઘાયલ હતા કે મૃત્યુ પામેલા તે કહેવું મુશ્કેલ છે. વાઈકે જોશીએ જણાવ્યું કે, રૂસી એજન્સી TASSએ પણ 45 ચીની જવાનો માર્યા ગયા હોવાનું જણાવ્યું હતું અને અમારૂં અનુમાન પણ તેના આસપાસ જ છે.