×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડ હોનારત, મૃત્યુઆંક વધીને 26: બસ્સોથી વધુ લાપત્તા


(પીટીઆઈ) દહેરાદુન, તા. 8 ફેબ્રુઆરી, 2021, સોમવાર

ઉત્તરાખંડમાં હિમનદી વિસ્ફોટ પછીની ગંભીર સ્થિતિ ધીમે ધીમે સામે આવી રહી છે. સરકારી આંકડાઓ મુજબ સોમવાર સાંજ સુધીમાં 26 લાશો મળી હતી. પરંતુ હજુ પણ 202 નાગરિકો ગુમ છે.

એમાંથી ઘણાના મોત થયાની આશંકા છે. ઉતરાખંડના ચમોલીમાં હિમનદી વિસ્ફોટ થતાં રવિવારે ધૌલીગંગા નદીમાં અચાનક પુર આવ્યું હતું અને એ પુર રસ્તામાં આવનારા ડેમ સહીત સૌ કોઈને તાણી ગયું હતું. હવે બચાવ અને શોધખોળ કામગીરી ચાલી રહી છે.

નદીના રસ્તામાં આડશ ઉભી કરી બનાવાયેલો તપોવન ડેમ-વિષ્ણુગાદ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાવ ધોવાઈ ગયો હતો. એ ડેમની આજે રજૂ થયેલી આકાશી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉપરથી આવેલા કાંપ-ધૂળમાં ડેમ અડધો દટાઈ ચૂક્યો છે. આ ડેમ 2023 સુધીમાં તૈયાર થવાનો હતો, જે હવે સમયસર પુરો થાય એવી શક્યતા નથી. કેન્દ્રિય મંત્રી આર.કે. સિંહે સ્પષ્ટ કર્યું હતું કે પ્રોજેક્ટને નુકસાન થયું છે, પણ પ્રોજેક્ટ બંધ નહીં રહે.

અહીં આવેલી ટનલમાં પણ 30-35 કામદારો ફસાયા હોવાની આશંકા છે. આ સમગ્ર વિસ્તારમાં ઈન્ડો-તિબેટ બોર્ડર પોલિસ (આટીબીપી), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટુકડીઓ કામે લાગી છેે. 

સામાનની હેરાફેરી તથા બહાર નીકળેલાને સલામત સ્થળે પહોંચાડવા માટે વાયુસેનાના વિમાનો-હેલિકોપ્ટર કામે લાગ્યા છે. આર્મી મેડિકલ કોર અને અન્ય ટીમો પણ ત્યાં પહોંચી છે. અત્યાર સુધી 27 વ્યક્તિને જીવતા બચાવી શકાયા છે.

સૌથી મોટી મુશ્કેલી ટનલ સાફ કરવામાં આવી રહી છે, કેમ કે ટનલમાં 80 મિટર અંદર સુધી કાદવ પ્રવેશી ગયો છે. આઈટીબીપીના જવાનો તેની સફાઈમાં લાગેલા છે. આઈટીબીપીના 300 જવાનો ત્યાં કાર્યરત છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયો ગરટેસે કહ્યુ હતુ કે ભારતની આ મુશ્કેલી સમયે અમે તેમની સાથે છીએ. જે જોઈએ એ મદદ પુરી પાડીશું.

હિમાલયમાં વિકાસના નામે ધડ-માથા વગરની પ્રવૃત્તિ : ચિપકો આંદોલનના નેતા

હિમાલયમાં એક સમયે વૃક્ષો કપાતા અટકાવવા માટે વૃક્ષને ચીપકી જઈ બચાવવાનું આંદોલન ચાલ્યું હતું. ભારતનું એ સંભવત: પ્રથમ પર્યાવરણ આંદોલન હતું. તેના એક નેતા ચંડીપ્રસાદ ભટ્ટ હવે 87 વર્ષના થયા છે.

મેગ્સેસે એવોર્ડ વિજેતા ચંડીપ્રસાદે કહ્યુ હતુ કે હિમાલયમાં વિકાસના નામે આડેધડ પ્રવૃત્તિ ચાલી રહી છે. ચંડી પ્રસાદે કહ્યુ હતુ કે 2000ની સાલમાં જ જ્યારે સરકારે અહીં સંખ્યાબંધ ડેમ બાંધવાનો પ્રોજેક્ટ આરંભ્યો ત્યારે તેમને ચેતવણી આપી હતી, કે હિમાલયની પ્રકૃત્તિ સાથે છેડછાડ કરવાનું પરિણામ સારૂં નહીં આવે. 

જે નુકસાન પામ્યો એ તપોવન અને બીજો રિશિ ગંગા પ્રોજેક્ટ આ વિસ્તારના પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડનારા છે. આવા વિવિધ પ્રોજેક્ટથી નદીના પટ સાંકડા થઈ રહ્યા છે, પહાડો કપાઈ રહ્યા છે જેથી ભૂ-સ્ખલનનો ભય પણ વધી ગયો છે. 

12 હજાર કરોડના ચાર ધામ રોડ પ્રોજેક્ટ પર પ્રશ્નાર્થ 

હિમલાયની તરાઈ પર આવેલા રાજ્ય ઉત્તરાખંડમાં વારંવાર હોનારતનું એક મુખ્ય કારણ આડેધડ વૃક્ષોની કટાઈ છે. ઉત્તરાખંડની સરકારે 2013ની આફતમાંથી કોઈ શીખ લીધી નહીં અને વૃક્ષો કાપી હિમાલયમાં રોડ-રસ્તા-વિકાસ કાર્યોની મુર્ખામી કરી રહી છે.

એ મુર્ખામીમાં કેન્દ્રનો પણ સાથ મળ્યો છે. ચાર ધામ યાત્રા સરળતાથી થઈ શકે એ માટે સરકાર ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ, કેદારનાથને જોડતો રોડ અને અન્ય સુવિધા વિકસાવી રહી છે. એ માટે પહાડોમાં હજારો વૃક્ષો કાપવાના છે. 

પર્યાવરણવિદ્ની વારંવાર ચેતવણી છતાં સરકારે વિકાસની ગાડી દોડાવવા પર્યાવરણનો વિશાન કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં આ નિર્ણય કોર્ટમાં પડકારાયો હતો. માટે હાલ ચાર ધામ પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટમાં અટવાયેલો છે. આગામી 17મી તારીખે તેની સુનાવણી થનાર છે. આ પ્રોજેક્ટ હેઠળ સરકાર 816 કિલોમીટર લાંબો રસ્તો પહોળો કરવા માંગે છે. તેમાંથી સરકારે વૃક્ષો કાપીને 365 કિલોમીટરનો રસ્તો તો પહેલેથી જ બનાવી નાખ્યો છે. 

ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડના સૌથી વધુ નાગરિકો ગુમ

ગુમ થયેલા નાગરિકોનું સરકારે લિસ્ટ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં મળેલી વિગતો પરથી લિસ્ટ તૈયાર થયું છે. તેમાં ઉત્તરાખંડના 42, ઉત્તર પ્રદેશના 46 નાગરિકો ગુમ દર્શાવાયા છે. ઝારખંડના 13 નાગરિકો ગુમ થયા છે. એ ઉપરાંત અન્ય રાજ્યોના પણ અમુક નાગરિકો મિસિંગ છે. ગુજરાતના કોઈ નાગરિક આ ઘટનામાં ગુમ થયાની જાણ હજુ સુધી મળી નથી.

બરફવર્ષા : દુર્ઘટનાનું મુખ્ય કારણ

દુર્ઘટના કેમ થઈ તેની તપાસ માટે સરકાર ઈસરો, ડીઆરડીઓ જેવી વૈજ્ઞાાનિક સંસ્થાોની મદદ લઈ રહી છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે દુર્ઘટના પાછળ ભારે બરફવર્ષા જવાબદાર હતી. થોડા વખત પહેલા પડેલા બરફથી પર્વતની કેટલીક ટોચ તૂટી પડી હતી. એ તૂટેલી ટોચને કારણે હિમ-સ્ખલન થયું હતું. તેનાથી લાખો ટન બરફ નીચેની તરફથી આવ્યો હતો અને પોતાના રસ્તામાં આવનારા અવરોધોને તાણતો જતો હતો. આગળ જતા બરફે પાણીનું સ્વરૂપ ધારણ કરી વધારે સ્પીડ પકડી હતી. એ ઉપરાંતના કારણોની સંશોધકો તપાસ કરી રહ્યા છે.