×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ સેનાને સોંપી અમોઘ નિશાન ધરાવતી અર્જુન ટેંક, જાણો તેની ખાસીયતો


- સેનામાં 118 અદ્યતન અર્જુન ટેંક સામેલ કરવામાં આવશે

ચેન્નાઈ, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તમિલનાડુની રાજધાની ચેન્નાઈ પહોંચ્યા છે. જ્યાં તેમણે ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણેને યુદ્ધટેંક અર્જુન (MK-1A)ની ચાવી સોંપી છે. આ સાથે જ સેનામાં 118 અદ્યતન અર્જુન ટેંક સામેલ કરવામાં આવશે. તો ચાલો જાણીએ સ્વદેશી અર્જુન ટેંકની ખાસીયતો...

તમિલનાડુની રાજધાની ચેન્નાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને આ અદ્યતન ટેંકની સલામીનો પણ સ્વીકાર કર્યો હતો. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO)ના યુદ્ધ વાહન સંશોધન અને વિકાસ પ્રતિષ્ઠાન દ્વારા આ સ્વદેશી ટેંકની ડિઝાઈન અને વિકાસનું કામ કરવામાં આવ્યું છે. સંપૂર્ણપણે ભારતમાં જ બનેલી અર્જુન ટેંકનું આ સુધારેલું સંસ્કરણ અમોઘ નિશાન ભેદવાની ક્ષમતા ધરાવે છે જેથી ભારતીય સેનાની જમીન પરની મારક ક્ષમતાને વધુ મજબૂતાઈ મળશે.  

ડિઝાઈન તૈયાર કરનારા રેડ્ડીએ કરી પ્રશંસા

અર્જુન ટેંકની ડિઝાઈન તૈયાર કરનારા DRDOના ચેરમેન જી. સતીશ રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અર્જુન એમકે-1એને દેશને સમર્પિત કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સચિવ તરીકેની પણ જવાબદારી બજાવતા રેડ્ડીએ નવા સંસ્કરણમાં 71 નવા ફીચર જોડવામાં આવ્યા છે જે તેને વિશ્વની તમામ શ્રેષ્ઠ ટેંકોની સમકક્ષ લાવે છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સંરક્ષણ મંત્રાલયની બેઠકમાં 118 અદ્યતન અર્જુન ટેંક સેનામાં સામેલ કરવાના નિર્ણયને મંજૂરી અપાઈ હતી. 

અર્જુન ટેંકની ખાસીયત

DRDOએ અર્જુન ટેંકની ફાયર પાવર ક્ષમતાને ખૂબ વધારી દીધી છે. અર્જુન ટેંકમાં નવી ટેક્નોલોજીની ટ્રાન્સમિશન સિસ્ટમ છે જેથી તે પોતાના લક્ષ્યને સરળતાપૂર્વક શોધી શકે છે. તે યુદ્ધના મેદાનમાં જે માઈન્સ ફેલાવવામાં આવી હોય તેને ખસેડીને સરળતાપૂર્વક આગળ વધવા સક્ષમ છે. તેમાં કેમિકલ એટેકથી બચવા માટેના સ્પેશિયલ સેન્સર પણ લાગેલા છે. 

અર્જુન સીરિઝની અંતિમ બેચ

118 અર્જુન માર્ક-1એ ટેંક આ સીરિઝની અંતિમ બેચ હશે. હકીકતે અર્જુન ટેંકના આશરે 68 ટન જેટલા વજનને ભારતીય સેના સમસ્યારૂપ માને છે. ખાસ કરીને ચીન વિરૂદ્ધ લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશના દુર્ગમ ક્ષેત્રોમાં તેને તૈનાત નથી કરી શકાતી. આવા સ્થળો માટે સેના 20થી 25 ટન વજનની હળવી અને 30થી 50 ટન વજનની મધ્યમ ટેંકની આવશ્યકતા જાહેર કરી ચુકી છે. 

2012માં મંજૂરી, 2021માં મળશે પહેલી ટેંક

2012ના વર્ષમાં 118 અદ્યતન અર્જુન ટેંક ખરીદવા મંજૂરી મળી હતી અને 2014માં સંરક્ષણ ખરીદ સમિતિએ તે માટે 6,600 કરોડ 

રૂપિયા પણ ફાળવી આપ્યા હતા. પરંતુ સેનાએ તેની ફાયર ક્ષમતા સહિત અનેક બાબતોમાં સુધારાની માંગણી કરી હતી. આ બધા 

વચ્ચે 2015ના વર્ષમાં સેનાએ રશિયા પાસેથી 14,000 કરોડ રૂપિયામાં 464 મધ્યમ વજનની ટી-90 ટેંક ખરીદવાનો સોદો પણ કરી 

લીધો હતો. સેનાની માંગ પ્રમાણે સુધારા બાદ અર્જુન ટેંક માર્ક-1એને 2020માં લીલી ઝંડી મળી હતી. 

પહેલેથી 124 અર્જુન ટેંક સેનામાં સામેલ

2004ના વર્ષમાં 124 અર્જુન ટેંકની એક રેજિમેન્ટને પહેલેથી જ સેનામાં સામેલ કરી દેવાઈ છે જે પશ્ચિમી રણવિસ્તારમાં તૈનાત છે. 

પરંતુ તે અર્જુન ટેંક જૂના મોડલની છે અને ભારતીય સેનાએ તેમાં આશરે 72 સુધારાની આવશ્યકતા દર્શાવી હતી. ત્યાર બાદ 

DRDOએ નવું સંસ્કરણ તૈયાર કર્યું છે. તાજેતરમાં સામેલ કરવામાં આવેલી 118 અર્જુન ટેંક અદ્યતન ફીચર અને પહેલા કરતા વધારે 

મારક ક્ષમતા ધરાવે છે અને તેના માટે વધુ એક બખ્તરબંધ રેજિમેન્ટ બનાવવામાં આવશે.