×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાટમાળ વચ્ચે જિંદગીઓ ધબકતી હોવાની આશા, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન


- દેવદૂત બની આવ્યાં જવાન, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો
ચમોલી, તા. 8 ફેબ્રુઆરી, 2021, સોમવાર

દેવભૂમિ ઉત્તરાખંડમાં 2013 બાદ ફરી એક વખત હોનારત ત્રાટકી છે અને ગ્લેશિયર તૂટી જવાના કારણે ચમોલી ખાતે ભારે નુકસાન થયું છે. પાણીના ભારે વહેણની સાથે ઘણું બધું તણાઈ ગયું છે તથા પ્લાન્ટથી લઈને પુલ અને મકાનો વગેરેને આ દુર્ઘટનામાં નુકસાન થયું છે. દુર્ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 14 જેટલા મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 100થી વધારે લોકો ગાયબ હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક પ્રશાસનથી લઈને સેના પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ ગઈ છે તથા રાજ્ય-કેન્દ્ર સરકાર મળીને કામ કરી રહી છે. 

સોમવાર સવારથી જ ફરી એક વખત તપોવન સુરંગ પાસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાટમાળ અને પથ્થરોને ખસેડવા માટે તોતિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓપરેશનમાં સેનાના એન્જિનિયર્સ પણ જોડાયા છે અને ચમોલી પોલીસના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં વિવિધ સ્થળેથી 14 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. ITBPના જવાનો બચાવ કામગીરીમાં જોડાયેલા છે પરંતુ સુરંગમાં ભારે કાટમાળ અને પાણી હોવાના કારણે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. ચમોલીની જે તસવીરો સામે આવી રહી છે તે 2013ના ભયાવહ ચિત્રને ફરી યાદ કરાવી રહી છે. જો કે આ વખતે પ્રશાસને તાત્કાલિક જ સક્રિયતા દાખવી છે અને સેના, વાયુસેના, નૌસેના, NDRF સહિત અનેક એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને તમામ સંભવિત મદદ પૂરી પાડવા માટે વિશ્વાસ અપાવ્યો છે. 

ચમોલી ખાતેની દુર્ઘટના બાદ હવે રાજ્ય સરકારોથી લઈને કેન્દ્ર સરકારનું ફોકસ રેસ્ક્યુ ઓપરેશન પર છે. તાજેતરના અહેવાલ પ્રમાણે દુર્ઘટના સ્થળેથી 14 જેટલા મૃતદેહ મળી આવ્યા છે અને 100થી વધારે લોકોને શોધવાની કામગીરી ચાલુ છે જે પ્લાન્ટમાં કામ કરતી વખતે તણાઈ ગયા હતા. એક ટનલમાં ફસાયેલા 16 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 25 લોકોને બચાવી લેવાયા છે. 

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત

આ દુર્ઘટનાને પગલે રાજ્યના બે પાવર પ્રોજેક્ટને ભારે નુકશાન થયું હતું. આ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2-2 લાખ તથા ગંભીર ઈજાગ્રસ્તોને રૂ. 50-50 હજાર તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે 4-4 લાખના વળતર સાથે કુલ રૂ. 6 લાખના વળતરની જાહેરાત કરી હતી.

ધૌળી ગંગા, ઋષિ ગંગા અને અલકનંદા નદીઓમાં અચાનક આવેલા પૂરના કારણે ઊંચાણવાળા પર્વતીય વિસ્તારમાં વ્યાપક સ્તરે વિનાશ વેર્યો હતો અને આ વિસ્તારમાં નિર્માણ હેઠળના બે પાવર પ્રોજેક્ટ્સ, તપોવન-વિષ્ણુગઢ હાઈડલ પ્રોજેક્ટ તથા ઋષિ ગંગા હાઈડલ પ્રોજેક્ટને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટના પછી તપોવન પ્રોજેક્ટની એક ટનલમાં ફસાયેલા 16 લોકોને બચાવી લેવાયા છે.

આ દુર્ઘટનાના કારણે અનેક ગામનો સંપર્ક તૂટી ગયો હતો. પૂરના પ્રવાહના કારણે ખીણ વિસ્તારની આજુબાજુના અનેક મકાનો તણાઈ ગયા હતા. જોશીમઠમાં હિમપ્રપાતના કારણે પૂર આવતાં ધૌળી ગંગા નદીના જળસ્તરે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા હતા. જોશીમઠમાં પૂરના કારણે ધૌળી ગંગા નદીમાં રવિવારે સવારે જળસ્તર 1,388 મીટર હતું. જે અત્યાર સુધીનું સૌથી ઊંચું જળસ્તર છે. અગાઉ 2013માં ઉત્તરાખંડમાં આવેલા પૂરના સમયે ધૌળી નદીમાં જળસ્તર 1,385.54 મીટરે પહોંચ્યું હતું. જોકે, દુર્ઘટનાના ક્લાકો પછી સાંજના સમયે અહીં જળસ્તર ઘટીને 1375 મીટર થઈ ગયું હતું.   

અલકનંદા અને સહાયક નદીઓમાં આવેલા પૂરના પાણીની સાથે કીચડ અને કાટમાળ રૈણી ગામ અને તપોવન વચ્ચે બની રહેલા એનટીપીસીના પાવર પ્રોજેક્ટમાં ઘૂસી આવ્યા હતા અને પાવર પ્રોજેક્ટનો વિનાશ કરી નાંખ્યો હતો.

દુર્ઘટના પછી આઈટીબીપી અને એસડીઆરએફ તેમજ એનડીઆરએફની ટીમોએ રાહત કાર્ય હાથ ધર્યું હતું. ગૃહમંત્રાલયે દિલ્હીથી પણ એનડીઆરએફની 200 જવાનોની ટીમ દેહરાદુન રવાના કરી હતી. આઈટીબીપી અને એસડીઆરએફના જવાનોએ પાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા 16 મજૂરોને બચાવી લીધા હતા. 

જોકે, દુર્ગમ વિસ્તારોમાં રાહત કાર્ય મુશ્કેલ બન્યું હોવાથી આ લોકોનાં મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અહીં રાહત કાર્ય માટે હવાઈ દળે તેના બે સી130જે સુપર હર્ક્યુલસ વિમાન પણ તેનાત કર્યા છે. આ દુર્ઘટનાને કારણે પૌરી, ટેહરી, રૂદ્રપ્રયાગ, હરીદ્વાર અને દેહરાદુન સહિત કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાઈ હતી.

કલાકો સુધી મોતનું તાંડવ ખેલ્યા પછી અલકનંદા અને સહાયક નદીઓનો પ્રવાહ શાંત થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે જણાવ્યું હતું કે, સાંજના સમયે અલકનંદા નદીના પ્રવાહમાં ઘટાડો આવ્યો છે. નંદપ્રયાગથી આગળ નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે.

હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના પછી આગામી બે દિવસમાં આ વિસ્તારમાં વરસાદની સંભાવના નથી તેમજ વાતાવરણ સામાન્ય રહી શકે છે. પર્વતીય વિસ્તારમાં ઊંચાણવાળા સૃથળે અનેક લોકોએ આ દુર્ઘટનાનું વિકરાળ રૂપ જોયું હતું અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ દુર્ઘટના નજરે જોનારા લોકોએ બૂમો પાડીને નીચાણવાળા વિસ્તારમાં પાવર પ્રોજેક્ટમાં કામ કરતા લોકોને ચેતવણી આપી હતી, પરંતુ પૂરના પ્રવાહના અવાજમાં તેમનો અવાજ દબાઈ ગયો હતો. કેટલાક લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

ગ્લેશિયર અકસ્માત માટે કેન્દ્ર જવાબદાર : ઉમા ભારતી

ઉત્તરાખંડના ચમોલીમાં સર્જાયેલી ગ્લેશિયર દુર્ઘટના પછી ભાજપનાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ આ ઘટના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. ઉમા ભારતીએ જણાવ્યું હતું કે પોતે મંત્રી હતા ત્યારે તેમના મંત્રાલયે હિમાલયમાં નદીઓ પર પાવર પ્રોજેક્ટના નિર્માણ અંગે ચેતવણી આપી હતી.