×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મધ્ય પ્રદેશના સીધીમાં બસ નહેરમાં ખાબકતાં 47નાં મોત, સાતનો બચાવ


(પીટીઆઈ) સીધી/રેવા, તા. ૧૬

મધ્ય પ્રદેશમાં સીધી જિલ્લામાં મંગળવારે સવારે ૫૪ પ્રવાસીઓ ભરેલી એક બસ સોન નદી પર બનેલા બાણસાગર બાંધની મુખ્ય કેનાલમાં ખાબકતાં એક બાળક અને ૨૦ મહિલાઓ સહિત ૪૭ લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે સાત લોકો બચી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા બધા જ પ્રવાસીઓ સીધી અને આજુબાજુના વિસ્તારના પ્રવાસીઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો તેમજ પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. ૨-૨ લાખની સહાયની જાહેરાત કરી હતી. ૩૨ સીટર બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ કેનાલમાં ખાબકી હતી.

બસ સીધી જિલ્લાના મુખ્યાલયથી સતના જઈ રહી હતી તે સમયે સવારે સાડા સાત વાગ્યે રામપુર નૈકિન સ્થિત પટના પુલ પાસે અકસ્માત સર્જાયો હતો. સાંકડા રસ્તા પર ટ્રકની બાજુમાંથી પસાર થતાં બસનું પાછલું ટાયર લપસી જતાં બસ નહેરમાં ખાબકી હતી. ડ્રાઈવર સહિત સાત લોકોને ગ્રામ વાસીઓએ સલામત રીતે બહાર કાઢ્યા હતા. જોકે, ૪૭ લોકોને બચાવી શકાયા નહોતા. મૃતકોમાં ૧૨ જેટલા વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ રેલવેની પરીક્ષા આપવા સતના જઈ રહ્યા હતા. સતના-સીધી સ્ટેટ હાઈવે પર છુહિયા ઘાટીમાં પાંચ દિવસથી લાગેલા ટ્રાફિક જામના કારણે ડ્રાઈવરે શોર્ટકટ લેતાં નહેરનો રસ્તો પકડયો હતો.

આ ઘટના સીધી જિલ્લાના મુખ્યાલયથી અંદાજે ૭૦ કિ.મી. દૂર થવાથી અકસ્માતના લગભગ દોઢ કલાક પછી બચાવ કાર્ય શરૂ થઈ શક્યું હતું. નહેર ઊંડી હોવાથી અને પાણીનો પ્રવાહ તિવ્ર હોવાથી આખી બસ કેનાલમાં ડૂબી ગઈ હતી. બચાવ અભિયાન ચલાવતા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ના જવાનો તથા સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૪૭ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને બચાવ અભિયાન હજી ચલાવાઈ રહ્યું છે. 

બસને નહેરમાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી, પરંતુ પાણી વધુ હોવાથી સફળતા મળી શકી નહોતી. ત્યાર પછી મુખ્યમંત્રીના આદેશથી બંધમાંથી પાણી અટકાવવામાં આવ્યું હતું. અકસ્માતના લગભગ ચાર કલાક પછી બસ મળી હતી અને તેને બહાર કાઢી શકાઈ હતી.  અકસ્માતના સમાચાર મળ્યા પછી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસનો લોકાર્પણ કાર્યક્રમ રદ કરી નાંખ્યો હતો. 

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ લાખની સહાય જાહેર કરી હતી. શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરી કે આ દુર્ઘટનામાં આપણા ભાઈ-બહેન નથી રહ્યા. દુઃખના આ સમયમાં હું અને પ્રદેશની જનતા તમારી સાથે છીએ. તેમણે ઉમેર્યું હતું કે, નહેર ઘણી ઊંડી છે. અમે તાત્કાલિક બાંધનું પાણી બંધ કરાવ્યું છે અને રાહત તથા બચાવ ટૂકડીને રવાના કરી છે. બસને કેનાલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.