×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉપરાજ્યપાલ પદથી હટાવ્યા બાદ કિરણ બેદીએ કર્યું ટ્વીટ કરી વ્યક્ત કર્યો આભાર

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર

પુડુચેરીમાં સરકારમાંથી કોંગ્રેસના રાજીનામા બાદ સર્જાયેલી રાજકિય સંકટની સ્થિતિ વચ્ચે ઉપરાજ્યપાલ કિરણ બેદીને મંગળવારે રાત્રે અચાનક તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા. એ બાદ બુધવારે સવારે તેમણે ટ્વીટ કરી આભાર વ્યક્ત કર્યો.

તેમણે એક પત્ર ટ્વીટ કરતા લખ્યું કે પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે મારા અનુભવ માટે હું ભારત સરકારની આભારી રહીશ. હું તે સૌનો આભાર માનું છું જેમણે મારી સાથે કામ કર્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું. કે મારા આ કાર્યકાળ દરમિયાન રાજનિવાસની ટીમે પુરી ધગશથી લોકહિત માટે રામ કર્યું છે. પુડુચેરીનું ખુબ ઉજ્જવળ ભવિષ્ય છે. આ હવે લોકોના હાથમાં છે.


પુડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસામીના નજીકના સહયોગી અને ધારાસભ્ય એ જોહ્ન કુમારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. 2019ની પેટા ચૂંટણીમાં કામરાજ નગર બેઠક પરથીચૂંટાયેલા કુમાર કોંગ્રેસના ચોથા ધારાસભ્ય છે જેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

આ સાથે જ રાજ્યમાં કોંગ્રેસની સરકારે બહુમતી ગુમાવી દીધી છે. આ ઘટનાક્રમ વચ્ચે કિરણ બેદીને પુડુચેરીના લે.ગવર્નર પદેથી હટાવી દેવાયા છે.  તેલંગણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજનને પુડુચેરીનો વધારાનો હવાલો સોંપાયો છે. કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને દસ થઇ ગઇ છે. જો કે તેને ડીએમકેના ત્રણ અને એક અપક્ષ ધારાસભ્યનો ટેકો છે.

આમ હાલની વિધાનસભાની 28ની ક્ષમતા સામે કોંગ્રેસ પાસે ફક્ત 14 જ ધારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે પુડુચેરીમાં થોડાક જ મહિના પછી વિધાનસભા ચૂંટણી થવાની છે. રાહુલ ગાંધી આવતીકાલે પુડુચેરીની મુલાકાત આવનારા છે. તેઓ આવતીકાલથી આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૃ કરશે. 

કુમારના રાજીનામાની સાથે જ 33 સભ્યોવાળી પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 10 થઇ  ગઇ છે. જો કે કોંગ્રેસને ડીએમકેના ત્રણ ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યનો ટેકો છે. બીજી તરફ વિરોધ પક્ષ પાસેપણ 14 સભ્યો છે. મે મહિનામાં પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે. આ અગાઉ સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય મલ્લાડી કૃષ્ણા રાવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.