×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિવ્યાંગોને પરીક્ષાઓમાં રાઈટર મેળવવાનો અધિકાર, SCએ કેન્દ્રને દિશા-નિર્દેશ બનાવવા કહ્યું


- ડિસગ્રાફીયા પીડિત લોકોને રાઈટરની સુવિધા આપવી તે કાયદાકીય નિયમનું પાલન

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે એક ચુકાદા દરમિયાન દિવ્યાંગોના વિકાસમાં જ આપણો વિકાસ રહેલો છે તે અર્થનું નિવેદન આપ્યું હતું. ટોચની અદાલતના કહેવા પ્રમાણે લેખન ક્ષમતાને પ્રભાવિત કરતી અસમર્થતાને દિવ્યાંગતા તરીકે સ્વીકારી શકાય. તેનાથી પીડિત વ્યક્તિ UPSC દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત સિવિલ સેવા પરીક્ષા સહિતની અન્ય પ્રતિયોગી પરીક્ષાઓમાં રાઈટર પ્રાપ્ત કરવાનો અધિકાર ધરાવે છે. 

દિવ્યાંગના વિકાસથી આપણો વિકાસઃ SC

ટોચની અદાલતના કહેવા પ્રમાણે આ ડિસગ્રાફીયાથી પીડિત લોકો માટે કોઈ ઉદારતા કે વિશેષાધિકારની વાત નથી. આવા લોકોને રાઈટરની સુવિધા આપવી તે કાયદાકીય નિયમોનું પાલન જ છે જેથી વિકલાંગ વ્યક્તિ સમાજમાં સમાનતા અને ગરિમા સાથે જીવન જીવી શકે તે સુનિશ્ચિત થઈ શકે. 

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ ઈંદિરા બેનર્જી અને જસ્ટિસ સંજીવ ખન્નાની પીઠે કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર દિશા-નિર્દેશ અને નિયમ બનાવીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને તમામ પ્રતિયોગી પરીક્ષાઓમાં રાઈટર સાથે બેસવા દેવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. 

પીઠના કહેવા પ્રમાણે દિવ્યાંગ લોકોના જીવનને પ્રભાવિત કરતી બાબતોમાં નિર્ણય લેવા દિવ્યાંગ વ્યક્તિની સલાહ લેવાવી જોઈએ. કોઈ પણ સાર્થક બદલાવમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત થવી જોઈએ. ટોચની અદાલતે કેન્દ્ર સરકારના સુવિધાના સંભવિત દુરૂપયોગના તર્કને બરતરફ કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, જો દિવ્યાંગ વ્યક્તિ પોતાના રસ્તામાં આવતી અડચણોના કારણે પોતાની ક્ષમતાઓને પૂરી રીતે ન ઓળખી શકે તો તે આપણા સમાજ માટે નુકસાન સમાન છે. આપણે તેની તમામ સંભવિત મદદ કરવી જોઈએ. તેમના વિકાસમાં આપણો વિકાસ રહેલો છે અને તેમની નિષ્ફળતા એ આપણી નિષ્ફળતા છે. 

સુપ્રીમ કોર્ટે MBBS વિકાસ કુમારની અરજીના અનુસંધાને આ ચુકાદો આપ્યો હતો. ડિસગ્રાફીયાથી પીડિત વિકાસ કુમારને UPSCએ પરીક્ષામાં રાઈટર આપવા મનાઈ કરી દીધી હતી. વિકાસે ટ્રિબ્યૂનલ અને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યા બાદ અંતે સુપ્રીમના બારણે ટકોરા માર્યા હતા.