×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી આગળ વધી રહ્યું છે ભારતઃ પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે PM


- બહુમતથી સરકાર ચાલે છે, સહમતીથી દેશ

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે જનસંઘના સંસ્થાપકો પૈકીના એક પંડીત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને ભારત આજે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે જ્યારે દેશમાં આટલા સકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે, સમગ્ર વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે તો કયો ભારતીય હશે જેને ગર્વ નહીં થતો હોય. આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો ભારતીય સમુદાય જે ગર્વ સાથે જીવી રહ્યો છે તેનું કારણ ભારતમાં થઈ રહેલી ગતિવિધિઓ જ છે. એક સમય હતો જ્યારે ભારતે હથિયારો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવુ પડતું હતું પરંતુ આજે ભારત તે મામલે આત્મનિર્ભર બની ચુક્યું છે. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતે હથિયારો માટે વિદેશો પર નિર્ભર રહેવુ પડતું હતું. દીનદયાળજીએ તે સમયે કહ્યું હતું કે આપણને એક એવા ભારતનું નિર્માણ કરવાની આવશ્યકતા છે જે ફક્ત કૃષિ ક્ષેત્રે જ નહીં પણ સંરક્ષણ અને હથિયાર ક્ષેત્રે પણ આત્મનિર્ભર હોય. આજે ભારતમાં ડિફેન્સ કોરિડોર બની રહ્યા છે, મેડ ઈન ઈન્ડિયા હથિયાર બની રહ્યા છે અને તેજ જેવા ફાઈટર જેટ્સનું નિર્માણ પણ થઈ રહ્યું છે. 

વડાપ્રધાને તેઓ રાજકારણમાં સર્વસંમતિને મહત્વ આપતા હોવાનું જણાવ્યું હતું. તેમણે સંસદમાં પણ કહ્યું હતું કે, "બહુમતથી સરકાર ચાલે છે પરંતુ દેશ તો સહમતીથી જ ચાલે છે. અમે ફક્ત સરકાર ચલાવવા નથી આવ્યા, દેશને આગળ લઈ જવા આવ્યા છીએ. અમે ચૂંટણીમાં એકબીજા સામે લડીએ છીએ તેનો અર્થ એ નથી થતો કે અમે એકબીજાનું સન્માન નથી કરતા."

વડાપ્રધાને આત્મનિર્ભર ભારત અભિયાન દેશના ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના ભવિષ્યનું નિર્માણ બની રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં થઈ રહેલા મોટા ફેરફારો પણ સામાન્ય માનવીના જીવનને સરળ બનાવી દેશે, દેશને એક નવી અને ભવ્ય ઓળખ આપશે. વડાપ્રધાને જણાવ્યું કે, સામાજીક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવું જોઈએ તેનું દીનદયાળજી બહુ મોટું ઉદાહરણ છે. કોરોનાકાળમાં દેશે અંત્યોદયની ભાવના રાખી છેવાડાના તમામ ગરીબની પણ ચિંતા કરી. આત્મનિર્ભરતાની શક્તિ વડે દેશે એકાત્મ માનવ દર્શનને સિદ્ધ કર્યું, સમગ્ર વિશ્વને દવાઓ પહોંચાડી અને આજે વેક્સિન પહોંચાડી રહ્યું છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, રાજકારણમાં રાજ્યોના વિભાજનના કામને ભયાવહ માનવામાં આવતું હતું અને જ્યારે કોઈ નવા રાજ્ય બને ત્યારે દેશમાં શું સ્થિતિ સર્જાતી તેના અનેક ઉદાહરણો છે. પરંતુ ભાજપે જ્યારે 3 નવા રાજ્યો બનાવ્યા તો તેની પદ્ધતિમાં દીનદયાળજીના સંસ્કારોનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ આવશે. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડનું નિર્માણ થયું, ઝારખંડમાંથી બિહાર બનાવાયું અને છત્તીસગઢને મધ્ય પ્રદેશથી અલગ કરી દેવામાં આવ્યું પરંતુ તે સમયે દરેક રાજ્યમાં ઉત્સવનો માહોલ હતો. 

વિપક્ષને નિશાન પર લઈને વડાપ્રધાને કહ્યું કે, આપણા રાજકીય દળ, વિચારો અલગ હોઈ શકે છે અને આપણે ચૂંટણીમાં પૂરી તાકાતથી એકબીજા વિરૂદ્ધ લડીએ છીએ પરંતુ તેનો અર્થ એવો નથી થતો કે આપણે આપણા રાજકીય વિરોધીનું સન્માન ન કરીએ. પ્રણવ મુખર્જી, તરૂણ ગોગોઈ, એસસી જમીર પૈકીનું કોઈ અમારી પાર્ટી કે ગઠબંધનનો હિસ્સો નહોતું બન્યું પરંતુ તેમના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનનું સન્માન કરવું અમારૂ કર્તવ્ય છે.