×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાઃ PM મોદીના પ્રયત્નોની WHOએ કરી પ્રશંસા, ભારતમાં ઝડપી નિવારણનો ઉલ્લેખ


- 24 દિવસમાં 60 લાખ લોકોને રસી આપીને ભારત આગળ

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોનાનો સામનો કરવા માટેના ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉપાયોને જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું હોવાનું જણાવ્યું હતું. ભારતમાં WHOના પ્રતિનિધિ ડૉ. રોડ્રિકો ઓફરિને જણાવ્યું કે, જે ઝડપે ભારતમાં આ બીમારીની તપાસ અને નિવારણની કામગીરી થઈ તથા લોકોને કોરોનાસંબંધી નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવામાં આવ્યા તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી સંભવ થયું. તેમણે આ પ્રયત્નોને જનઆંદોલન બનાવી દીધેલા. 

રોડ્રિકોએ જણાવ્યું કે, કોરોનાકાળમાં ભારત સરકારે જે લચીલાપણું દાખવ્યું તે ગર્વ ઉપજાવે તેવું છે. 130 કરોડની વસ્તી, 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા 770 જિલ્લા ધરાવતા આ દેશમાં જે ઝડપથી ચિકિત્સા પ્રબંધ કરાવવામાં આવ્યો તે ખૂબ ગર્વ કરવા જેવી વાત છે. ઉપરાંત તેમણે ભારતમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારતમાં જે તત્પરતા અને અનુશાસનથી વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે તે આપણી જવાબદારીની ભાવનાને પ્રદર્શિત કરે છે. ભારતમાં 60 લાખ કરતા પણ વધારે લોકોને રસી અપાઈ ચુકી છે અને સૌથી ઝડપથી વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારત હાલ 60 લાખ લોકોને સૌથી ઝડપથી કોવિડ-19 વિરૂદ્ધની રસી આપનારો દેશ બન્યો છે. આ સ્થળે પહોંચતા અમેરિકાને 26 દિવસ લાગ્યા, બ્રિટનને 46 દિવસ લાગ્યા જ્યારે ભારતે સૌથી ઝડપી 24 દિવસમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી. 

24 કલાકમાં 17 રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત નહીં

દેશમાં કોરોના મહામારીની અસરમાં સતત ઘટાડો જણાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ મૃત્યુ નથી નોંધાયું. જો કે આ દરમિયાન સંક્રમણના 12,923 નવા કેસ સામે આવ્યા હોવાથી અત્યાર સુધીમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધીને 1,08,71,294 થઈ ગઈ છે. ઉપરાંત 108 લોકોના મોત સાથે કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને 1,55,360 થઈ ગઈ છે.