×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ-ડીઝલ સતત ત્રીજા દિવસે વધ્યા, શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૧

દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૮ની વિક્રમી સપાટી નજીક જ્યારે ડીઝલનો ભાવ મુંબઈમાં પ્રતિ લીટર રૂ. ૮૫ નજીક પહોંચી ગયો હતો. દેશમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે, જ્યાં સાદા પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦થી માત્ર રૂ. ૧.૬૩ પૈસા ઓછો છે જ્યારે પ્રિમિયમ પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર કરી ગયો છે. દેશમાં ત્રણ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકંદરે ૯૦ પૈસા વધ્યા છે.

સરકારી કંપનીઓએ ગુરુવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૨૫ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો કર્યો હતો. આ સાથે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૫.૧૦ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૪.૦૨ થયો છે. ગુરુવારના ભાવ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૭.૮૫ અને મુંબઈમાં રૂ. ૯૪.૩૬ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૭૮.૦૩ થયો હતો તથા  મુંબઈમાં રૂ. ૮૪.૯૪ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા હોવા છતાં ભાવ ઘટાડવા માટે એક્સાઈઝ ડયુટીમાં ઘટાડો કરવાની સરકારની કોઈ યોજના નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ કોરોના કાળના એક વર્ષમાં પહેલી વખત પ્રતિ બેરલ ૬૧ યુએસ ડોલરને સ્પર્શ્યા છે. કોરોનાની રસી વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ બનવાથી ક્રૂડ ઓઈલની માગમાં વધારાની અપેક્ષાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ઊછાળો જોવા મળ્યો છે.

પેટ્રોલના રીટેલ ભાવમાં કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડયુટી અને રાજ્ય સરકારના વેટનું પ્રમાણ એકંદરે ૬૧ ટકા છે જ્યારે ડીઝલના રિટેલ ભાવમાં આ પ્રમાણ ૫૬ ટકા છે. માર્ચ ૨૦૨૦ની મધ્યથી પેટ્રોલનો રિટેલ ભાવમાં રૂ. ૧૮.૨૬ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૧૫.૭૪નો વધારો થયો છે. 

કોરોના કાળમાં વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં લોકડાઉનના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વિક્રમી કડાકો બોલાયો હતો. જોકે, આ સમયે પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવમાં ઘટાડો કરવાના બદલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલમાં થયેલા ભાવ ઘટાડાનો લાભ લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તે સમયે એક્સાઈઝ ડયુટીમાં વિક્રમી વધારો કરવામાં આવ્યો હતો.