×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહિલાએ રાહુલ ગાંધી સામે કરી CMની ફરિયાદ, નારાયણસામીએ અનુવાદમાં બદલી દીધી વાત


- અલગથી મત્સ્યપાલન મંત્રાલય છે તેવી રાહુલ ગાંધીને જાણ જ નથી

પોંડિચેરી, તા. 18 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પોંડિચેરીની મુલાકાત લીધી હતી જેમાં બુધવારે તેમણે માછીમારો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીની માછીમારો સાથેની મુલાકાત વખતે મુખ્યમંત્રી વી. નારાયણસામી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ સાથેની વાતચીત દરમિયાન એક મહિલાએ તમિલમાં "તેઓ (નારાયણસામી) અહીં છે. શું ચક્રવાત વખતે તેઓ કદી અમારા પાસે આવ્યા?" તેવો સવાલ કર્યો હતો. 

મુખ્યમંત્રીએ મહિલાના આ સવાલનો રાહુલ ગાંધી સમક્ષ અનુવાદ કરવાનો આવ્યો ત્યારે સાવ ખોટો અનુવાદ કર્યો હતો. નારાયણસામીએ રાહુલ ગાંધીને કહ્યું કે, "આ મહિલાનું એવું કહેવુ છે કે, નિવાર ચક્રવાત વખતે મેં (નારાયણસામીએ) આવીને આ વિસ્તારના રાહત કાર્યોમાં મદદ કરી." સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રીએ ખુલ્લેઆમ જે જુઠાણું ચલાવ્યું તેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

તમારા સાથે માછલી પકડવા આવીશઃ રાહુલ

કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પાર્ટીનું અભિયાન શરૂ કરવા રાહુલ ગાંધીએ પોંડિચેરીની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે દરેક વસ્તુનું શબ્દો દ્વારા વર્ણન શક્ય નથી અને તેને વધુ સારી રીતે સમજવા અનુભવની આવશ્યકતા છે તેમ કહ્યું હતું. આ સાથે જ તેમણે માછીમારોના અનુભવો, સમસ્યાઓ જાણવા પોતાની આગામી મુલાકાતમાં માછલી પકડવાની હોડીમાં સાથે યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

રાહુલ પર 'જૂઠ'ની રાજનીતિનો આરોપ

પોંડિચેરીમાં માછીમારો સાથેના સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ તેમને સમુદ્રના ખેડૂતો ઠેરવ્યા હતા અને જો ખેતી કરતા ખેડૂતો માટે અલગ મંત્રાલય હોઈ શકે તો તેમના માટે કેમ નહીં તેવો સવાલ કર્યો હતો. ત્યાર બાદ મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી ગિરિરાજસિંહે રાહુલ ગાંધીને ઉદ્દેશીને એક ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે, "તેમને (રાહુલને) એટલી ખબર તો હોવી જોઈએ કે 31 મે, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવું મંત્રાલય બનાવી દીધું હતું. રાહુલજી હું તમને વિનંતી કરૂં છું કે તમે નવા મત્સ્યપાલન મંત્રાલયની મુલાકાત લો. અથવા તો તમે જ્યાં કહેશો ત્યાં આવીને હું તમને મત્સ્યપાલન મંત્રાલય દ્વારા પોંડિચેરી અને સમગ્ર દેશમાં ચલાવાતી યોજનાઓની જાણકારી આપીશ." કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની જૂઠની રાજનીતિના ચક્કરમાં કોંગ્રેસનો ફજેતો થઈ રહ્યો છે તેવી ટીખળ કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધીને ઈટાલિયન ભાષામાં ટ્વીટ કરી હતી.