×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં 26મીએ ખેડૂતો 100 કિમીની વિશાળ ટ્રેક્ટર પરેડ કાઢશે

નવી દિલ્હી, તા. ૨૩

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જાય છે. આગામી ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોએ ૧૦૦ કિમી લાંબી વિશાળ ટ્રેક્ટર પરેડ કાઢવાની તૈયારી કરી લીધી છે. સાથે ખેડૂત નેતાઓએ કહ્યું છે કે અમને આ પરેડની દિલ્હી પોલીસ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ ૨૬મીની પરેડમાં ભાગ લેવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાંથી ટ્રેક્ટરો રવાના થઇ ગયા છે. 

ખેડૂતોએ દિલ્હીના આઉટર રિંગ રોડ પર આ વિશાળ ટ્રેક્ટર પરેડ કાઢવાની જાહેરાત કરી છે. સાથે જ ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ સુખદેવસિંહે કહ્યું હતું કે અમારા યુનિયન સાથે જોડાયેલા આશરે ૩૦,૦૦૦થી વધુ ટ્રેક્ટર આ પરેડમાં ભાગ લેશે. બીજી તરફ ઉત્તરાખંડથી ત્રણ હજાર જેટલા ટ્રેક્ટર પરેડમાં ભાગ લેવા માટે રવાના થઇ ગયા છે તેમ ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું. હાલ પંજાબના સંગરુર અને હરિયાણાના સિરસાથી ૩૦,૦૦૦ ટ્રેક્ટર ટ્રોલી સાથે રવાના થઇ ગયા છે.

સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે ખેડૂતોને ટ્રેક્ટર પરેડ માટે દિલ્હી પોલીસે અનુમતી આપી દીધી છે. ખેડૂતો ૨૬મીએ કિસાન ગણતંત્ર પરેડ કાઢશે, પોલીસે લગાવેલા બેરિકેડ્સ હટાવી લેવામાં આવશે અને અમને પ્રવેશ આપવામાં આવશે. આ પરેડના રુટને લઇને અમે પોલીસ સાથે સહમત થયા છીએ. સાથે ખેડૂત નેતાઓેએ એમ પણ કહ્યું હતું કે આ પરેડની અસર ગણતંત્ર દિનની ઉજવણી પર નહીં થવા દઇએ. સુરક્ષાને પણ કોઇ જ અસર નહીં થાય. ખેડૂત નેતાઓએ જે પણ લોકો આ ૨૬મીની ટ્રેક્ટર પરેડમાં જોડાવાના હોય તેમને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. ખેડૂત નેતાઓને આશા છે કે આશરે ૨૦ રાજ્યોમાંથી ખેડૂતોના પ્રતિનિધિઓ આ પરેડમાં જોડાશે. આ પરેડમાં કોઇ પણ રાજકીય પક્ષના ઝંડાને સ્થાન નહીં આપવામાં આવે, માત્ર તિરંગો અને કિસાન આંદોલનના સંગઠનોના ઝંડા જ ટ્રેક્ટર કે અન્ય વાહનો પર લગાવવામાં આવશે અને તે બાદ આ પરેડ કાઢવામાં આવશે.

બીજી તરફ ખેડૂતોને સરકારે પ્રસ્તાવ આપ્યો છે કે દોઢ વર્ષ માટે આ કાયદાઓને સ્થગિત કરવા માટે સરકાર તૈયાર છે. જોકે ખેડૂતોએ ૨૨મીની બેઠકમાં તો આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો પણ સરકારે વિનંતી કરી હતી કે ફરી અમારા પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવે. જેને પગલે ૨૩મી તારીખે આંદોલન સ્થળે વિવિધ ખેડૂત સંગઠનોના નેતાઓએ ચર્ચા કરી હતી. આશરે ૩૨ જેટલા કિસાન સંગઠનોના નેતાઓની બેઠક સિંધુ બોર્ડર પર યોજાઇ હતી. આ બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી સાથે જ ૨૬મીની ટ્રેક્ટર પરેડ અંગે પણ આયોજન ઘડાયું હતું.  દરમિયાન સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. ૭૫ વર્ષીય ખેડૂત રતનસિંહે આત્મહત્યા કરી લીધી હતી. કૃષિ કાયદાના વિરોધમાં તેમણે પોતાનો જીવ આપી દીધો હતો. આ પહેલા પણ કેટલાક ખેડૂત દિલ્હી બોર્ડર પર આંદોલન સ્થળે જ જીવ આપી ચુક્યા છે.