×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાન દેશભક્ત અને દેશદ્રોહી વચ્ચેનો તફાવત ન સમજી શક્યાઃ પ્રિયંકા ગાંધી


- ખેડૂતોને શેરડીના બાકી નાણાં નથી ચુકવ્યા, પોતાના માટે 16,000 કરોડના હવાઈ જહાજ લીધા

ઉત્તર પ્રદેશ, તા. 15 ફેબ્રુઆરી, 2021, સોમવાર

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે ઉત્તર પ્રદેશના બિજનોરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં પ્રિયંકાએ જણાવ્યું કે, "લોકોએ બે વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી કરી કારણ કે, લોકોને તેમનાથી કોઈ અપેક્ષા રહી હશે. તેમણે વારંવાર રોજગારી, ખેડૂતોની વાત કરી પરંતુ હવે તેમના રાજમાં કશું નથી થઈ રહ્યું."

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને નિશાન પર લેતા કહ્યું કે, 2017ના વર્ષથી અહીં શેરડીનો ભાવ નથી વધ્યો. વડાપ્રધાને ખેડૂતોને શેરડીના બાકી નાણાં નથી ચુકવ્યા પરંતુ પોતાના માટે 16,000 કરોડના હવાઈ જહાજ ખરીદી લીધા છે. મોદી સરકાર જે નવો કાયદો લાવી છે તેનાથી ઉદ્યોગપતિઓ સંગ્રહખોરી કરી શકે છે. 

કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આ સાથે જ લોકો હવે પોતાની મંડીઓ ખોલી શકશે, સરકારી મંડીઓમાં ટેક્ષ લેવામાં આવશે. પ્રાઈવેટ મંડીઓમાં MSP મળતો બંધ થઈ જશે. સાથે જ પાક લેવો કે નહીં તે ઉદ્યોગપતિઓની મરજીમાં આવી જશે. નવા કાયદાઓથી ફક્ત ઉદ્યોગપતિઓનું જ ભલુ થશે અને ક્યાંય ખેડૂતોનું નહીં સાંભળવામાં આવે. 

વધુમાં જણાવ્યું કે, ગણતરીના 2-3 લોકોને લાભ થઈ રહ્યો છે તે બધાને દેખાય જ છે. વડાપ્રધાન મોદી અમેરિકા, ચીન અને પાકિસ્તાન જઈ શકે છે પરંતુ દિલ્હીમાં બેઠેલા ખેડૂતોને નથી મળી શકતા. વડાપ્રધાન મોદીએ ખેડૂતોની મજાક ઉડાવી છે અને તેમને આંદોલનજીવી-પરજીવી ગણાવ્યા છે. મોદીજી દેશભક્ત અને દેશદ્રોહી વચ્ચેનો તફાવત નથી સમજી શક્યા.