×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કૃષિ કાયદાઓના વિરોધમાં ટિકરી સરહદે વધુ એક ખેડૂતની આત્મહત્યા


ખાપ પંચાયતોનું સમર્થન મળવાથી આંદોલન વધુ મજબુત બન્યું : હરિયાણામાં ટિકૈતે મહાપંચાયત સંબોધી

નવી દિલ્હી, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં આંદોલન સૃથળ ટિકરી સરહદે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા કર્મબીરે સુસાઇડ નોટ પણ છોડી હતી, જેમાં તેમણે લખ્યું છે કે ભારતીય કિસાન યુનિયન જિંદાબાદ, પ્યારા કિસાન ભાઇઓ મોદી સરકાર આ કાળા કૃષિ કાયદા પરત લેવા માટે તારીખ પર તારીખ આપી રહી છે. જ્યાં સુધી આ કાયદા પરત ન લેવાય ત્યાં સુધી અહીંથી નહીં હટીએ. 

52 વર્ષીય કર્મબીરે ટિકરી બોર્ડર પર ખુદના અહીંના એક વૃક્ષ પર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી, તેઓ હરિયાણાના ઝિંદના રહેવાસી હતા. જેને પગલે હવે હરિયાણાના ખેડૂતોમાં પણ કૃષિ કાયદાને લઇને કેન્દ્ર સરકાર પ્રત્યે રોષ વધી રહ્યો છે.

આ પહેલા પણ ટિકરી બોર્ડર પર જ એક ખેડૂતે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા 73 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા અનેક ખેડૂતોએ આત્મહત્યા, અકસ્માત, ઠંડી વગેરેને કારણે જીવ ગૂમાવ્યો છે. જ્યારે કુલ ત્રણ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે. 

બીજી તરફ હરિયાણાના ચરખી ડાબરી વિસ્તારમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે એક વિશાળ ખેડૂત મહાપંચાયતને સંબોધી હતી. જે દરમિયાન તેમાં સામેલ ખાપ પંચાયતોનો આભાર માન્યો હતો.

રાકેશ ટિકૈતે જાહેરાત કરી હતી કે ખેડૂતોનું આ આંદોલન હવે અટકવાનું નથી. સરકારે ટેકાના ભાવ માટે કાયદેસરની ખાતરી આપવી પડશે સાથે જ આ ત્રણેય કૃષિ કાયદાઓને પણ પરત લેવા જ પડશે. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ જન આંદોલન છે જે નિષ્ફળ નહીં જ જાય. જ્યારે સુધી કાયદા વાપસી ન થાય ત્યાં સુધી અમારી પણ ઘર વાપસી નહીં જ થાય.  

આ સાથે જ ટિકૈતે ટ્રેક્ટર ક્રાંતિની જાહેરાત કરી હતી. તેઓએ અગાઉ કહ્યું હતું કે કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાંથી 40 લાખથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવશે.

સાથે તેમણે માગણી કરી હતી કે સરકાર 10 વર્ષ જુના ટ્રેક્ટર પર પ્રતિબંધ મુકવા માગે છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને જે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની કચેરી આવેલી હોય ત્યાં જ આ જુના ટ્રેક્ટર લઇ જઇને પ્રદર્શન કરવામાં આવશે. જેને ટિકૈતે ટ્રેક્ટર ક્રાંતિનું નામ આપ્યું હતું. સાથે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરૂદ્ધનું આંદોલન પણ હવે ઉગ્ર બનાવવા તેમજ વધુને વધુ ગામડાઓને તેમાં જોડવાની જાહેરાત કરી હતી. 

ટિકૈતે જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન હવે વધુ મજબુત બન્યું છે, અમને આંદોલનમાં ખાપ પંચાયતોનું પણ સમર્થન મળવા લાગ્યું છે. જ્યારે ટિકૈત આ મહાપંચાયતને સંબોધી રહ્યા હતા ત્યારે અનેક ખાપ પંચાયતના નેતાઓ પણ તેમાં જોડાયા હતા. અગાઉ આવી અનેક મહાપંચાયતો ખેડૂતો ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કરી ચુક્યા છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ રેલીઓ કરવાનું પણ આયોજન ઘડાયું છે.  

પોલીસે ધરબેલા ખીલ્લાની પાસે ખેડૂતોએ ફુલ વાવ્યા

નવી દિલ્હી, તા. 7

ખેડૂતો દિલ્હીની જે સરહદોએ આંદોલન કરી રહ્યા છે ત્યાં પોલીસ દ્વારા રોડ પર ખિલ્લા ધરબી દેવામાં આવ્યા હતા. જેનો જવાબ આપવા માટે ખેડૂતોએ અનોખો રસ્તો અપનાવ્યો છે.

જે વિસ્તારમાં આ ખિલ્લા નાખવામાં આવ્યા છે ત્યાં આસપાસ ખેડૂતોએ ધુળ નાખીને ખેતી કરવાનું શરૂ કરી દીધુ છે. સાથે જ આ જમીન પર ખેડૂતોએ ગુલાબ સહિતના ફુલોના રોપા પણ રોપ્યા હતા. અહીંના ગાઝીપુર બોર્ડર પાસે ખેડૂતોએ એક નર્સરી ઉભી કરી દીધી છે.

એક ખેડૂતે કહ્યું હતું કે સરકારે અમારી સામે ખિલ્લા નાખ્યા છે અને તેનો જવાબ આપવા માટે અહીં ફુલ ઉગાવી રહ્યા છીએ.  ખાસ કરીને સિંઘુ બોર્ડર પર આંદોલન સૃથળે ખેડૂતોને પ્રવેશતા અટકાવવા માટે મોટી સંખ્યામાં બેરિકેડ્સ તેમજ રોડ પર ખિલ્લા નાખવામાં આવ્યા છે. આ પગલાની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઇ રહી છે જેને પગલે કેટલાક વિસ્તારમાંથી આ ખિલ્લાને કાઢવા પણ પડયા છે.