×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉન્નાવઃ મૃત્યુ સામે ઝઝૂમી રહી છે ત્રીજી સગીરા, એરલિફ્ટ કરાવવા વિપક્ષની માંગ


- છોકરીઓના હાથ-પગ બાંધેલા નહોતા અને કપડા પણ ઠીક હતા તેવો સગીરાની માતાનો દાવો

કાનપુર, તા. 18 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દલિત છોકરીઓના મૃત્યુનો કેસ વધુ ગરમાઈ રહ્યો છે. બુધવારે અસોહાના એક ખેતરમાંથી 3 દલિત સગીરાઓ સંદિગ્ધ હાલતમાં મળી આવી હતી જેમાંથી બેના મૃત્યુ થયા છે. જ્યારે કાનપુરની રીજેંસી હોસ્પિટલમાં ત્રીજી સગીરાની સારવાર ચાલી રહી છે. ભીમ આર્મીથી લઈને કોંગ્રેસ સુધીની તમામ પાર્ટીઓ તે સગીરાને દિલ્હી એરલિફ્ટ કરવા માંગણી કરી રહ્યા છે. 

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે ટ્વીટમાં લખ્યું હતું કે, " ઉન્નાવ કેસની એકમાત્ર સાક્ષી એવી બાળકીને દિલ્હી લાવવામાં આવે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગુનેગારોને સંરક્ષણ અને ગુનેગારો મામલે સરકારની કાર્યશૈલીને દેશ હાથરસ કાંડ વખતે જોઈ ચુક્યું છે."

આ તરફ જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, "ઉત્તર પ્રદેશના તમામ લોકોને હું વિનંતી કરૂં છું કે, જ્યાં સુધી ઉન્નાવ કાંડની પીડિત બહેનના ગુનેગારોની ધરપકડ ન થાય ત્યાં સુધી તેમની લાશનો સ્વીકાર ન કરો. ન્યાય માટે દબાણ બનાવી રાખો. એક બહેનની હોસ્પિટલમાં સારામાં સારી સારવાર કરાવવામાં આવે."

સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ આ મામલે ટ્વીટ કરવામાં આવી હતી અને ત્રીજી સગીરાને એરલિફ્ટ કરીને દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. 

શું છે સમગ્ર કેસ

અસોહા થાણા ક્ષેત્રના બબુરહા ગામના એક ખેતરમાં 3 સગીરાઓ બેભાન હાલતમાં મળી આવી હતી. ઘટના સ્થળે ઘણું ફીણ વળેલું હતું અને ડૉક્ટર્સે પ્રાથમિક દૃષ્ટિએ પોઈઝનનું કારણ રજૂ કર્યું છે. 3 પૈકીની બે સગીરાના મોત થયા છે જ્યારે એકની સ્થિતિ ખૂબ જ નાજુક છે. સગીરાની માતાના કહેવા પ્રમાણે છોકરીઓના હાથ-પગ બાંધેલા નહોતા અને કપડા પણ ઠીક જ હતા. હા, તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને ખેતરમાંથી તેમને ઉના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં બે છોકરીઓના મોત થયા હતા. 

બે સગીરાઓના મોત બાદ લખનૌમાં હડકંપ મચી ગયો છે. આઈજી અને ડીઆઈજી સહિતના અનેક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ત્યાં હાજર લોકોના નિવેદનો નોંધીને ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.